Ahmedabad મ્યુનિસિપલ દ્વારા અપાતાં પાણીના ૨૧૪ નમૂના ફેલ

અમદાવાદ: શહેરમાં ગેરકાયદે બાંધકામોના રાફડેરાફડા ફાટી નીકળ્યા હોઇ પાણી અને ગટરનાં જોડાણની સંખ્યામાં પણ અનહદ વૃદ્ધિ થઇ છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓની ધાકના અભાવે લેભાગુ તત્ત્વો ગેરકાયદે પાણી અને ગટરનાં જોડાણ કરી આપવામાં પાવરધાં બન્યાં હોઇ અાના લીધે દૂષિત પાણીની સમસ્યા વિકરાળ બની છે. ખુદ તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ છેલ્લા એક મહિનામાં ર૧૪ સ્થળેથી દૂષિત પાણી મળી આવ્યું છે.

છેલ્લે મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં પણ દૂષિત પાણીના મુદ્દે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારને કોંગ્રેસ દ્વારા દૂષિત પાણી અંગે આવેદનપત્ર અપાયું હતું. કેટલાક કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં આવતા દૂષિત પાણીની બોટલ કમિશનરને આપી હતી.

જોકે શહેરભરમાં દૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. આ બાબતનું નિરાકરણ લાવવાના બદલે તંત્રના સંબંધિત વિભાગ એકબીજા પર દોષારોપણ કરે છે. તંત્રના ગત તા.૩ એપ્રિલ, ર૦૧૮થી ગત તા.ર મે, ર૦૧૮ સુધીના પાણીના ‘અન‌િફટ’ નમૂનાનો સત્તાવાર રિપોર્ટ ભારે ચોંકાવનારો છે, કેમ કે આ રિપોર્ટ મુજબ શહેરના ર૧૪ સ્થળેથી તંત્રને દૂષિત પાણી મળી આવ્યું હતું.

શહેરના ૪૮ વોર્ડ પૈકી ઠક્કરનગર, લાંભા, વટવા, નવા વાડજ, ખાડિયા, શાહપુર, ગોમતીપુર, ઇન્ડિયા કોલોની, રામોલ-હાથીજણ અને સરસપુરમાં લોકો દૂષિત પાણીથી વધારે પરેશાન છે.

જોકે નવરંગપુરા, પાલડી, વાસણા, મણિનગર, જોધપુર, સરખેજ, ચાંદખેડા અને ગોતા જેવા અન્ય વોર્ડમાં પણ નાગરિકો દૂષિત પાણી પીવા વિવશ બન્યા છે. દરમ્યાન શહેરભરમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ચાલુ મહિનાના પાંચ દિવસમાં કમળાના ૩પ, ઝાડા-ઊલટીના ૧૭૩ અને ટાઇફોઇડના ૧પ કેસ મ્યુ‌િ‌નસિપલ હોસ્પિટલમાં
નોંધાયા છે.

You might also like