અમદાવાદ કાયમી ‘કમળાગ્રસ્ત’, છ મહિનામાં ૧૮૧૫ કેસ નોંધાયા

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ અમદાવાદને ‘ક્લીન, ગ્રીન અને બ્લૂ’ અમદાવાદ બનાવવાનું વચન નાગરિકોને આપ્યું છે. આ માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નું રૂ.૬૦૮૦ કરોડનું જંબો બજેટ તૈયાર કરાયું છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે દર વર્ષે કરોડો-કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ લોકોને આજે પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો અટક્યો અટકતો નથી. હજુ હમણાં ૨૦૧૪માં અમદાવાદ ‘કમળાગ્રસ્ત’ થયું હતું. બે વર્ષની અંદર પુનઃ શહેરમાં કમળાએ હાહાકાર મચાવ્યો છે.

આમ તો કોર્પોરેશન દ્વારા છેક વર્ષ ૨૦૧૦માં શહેરના સો ટકા િવસ્તારમાં પાણી અને ગટરની સુવિધાનો ‘ગોલ્ડન ગોલ’ જાહેર કરાયો હતો, પરંતુ અમદાવાદીઓના કમનસીબે ગોલ્ડન ગોલની જાહેરાતના અડધા દાયકામાં ત્રણ કમિશનર બદલાયા, પરંતુ આજે પણ ૮૫ ટકા વિસ્તારમાં જ પાણી-ગટરની સુવિધા આપી શકાઈ છે. દક્ષિણ ઝોન, નવા પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોનમાં હજારોની સંખ્યામાં ગટરના અભાવે ખાળકૂવા છે. લાખો રૂપિયા ખર્ચીને પાણીનાં ટેન્કરો દોડાવવાં પડે છે.

જ્યાં બે કલાક પાણીનો પુરવઠો અપાય છે તેવા વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી અપાતું નથી. વર્ષોજૂની પાણીની લાઈનો હોઈ ગટરનું ગંદું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે, જેના કારણે વારંવાર પાણીજન્ય રોગચાળો ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરા ફાટી નીકળે છે.
ચાલુ વર્ષના તા.૧ જાન્યુઆરી, ૨૦૧૬થી ગત તા.૩૦ જૂન, ૨૦૧૬ સુધીના કમળાના રોગચાળાના સરકારી હોસ્પિટલોના આંકડા તપાસીએ તો આટલા છ મહિનાના સમયગાળામાં કમળાના સત્તાવાર ૧૪૮૩ ઈન્ડોર કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયાં છે. જે ગત વર્ષ ૨૦૧૪ કરતાં વધારો છે.

કોર્પોરેશનના સત્તાવાર આંકડા મુજબ વટવામાં સૌથી વધુ ૯૦ કેસ નોંધાયા છે. અમરાઈવાડીમાં ૮૭ કેસ અને એક મૃત્યુ થયું છે. દાણીલીમડા અને બહેરામપુરામાં ૮૨ કેસ અને સરસપુરમાં ૬૫ કેસ નોંધાયા છે. કુબેરનગરમાં ૫૭ કેસ સાથે કમળાએ એક દર્દીનો ભોગ લીધો છે. કોટ વિસ્તારના ખાડિયામાં પણ એક દર્દીના મોત સાથે કુલ ૨૪ કેસ ચોપડે ચઢ્યા છે. ઝોન મુજબ કમળાના કેસ તપાસતાં દક્ષિણ ઝોનમાં કમળાના સૌથી વધુ ૪૩૦ કેસ અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૭૯ કેસ નોંધાયા છે.

ખાનગી હોસ્પિટલોમાં ૩૦૦થી વધુ કેસ સિવિલ, વીએસ, શારદાબહેન સહિતની
મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાયેલા ૧૪૮૩ કેસ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ કમળાના દર્દીઓથી ઊભરાઈ રહી હોઈ ૩૦૦થી વધુ કમળાના ઈન્ડોર દર્દી પણ તંત્રના ચોપડે સત્તાવાર રીતે નોંધાયા છે.

You might also like