અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન વરસાદ વિઘ્નરૂપ બને તેવી શક્યતા

અમદાવાદ: આજથી જગતજનની મા જગદંબાની નવરાત્રીની રઢિયાળી રાત્રીનો આરંભ થશે. નવરાત્રીમાં રાસ-ગરબાના તાલે રમવા-ઝૂમવા યુવાઓ થનગની રહ્યા છે. હવે તો અવનવાં સ્ટેપ્સ શિખવાડવાના કોચિંગ કલાસનો વ્યવસાય પુરબહારમાં ખીલ્યો છે, જેનો સેંકડો યુવક-યુવતીઓએ લાભ લીધો છે. આવા અનેરા ઉત્સાહ અને ઉમંગના માહોલમાં અમદાવાદીઓ માટે વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા છે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવરાત્રી ઉત્સવની રંગત અનોખી જ હોય છે. ગુજરાતના રાસ-ગરબાએ જગપ્રસિદ્ધિ મેળવી છે. અમદાવાદમાં ઠેરઠેર શેરી ગરબા ઉપરાંત પાર્ટી પ્લોટ અને વિવિધ કલબોમાં રાસ-ગરબાનું ઝાકમઝોળભર્યું આયોજન થયું છે. ગરબાના આયોજકોમાં મંદીના માહોલ વચ્ચે પણ કમાણી કરી લેવાનો જોશ જોવા મળી રહ્યો છે. તેમ છતાં નવરાત્રી દરમ્યાન વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે.

હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટમાં રાજ્યના કચ્છ સિવાયના વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે. જેના પગલે ચોમાસાની વિદાયની ચર્ચાતી વાતો વચ્ચે અચાનક મેહુલિયો તોફાન મચાવી શકે તેવી નવી સંભાવના સર્જાઇ રહી છે. આમ પણ પાછલાં વર્ષમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી જમા થવાથી રાજ્યસ્તરીય નવરાત્રી મહોત્સવ જ ખોરવાયો હતો.

દરમ્યાન આજે સવારે ૭ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ર૪ કલાક દરમ્યાન રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદી હળવા છાંટા પડતાં ચાલુ ચોમાસાની ‌સિઝનનો કુલ વરસાદ ૮૧.૮૯ ટકા થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૮૬.૮૬ ટકા, દ.ગુજરાતમાં ૮ર.૬૭ ટકા, ઉ.ગુજરાતમાં ૭પ.૧૭, મ.ગુજરાતમાં ૭ર.૦૧ ટકા અને કચ્છમાં ૬૬.૯૪ ટકા વરસાદ નોંધાયો છે.

You might also like