Americaને હજુ પણ ઉત્તર કોરિયાથી ભયઃ ટ્રમ્પે એક વર્ષ ઈમર્જન્સી વધારી

વોશિંગ્ટનઃ અમેરિકા તથા ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખની ઐતિહાસિક મુલાકાત અને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સના ૧૦ દિવસ બાદ જ ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવી તોળ્યું છે. કિમ જોંગ ઉન સાથે મુલાકાતના બીજા જ દિવસે ૧૩ જૂને ટ્રમ્પે કહ્યું હતું કે, હવે ઉત્તર કોરિયાથી જોખમ નથી.

અમેરિકા હવે શાંતિથી ઊંઘી શકે છે. બીજી તરફ ગઈ કાલે રાતે તેમણે ઉત્તર કોરિયા વિરુદ્ધ ફરીથી નેશનલ ઈમર્જન્સી એક વર્ષ માટે વધારી દીધી છે અને એવું પણ કહ્યું છે કે, ઉત્તર કોરિયાથી હજુ સાધારણ અને અસામાન્ય પરમાણુનું જોખમ તો છે જ. અમેરિકાએ ૨૬ જૂન ૨૦૦૮માં પહેલી વાર ઉત્તર કોરિયા પર ઈમર્જન્સી લગાવી હતી.

દરમિયાન સાત દાયકાથી દુશ્મન રહેલાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ગત ૧૨ જૂને પહેલીવાર સિંગાપોરમાં વાતચીત થઈ હતી. જેમાં ટ્રમ્પે કિમને પરમાણુ હથિયાર સમગ્ર રીતે ખતમ કરવા રાજી કરી લીધા હતા. ટ્રમ્પે બદલામાં સુરક્ષાની ગેરંટી પણ આપી હતી.

ઉત્તર કોરિયાની માગણીને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે દક્ષિણ કોરિયાની સાથે સંયુક્ત યુદ્ધ અભ્યાસ પણ પૂરો કરી દીધો હતો. તે સમયે ટ્રમ્પ અને કિમની મુલાકાત દોઢ કલાક ચાલી હતી. જેમાં ૩૮ મિનિટ બંને વચ્ચે ખાનગી મુલાકાત થઈ હતી. આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ઈવાઈટ આઈજનહોવર (૧૯૫૩)થી લઈને બરાક ઓબામા (૨૦૧૬) સુધી ૧૧ રાષ્ટ્રપ્રમુખોએ ઉત્તર કોરિયાના વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ટ્રમ્પ જેવી સફળતા કોઈને મળી નહતી.

આ અગાઉ ટ્રમ્પે ટ્વિટમાં લખ્યું હતું કે, મોટી મુલાકાતથી પરત આવ્યો છું. હવે દરેક જગ્યાએ સુરક્ષિત અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર કોરિયાથી હવે પરમાણુનું કોઈ જોખમ નથી. કિમ જોંગ ઉન સાથેની મુલાકાત ખૂબ રસપ્રદ અને સકારાત્મક રહી. બીજા ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું છે કે, રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પહેલાં હું માનતો હતો કે ઉત્તર કોરિયા સાથે યુદ્ધ થશે.

પૂર્વ પ્રેસિડન્ટ ઓબામાએ પણ કહ્યું હતું કે, ઉત્તર કોરિયાથી અમેરિકાને વધારે જોખમ છે. પરંતુ હવે એવુ નથી રહ્યું. હવે અમેરિકા આરામથી ઊંઘી શકે છે. જોકે ૧૦ દિવસ બાદ જ ટ્રમ્પે શુક્રવારે ઉત્તર કોરિયા વિરુદ્ધ ૧૧માં વર્ષે નેશનલ ઈમર્જન્સી લાગુ કરતાં લખ્યું છે કે, ઉત્તર કોરિયાથી હજુ પણ થોડુ પરમાણુ પ્રસારનું જોખમ રહેલું છે.

You might also like