ફતાશાની પોળમાં ભયજનક મકાન અંદરથી તૂટી પડ્યુંઃ એકનું મોત

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા વરસાદનો માર ઝીલી ન શકવાથી આજે વહેલી સવારે કોટ વિસ્તારમાં આવેલી ફતાશા પોળના એક જર્જરીત મકાનની ઉપલી છત અને સીડી ધડાકાભેર તૂટી પડતાં એક પરિવાર દટાઇ ગયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં ચાલીસ વર્ષીય રાજુભાઇ ઠાકોરનું સ્થળ પર જ મોત થયું હતું મરનારનાં પત્ની અને બે બાળકોને સામાન્ય ઇજા સાથે હેમખેમ બહાર કઢાયાં હતાં.

ખાડિયા વોર્ડમાં આવેલા પાતાલેશ્વર મહાદેવની બાજુની ફતાશા પોળ સ્થિત ત્રણ માળનું જર્જરીત મકાન વરસાદી હોનારતનું ભોગ બન્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને ભયજનક મકાન અંગેની નોટિસ ફટકારી હતી પણ તેની અવગણના કરવાની ભૂલ ભયાનક સાબિત થઈ હતી. આજે વહેલી સવારે ૪ વાગ્યે આ મકાનની ઉપલી છત અને સીડી તૂટી પડતાં મકાનમાં રહેતા ઠાકોર પરિવારનાં બે બાળકો સહિત ચાર વ્યક્તિ કાટમાળ હેઠળ દટાઇ હતી. રાજુભાઇ ઠાકોર નામના ચાલીસ વર્ષીય વ્યક્તિનું માથા અને પગના ભાગે થયેલ ભારે ઇજાથી સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની ૩૦ વર્ષીય રેવીબહેન અને ૭ વર્ષની સીમા અને ૩ વર્ષનો હરીશ પણ તૂટી પડેલા મકાનના કાટમાળ હેઠળ દટાઇ ગયાં હતાં.

દરમ્યાન મ્યુનિસિપલ ફાયરબ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂરના જણાવ્યા મુજબ ફતાશા પોળની દુર્ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેવીબહેન અને બંને બાળકોને સામાન્ય ઇજા સાથે કાટમાળમાંથી બહાર કઢાયાં હતાં આ ત્રણેય ઇજાગ્રસ્તોને વી.એસ. હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલાયાં હતાં. જ્યારે વી.એસ. હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.કુલદીપ જોશીના જણાવ્યા મુજબ સવારે ૪-૩૦ કલાકે માતા અને બંને બાળકોને માથા અને પગ પર થયેલી ઇજાના કારણે ટ્રોમા સેન્ટરમાં સારવાર અપાઇ રહી છે. ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલ લવાયા ત્યારે ભાનમાં હતાં. જ્યારે મૃતક રાજુભાઇ ઠાકોરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઇ છે. હાલમાં આ ત્રણેય જણા ભયમુક્ત છે અને પ્રાથમિક સારવાર અપાયા બાદ હોસ્પિટલમાંથી રજા અપાશે.

આ દરમ્યાન મધ્ય ઝોનનાં એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇના જણાવ્યા મુજબ રથયાત્રા રૂટ પરના ભયજનક મકાનોના સર્વે દરમ્યાન ર૮૦ મકાનોને ભયજનક જાહેર કરાયાં હતાં. આજે ધરાશાયી થયેલું મકાન પણ કોર્પોરેશનની ભયજનક યાદીમાં હતું.

કોટ વિસ્તારનાં અનેક મકાનોમાં રહેતા લોકોના માથે મોત ઝળૂંબે છે
શહેરમાં સૌથી વધુ ભયજનક મકાનો કોટ વિસ્તારમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દાયકાથી શહેરનાં ભયજનક મકાનોનો કોઇ સર્વે કરાયો નથી. કોટ વિસ્તારમાં પણ પરંપરાગત રથયાત્રા રૂટ પરના મકાનોનો સર્વે કરાય છે. જે ખરેખર આઘાતજનક બાબત છે.

આપણુું અમદાવાદ ૪૬૬ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. શહેરમાં ૬પ લાખની જનસંખ્યા અને ૧૮ લાખથી વધુ રહેણાક અને બિનરહેણાક મિલકતો હોઇ તંત્ર ભયજનક મકાનોનો સર્વે કરે કે ન કરે પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે પણ પોતાના મકાનની કાળજી લેવી જોઇએ. પરંતુ તેમાં મોટા ભાગના નાગરિકો ‌બેકાળજી દાખવે છે. એટલે વર્ષ દરમ્યાન ચોમાસા સિવાય પણ ગમે ત્યારે બે થી ત્રણ મકાન ધરાશાયી થતા હોવા છતાં પણ પડું પડું થતા મકાનને પણ ઝટ છોડતા નથી.

ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં મધ્ય ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા એકલા કોટ વિસ્તારમાં ૧પ થી ર૦ જેટલા ભયજનક મકાનને ઉતારી લેવાયાં હતાં તેમ તંત્ર પાસેથી જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like