અેફેડ્રિન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર મુખ્ય સૂત્રધાર

અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ગુજરાત એટીએસએ પર્દાફાશ કર્યો છે. અમદાવાદ જિલ્લાના દહેગામના વહેલાલ ગામની સીમમાં આવેલા એક ફેક્ટરીના શેડમાંથી પોલીસે ૧૩૬૮ કિલોગ્રામ એફેડ્રિન નામના માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી ફરાર છે.

પોલીસ તપાસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડનું નામ બહાર આવ્યું છે. ઉપરાંત આ જથ્થો કેમિકલ પ્રોસેસ કરીને મેથા એમ્ફેટામાઈન નામનું પાર્ટી ડ્રગ્સ બનાવીને પોલેન્ડ તેમજ યુરોપના દેશોમાં મોકલાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની અંદર ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમી અમદાવાદ પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે સતત ૧૫ દિવસથી વોચ ગોઠવી અને વહેલાલ પાસે આવેલી એમડી સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીના શેડમાંથી ૧૩૬૮ કિલોગ્રામ જેટલા એફેડ્રિન નામના માદક પદાર્થના જથ્થા સાથે નરેન્દ્ર ધીરજલાલ કાચા (ઉં.વ. ૪૪, રહે. માનસરોવર એપાર્ટમેન્ટ, નરોડા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ સાથે તેનો સંપર્ક થયો હતો.

આ જથ્થો મહારાષ્ટ્રના સોલાપુર ખાતે પુનિત નામની વ્યક્તિ પાસેથી એક ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી કિશોરસિંહ અને જયમુખી (મહારાષ્ટ્ર)એ મંગાવ્યો હતો. નરેન્દ્ર બીએસસી થયેલો હોઇ આ એફેડ્રિનના જથ્થામાં કેમિકલ પ્રોસેસ કરીને મેથાફેટામાઇન બનાવવા માટે જણાવ્યું હતું. મેથાફેટામાઇન એક પાર્ટી ડ્રગ્સ છે, જે યુરોપ, પોલેન્ડ વગેરે દેશોની અંદર વધુ વેચાય છે અને યુવાનોમાં સૌથી વધુ માગ ધરાવતું ડ્રગ્સ છે.

થોડા દિવસ અગાઉ કિશોરસિંહ રાઠોડ અને જયમુખી દુબઇ ગયા હતા. દુબઇની અંદર લંડનમાં રહેતા એક એનઆરઆઇ ગુજરાતી મારફતે પોલેન્ડના કેટલાક ડ્રગ્સ ડીલર્સ સાથે મિટિંગ થઇ હતી, જેમાં એફેડ્રિનમાંથી મેથા એમ્ફેટામાઈન બનાવી કેટલોક જથ્થો મોકલવા માટે તેમજ બાકીનો જથ્થો ભારતના કેટલાક મોટાં શહેરોમાં મોકલવા માટે મંગાવ્યો હતો.

ઉપરાંત કિશોર અને જયમુખીએ એફેડ્રિનને મોકલવા ચારથી પાંચ જગ્યાએ સેમ્પલ મોકલાવ્યા હતા, પરંતુ નરેન્દ્ર પાસે સેમ્પલ સૌથી સારું પ્રોસેસ થતાં તેને આ જથ્થો પ્રોસેસ કરવા આપ્યો હતો. નરેન્દ્રએ ૧૫ દિવસથી આ જગ્યા ભાડે ગોડાઉન રાખીને પ્લાન્ટ રાખ્યો હતો.

આરોપી કિશોરસિંહ રાઠોડ અગાઉ વર્ષ ૨૦૦૦માં બનાવટી ચલણી નોટોના કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો હતો. એમડી ડ્રગ્સની અંદર પોતાનું નામ ખૂલતાં હાલ કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ ફરાર થઇ ગયો છે. વધુમાં જે. કે. ભટ્ટે જણાવ્યું કે આ એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે. આ કૌભાંડમાં ભારતનાં અન્ય રાજ્યમાં ફેલાયેલી ગેંગ પણ સંડોવાયેલી હોવાની માહિતી મળી છે. આ કૌભાંડમાં ઘઉં અને બાજરા નામના કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એફેડ્રિન પ્રતિબંધિત છે અને એફેડ્રિનમાંથી ક્રિસ્ટલ મેથ બનાવાય છે, જે એક પાર્ટી ડ્રગ છે અને તેની માર્કેટમાં મોટી માગ છે. નાર્કોટિક્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ એફેડ્રિનનો ઉપયોગ મોટા ભાગે ડ્રગ્સ બનાવવા માટે થાય છે.

ક્રાઇમ બ્રાંચ અને એટીએસની અલગ અલગ ટીમે મુંબઇ સહિતનાં અન્ય રાજ્યની અંદર આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ બાબતે તપાસ શરૂ કરી છે. આ અંગે ભાવસિંહ રાઠોડે જણાવ્યું કે મારા દીકરાની આ કેસમાં સંડોવણી બાબતે હું કાંઇ જાણતો નથી. મારો પુત્ર કિશોર મુંબઇમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

You might also like