VIDEO: ઝેરીલું રાજ્કોટ! શહેરની હવામાં Co2નું પ્રમાણ વૈશ્વિક સ્તરથી પણ વધારે

રાજકોટ: શહેરમાં મનપાનાં અધિકારીઓ નવા-નવા પ્રોજેક્ટો લાવી રહ્યાં છે. જેનાં કારણે શહેરની હવામાં પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે શહેરમાં કાર્બન ડાયોક્સાઈડનાં પ્રમાણમાં વૈશ્વિક સ્તરે વધારો થયો છે. ત્યારે હવે શહેરની હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધીને 550થી 800 સુધી પહોંચી ગયું છે.

મહત્વનું છે કે, રાજકોટમાં વસ્તી ઝડપથી વધી રહી છે જેનાં કારણે વાહનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં શહેરમાં દરરોજ 15 લાખથી વધુ વાહનો અવર-જવર કરતાં હોય છે. આ ઉપરાંત શહેરની ફેક્ટરીઓમાંથી નિકળતા ધુમાડાનાં કારણે પણ હવાનાં પ્રદુષણમાં વધારો થયો છે. શહેરમાં હરિયાળી હવે માત્ર 3 ટકા જ રહી છે.

રાજકોટ મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ નવા-નવા પ્રોજેક્ટો ઘડવામાં વ્યસ્ત છે ત્યારે શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે. કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વૈશ્વિક સ્તરે ગત એપ્રિલ દરમિયાન વધીને ૪૧૦ પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) પહોંચ્યું છે કે જે ચિંતાનો વિષય છે અને તેથી વધુ ચિંતાનો વિષય એ છે કે રાજકોટમાં આ સ્તર ૫૫૦થી માંડીને ૮૦૦ સુધી પહોંચી ગયું છે.

આજે બપોરનાં સમયે જ્યારે ટ્રાફિક સવાર-સાંજ કરતા ઓછો હોય ત્યારે પણ રાજકોટમાં હોસ્પિટલ ચોકે ૫૪૨ સૌથી વધારે પ્રદ્યુમ્નપાર્ક વિસ્તારમાં ૮૧૧, અટીકા વિસ્તારમાં ૭૨૦, ત્રિકોણબાગ ખાતે ૬૯૭, મનપાની ભાવનગર રોડ પર આવેલી ઓફિસ પાસે ૫૭૯, મહિલા કોલેજ ચોક ૬૧૧, નાનામવા સર્કલ ૬૧૦, ગોંડલરોડ ચોક ૫૪૭ રેલવે સ્ટેશન પાસે ૬૪૫, આજી ડેમ ચોક પાસે ૬૬૮ ,કોઠારીયા ૬૪૨ પી.પી.એમ. નોંધાયેલ છે.

મનપાનાં સેન્સરો આ માપને સેન્ટેજમાં માપે છે અને તે મુજબ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૦.૦૫૦૦થી ૦.૦૮૦૦ સુધી આવે છે. મનપાએ તેને પી.પી.એમ. મુજબ માપવાનું શરૂ કરવાની પણ જરૂર છે. આ પહેલાં મનપામાં યુ.વી.ઈન્ડેક્સ પણ પોઈન્ટમાં મપાતો હતો જેમાં તાજેતરમાં સુધારો કરાયો હતો.

એ નોંધનીય છે કે રાજકોટમાં પ્રદૂષણનો આંક લગભગ તમામ સ્થળે ૧૦૦થી વધારે અર્થાત્ મોડરેટ પોલ્યુશન સૂચવે છે. સૌરાષ્ટ્રમાં અન્ય નગરોમાં સેન્સરો મુકાયાં નથી પણ ત્યાં પણ હવાનાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હોવાની પૂરી શક્યતા છે.

રાજકોટમાં માણસોની વસ્તી કરતા વાહનોની વસ્તી ઝડપથી વધી રહી છે. હાલ ૧૫ લાખથી વધારે વાહનો છે અને બહારગામથી બીજા એકાદ લાખ વાહનો પણ અવર જવર કરતા હોય છે. તો બીજી તરફ વસ્તીની ગીચતા વધી છે અને તે માટે મનપા અને સરકારની નીતિ-રીતિ જ (જેમ કે સાંકડી શેરીમાં બહુમાળી ઈમારતોની છૂટ) જવાબદાર છે.

શહેરમાં રોજ ૧.૬૦ લાખ લિટરથી વધુ પેટ્રોલ અને ૩.૫૦ લાખ લિટરથી વધુ ડીઝલ વપરાય છે. A.Cનું પ્રમાણ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આમ ઉપરોક્ત રીતે એક તરફ હવા પ્રદૂષિત થઈ રહી છે.

તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણમાં લક્ષ્ય અપાયું નથી. શહેરમાં માત્ર ૩ ટકા હરિયાળી છે અને તે પણ સમતોલ રીતે નથી. ૧૫ લાખ લોકો સામે માત્ર ૨.૯૦ લાખ છે. એકંદરે મનપા અને સરકારની આ ઉપેક્ષા યથાવત્ રહેશે તો રાજકોટ સ્વચ્છતા કે વિકાસની બાબતે તો દૂર, પ્રદુષણની બાબતે પણ અગ્રક્રમે આવી જશે!

You might also like