તંત્રને આદેશઃ ૩૧ મે સુધીમાં રસ્તાનાં તમામ કામ પૂરાં કરવાં પડશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડની નવાઈ નથી, પરંતુ ગત ચોમાસાના પહેલા રાઉન્ડના વરસાદમાં જ આશરે રૂ.૪પ૦ કરોડના રસ્તા ધોવાતાં આ મામલો રાજયભરમાં મહિનાઓ સુધી ગાજયો હતો. હાઇકોર્ટમાંં આ બાબતે જાહેર હિતની અરજી થતાં સમગ્ર કૌભાંડ વધુ ચર્ચાસ્પદ બન્યું હતું.

હાઇકોર્ટે પણ અવારનવાર તંત્રની તૂટેલા રોડ અને તેના રિપેરિંગ અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓની ઝાટકણી કાઢી છે. જોકે હવે સત્તાધીશો કોન્ટ્રાકટરને ઊંચા ભાવ ચૂકવીને રસ્તાના કામ ઝડપભેર કરાવવાની દિશામાં પ્રયત્નશીલ બન્યા છે. તંત્રના ઉચ્ચ સ્તરેથી આગામી તા.૩૧ મે સુધીમાં રસ્તાના તમામ કામ આટોપી લેવાનો આદેશ પણ સંબંધિત અધિકારીઓને અપાઇ ગયો છે. કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર પણ બહાર પડયો છે. જોકે ૩૧ મે સુધી કામો પુરા થવા અંગે ખુદ મ્યુનિ. વર્તુળોમાં અાશંકા છે.

ગઇ કાલે મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ રોડના કામના કોન્ટ્રાકટર નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકચરને ગત વર્ષ ર૦૧૭-૧૮માંં પૂર્વ ઝોનના વિવિધ રસ્તાના રિસરફેસિંગ માટે અપાયેલા રૂ.૧ર.૪૬ કરોડના કોન્ટ્રાકટમાં વધારાનું રૂ.૧ર કરોડનું કામ આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે તંત્રે આ કોન્ટ્રાકટરને વધારાનું કામ વગર ટેન્ડરે આપ્યું હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિસિપલ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો.

દ‌િક્ષણ ઝોનના વટવા વોર્ડમાં વટવા તળાવથી હોમગાર્ડ ઓફિસ થઇ બાલા હનુમાન મંદિરથી રિંગરોડને જોડતો ગામડી રોડ તેમજ નવા પશ્ચિમ ઝોનના વિભિન્ન વોર્ડના ટોપ મોસ્ટ પ્રાયોરિટીવાળા રસ્તાના રિસરફેસિંગની કામગીરી ચોમાસા પહેલાં કરવી જરૂરી હોઇ નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકચરને અગાઉના કામ ઉપરાંત આ વધારાનું કામ આપતાં વિવાદ ઊઠયો છે. આગામી તા.૩૧ મે પહેલાં કોન્ટ્રાકટર આ કામગીરી પૂર્ણ કરી શકશે કે કેમ? તે અંગે પણ પ્રશ્નાર્થ કરાયો છે.

જોકે આ મામલે ખુદ કમિશનર મૂકેશકુમારે દરમિયાનગીરી કરતાં જણાવ્યું હતું કે આ કામમાં કંઇ જ ખોટું કરાયું નથી. અગાઉના મંજૂર થયેલા ભાવ પર જ વધારાનું કામ અપાયું છે. અગાઉ ત્રણ ત્રણ વખત ટેન્ડર પ્રસિદ્ધ થયા હતા, પરંતુ કોઇએ ટેન્ડર ન ભરતાં સ્પર્ધા થઇ નથી તો શું રોડનું કોઇ કામ નહીં કરવાનું.

You might also like