અલ્પેશ ઠાકોર સહિતના કાર્યકરો, આંગણવાડીની બહેનોની અટકાયત

અમદાવાદ: આંગણવાડીની બહેનો તેમજ આશા વર્કરોની માગણીઓ અને સમસ્યાઓના નિરાકરણ માટે આજે સવારે ઓબીસી એસટી-એસસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર સહિત ૪૦૦ કરતાં વધુ આંગણવાડી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. મંજૂરી વગર કલેક્ટર ઓફિસ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા.

આંગણવાડી તેમજ આશા વર્કરોની લઘુતમ વેતન તથા નિવૃ‌િત્ત વયમર્યાદા અને કાયમી કરવાની માગ સાથે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  થોડાક દિવસો પહેલાં ગાંધીનગર અને આસપાસની આંગણવાડીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિધાનસભા ખાતે દેખાવો કરવાના હતા, જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ આંગણવાડી મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરોની પડતર માગણીઓ તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે લડત આપવામાં આવી રહી છે.

જોકે સરકાર દ્વારા તેમની માગણીઓ અંગે કોઇ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવતાં રાજ્યમાં ઠેરઠેર ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આંગણવાડી તેમજ આશાવર્કરોની માગણી નહીં સંતોષાતા આજે સવારે ઓબીસી એસટી-એસસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર તથા તેના કાર્યકરો ૪૦૦ કરતા વધુ આંગણવાડી તેમજ આશાવર્કરોની મહિલાઓએ પોલીસની મંજૂરી વગર કલેક્ટર ઓફિસ બહાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સેક્ટર-૧ જેસીપી પિયુષ પટેલના આદેશ બાદ અલ્પેશ ઠાકોર સહિત ૪૦૦ કરતા વધુ વ્યક્તિઓની અટકાયત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like