VIDEO: અમદાવાદમાં મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ, છેડતી કરનાર યુવક CCTVમાં કેદ

અમદાવાદઃ શહેરનાં વસ્ત્રાપુરમાં પીજીમાં રહેતી યુવતીની શારીરિક છેડતી થઇ હોવાંની એક ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા યુવકે છેડતી કરી છે. છેડતી કરનાર યુવકનાં સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે.

શહેરમાં હવે યુવતીઓ સલામત નથી. સેટેલાઇટનાં ગેંગરેપ બાદ સાબરમતીમાં કુરિયર બોય સગીરાની છેડતી કરી તો ફરી ગુરુકુળમાં પીજીમાં રહેતી એક યુવતી પણ છેડતીનો ભોગ બની છે. આ ઘટના છે ગુરૂકુલનાં ઓક્સફર્ડ ટાવરની.

આ ટાવરમાં પીજીમાં રહેતી અને એક બેંકમાં ફાયનાન્સ એડવાઇઝર તરીકે નોકરી કરતી યુવતી પોતાનું વાહન જ્યારે પાર્ક કરીને ઘરે જવા માટે લિફ્ટમાં બેસી રહી હતી ત્યારે એક યુવકે લિફ્ટમાં ઘૂસીને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.

તે યુવકે તે યુવતી પાસે બીભત્સ માંગણી કરી હતી. અચાનક બનેલી આ ઘટનાથી યુવતી ગભરાઈ જતાં તેને બુમાબુમ કરી અને યુવક અચાનક બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. જો કે આ યુવક સીસીટીવીમાં ઝડપાઈ ગયો છે.

મહત્વનું છે કે આ ટાવરનાં સીસીટીવીમાં યુવકનો ચહેરો સ્પષ્ટ દેખાઇ આવે છે. આ યુવક બાઈક પર યુવતીનો પીછો કરીને આવ્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે. યુવતી જ્યારે પાર્કિગમાંથી લિફ્ટ તરફ પહોંચી ત્યારે યુવક પણ ફટાફટ ત્યાં પહોંચી ગયો.

દોઢથી બે મિનિટ બાદ આ યુવક બાઈક લઈને જતો રહ્યો. મહત્વની બાબત છે કે આ ટાવરમાં સિક્યુરિટી ગાર્ડ પણ નથી. જ્યારે લિફ્ટનાં સીસીટીવી પણ બંધ છે. જેથી તે યુવક નાસી જવામાં સફળ રહ્યો હતો.

યુવતીની છેડતીની ઘટનાથી સોસાયટીમાં પણ હવે સુરક્ષાને લઈને કેટલાંક સવાલો ઉઠ્યાં છે. આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે છેડતીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે.

You might also like