અમદાવાદના ર૧ર ટ્રાફિક સિગ્નલ પર ડિજિટલ ‘કાઉન્ટ ડાઉન ટાઇમર’ લગાવાશે

અમદાવાદ: મેગાસિટી અમદાવાદના નાગરિકોના જે તે ટ્રાફિક સિગ્નલ પર વાહન ઇંધણનો બગાડ થતો અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરનાં તમામ ર૧ર ટ્રાફિક સિગ્નલને ડિજિટલ કાઉન્ટ ડાઉન ટાઇમરથી સજ્જ કરવાની દિશામાં ક્વાયત હાથ ધરાઇ છે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા અગાઉ પંચાવન જંકશન પર ડિજિટલ કાઉન્ટ ડાઉન ટાઇમર લગાવાયાં છે. જ્યારે ર૭ જંકશન પર બંધ પડેલા ટ્રાફિક સિગ્નલને ડિજિટલ કાઉન્ટ ડાઉન ટાઇમર લગાડાયાં છે. આમ ૮ર ટ્રાફિક જંકશનને ડિજિટલ કાઉન્ટ ડાઉન ટાઇમરથી સજ્જ કરાયા બાદ હવે તંત્ર બાકીનાં ૧૩૦ ટ્રાફિક જંકશનને ડિજિટલ કાઉન્ટ ડાઉન ટાઇમરથી સજ્જ કરશે.

આ માટે આગામી શુક્રવારે મળનારી રોડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં તંત્રે દરખાસ્ત મૂકી છે. જે મુજબ હાલમાં રૂ.૩૦.૯૦ લાખનો અંદાજ મંજૂરી માટે મુકાયો છે. અંદાજ આધારિત ટેન્ડર બહાર પાડીને આગામી છ મહિનામાં સમગ્ર શહેરના ટ્રાફિક સિગ્નલમાં ડિજિટલ કાઉન્ટ ડાઉન ટાઇમર લાગી જશે. સૂત્રો કહે છે, એક ટ્રાફિક સિગ્નલમાં ટાઇમર બેસાડવાનો ખર્ચ રૂ.પ૭૦૦નો છે. જે તે ટાઇમરમાં ૯૦ સેકન્ડ, ૧ર૦ સેકન્ડ કે ૧રપ સેકન્ડની સાઇકલ બેસાડાઇ હોઇ આ સાઇકલના આધારે જે તે જંકશન પર ઊભેલા વાહન ચાલક પોતાના વાહનને ચાલુ-બંધ કરીને ઓછાં ઇંધણની બચત કરી શકે છે.

આ સાથે સાથે ચામુંડા રેલવે ઓવરબ્રિજનું રૂ.૪.ર૪ કરોડના ખર્ચે અને ગિરધરનગર રેલવે ઓવરબ્રિજનું રૂ.૪.૦ર કરોડના ખર્ચે રિપેરિંગ કરવાનાં જુદાં જુદાં ટેન્ડર રોડ બિલ્ડિંગ કમિટીની સમક્ષ તંત્ર દ્વારા મંજૂરી માટે મુકાયાં હોઇ આ બન્ને કામ એક જ કંપની રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગને સોંપાશે. દરમ્યાન બીઆરટીએસના નારોલથી નરોડાના કોરિડોરમાં બસ સ્ટેશન નજીકના ડોકિંગ એરિયામાં બસના સતત બ્રેક મારવાના કારણે પડેલા ખાડાને દૂર કરવા ૮૦મીમી જાડાઇના પેવર બ્લોક લગાવાશે. જેની પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.૬ર.૬૩ લાખ ખર્ચાશે.
http://sambhaavnews.com/

You might also like