વિરાટના ભાથામાં ઉમેરાયેલું નવું તીરઃ હાર્દિકને આપશે ટક્કર

નવી દિલ્હીઃ શ્રીલંકા સામે કોલકાતા ટેસ્ટ ડ્રો રહી. હવે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં ભુવનેશ્વરકુમાર પોતાનાં લગ્નને કારણે રમવાનો નથી તેથી તેના સ્થાને ઓલરાઉન્ડર વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હોવાને કારણે એક સમયે હાર્દિક પંડ્યાને આ જ કારણસર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે શંકર આગામી સમયમાં હાર્દિકને ટક્કર આપી શકે તેમ છે.

વિજય શંકર અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટીમ ઇન્ડિયા માટે એક નવી શોધ સાબિત થઈ શકે છે. તે ટીમમાં હાર્દિકની કમી આસાનીથી પૂરી કરી શકે તેમ છે. ટેસ્ટ ટીમમાંથી હાલ હાર્દિક બહાર છે. આ સ્થિતિમાં આ નવોદિત ઓલરાઉન્ડર ટીમમાં સારું સંતુલન બનાવી શકે તેમ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી બે ટેસ્ટ પણ ટીમ ઇન્ડિયા ફાસ્ટ વિકેટ પર જ રમવાની છે. જો એવું થયું તો આ મેચમાં સ્પિનરને સામેલ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. વિજય શંકર ટીમ ઇન્ડિયા માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. તે સારી બેટિંગ પણ કરી જાણે છે. વિજય વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. વિજય ઇન્ડિયા-એ ટીમની સાથે દક્ષિણ આફ્રિકાનાે પ્રવાસ પણ ખેડી ચૂક્યો છે.

વિજયે ૭૨ રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને શ્રેણી જીતવામાં મદદ કરી હતી. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ તેણે ૪૨ બોલમાં ૪૭ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ત્રીજી મેચમાં તેણે ૩૩ બોલમાં ૬૧ રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં તેણે પાંચ છગ્ગા પણ ફટકાર્યા હતા. તાજેતરમાં તેણે ઓડિશા સામે રણજી ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી હતી.

ટીમમાં પસંદગી થયા બાદ શંકર વિજયે જણાવ્યું, ”હું ઘણો ઉત્સાહિત છું. ભારતીય ટીમનો હિસ્સો બનવું એ મારું સપનું હતું, જે હવે સાચું ઠર્યું છે. મારી સખત મહેનત રંગ લાવી છે. હું આવી આશા નહોતો રાખતો, પરંતુ હવે મને બહુ જ સારું લાગી રહ્યું છે.”

You might also like