AMC દ્વારા મેનહોલ રિપેરિંગમાં લાખો રૂપિયા ખર્ચાતા ઊઠ્યો વિવાદ…

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો આગામી તા.૧પ-૧૬ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬૯૯૦ કરોડનું જમ્બો બજેટની મંજૂરી માટે મથામણ કરશે. જોકે મ્યુનિસિપલ ગૃહમાં ભાજપની બહુમતિ હોઇ આ બજેટ પસાર થઇ જશે.

તેમ છતાં સત્તાવાળાઓની આંખ સામે થતા એક અથવા બીજા પ્રકારનાં આર્થિક કૌભાંડ અટકવાનાં નથી. મેનહોલ રિપેરિંગ જેવા સામાન્ય કામમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી માત્ર કોટેશન આધારિત કામ કરાઇને રૂ.રપ.૪ર લાખની રકમ ચૂકવાતી હોઇ સામાન્ય લોકોની પ્રાથમિક સુખાકારી કામ માટે ફાળવાયેલાં એક રૂપિયામાંથી દશ કે પંદર પૈસા પણ ખરા અર્થમાં ખર્ચાય છે કે કેમ તેનો વિવાદ ઉઠ્યો છે.

દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા શ્રીરામ રેસિડેન્સી થઇ નંદનવદન ચાર રસ્તા નવાણા ડ્રેનેજ પંપિંગ સ્ટેશનમાં જતી મુખ્ય ૯૦૦ એમએમ વ્યાસની હયાત લાઇન ઉપર કળશ એલિગન્સ પાસેની ડ્રેનેજ લાઇન પરનો મેનહોલ તૂટી ગયો હતો. આ જગ્યાએ નવો મેનહોલ બનાવવા માટે ફક્ત કવોટેશન મંગાવાયા હતાં અને કવોટેશન આધારિત રૂ.રપ.૪ર લાખના જંગી બિલની ચુકવણી કરાઇ હતી.

આ કામમાં માનીતા કોન્ટ્રાક્ટરને આર્થિક લાભ અપાવવા તંત્રના ચેપ્ટર પાંચના રૂલ-બેનો ઉપયોગ કરીને કોઇ કરારપત્ર કે ડિપોઝિટ ભરવામાંથી પણ મુક્તિ અપાઇ હતી. આ એક પ્રકારનું આર્થિક કૌભાંડ હોવા છતાં પહેલાં વોટર સપ્લાય કમિટીમાં અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં શાસકપક્ષે આ કામને આંખ મીંચીને મંજૂરી આપી હતી.

આમાં વધુ વિવાદાસ્પદ બાબત એ છે કે દર વખતે વોટર સપ્લાય કમિટીમાં મેનહોલ રિપેરિંગના આઠથી દશ કામ આવે છે અને પ્રત્યેક મેનહોલ રિપેરિંગ પાછળ ઓછામાં ઓછા રૂ.પાંચથી છ લાખ ચુકવાઇ રહ્યા છે. આવા તમામ મેન હોલ રિપેરિંગનાં કામને અગત્યનાં ગણીને માત્ર ક્વોટેશન મગાવીને કરાવાય છે. જો કે મેનહોલ રિપેરિંગમાં કોઇને ઊંડી તપાસ કરવામાં રસ નથી.

You might also like