શહેર ક્રાઈમ બ્રીફઃ ક્યાંક દોરાની ચોરી, તો ક્યાંક વીજકરંટથી મોત

સોનાના દોરાની ચીલઝડપ
સરદારનગર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરદારનગરમાં રાજાવીર સર્કલ પાસેથી પસાર થઇ રહેલા વિશાખાબેન હાર્દિકભાઇ દવેના ગળામાંથી બાઇક પર આ‍વેલા ગઠિયા રૂ. ૪૫,૦૦૦ની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે ઠેરઠેર દરોડા પાડી ૫૮૭ લિટર દેશી દારૂ, ૧૪૬૨ બોટલ વિદેશી દારૂ, ૪૬૪ બિયરનાં ટીન, ત્રણ કાર, બે સ્કૂટર, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૭૩ શખસોની ધરપકડ કરી ગુના દાખલ કર્યા છે.

સાવચેતીરૂપે ૧૮૨ ઈસમની અટકાયત
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલારૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૮૨ શખસની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા હતા. આ ઉપરાંત નશાબંધીના કાયદાનો છડેચોક ભંગ કરી દારૂના નશામાં ચકચૂર બની ફરતા ૧૦ દારૂડિયાની પોલીસે ધરપકડ કરી ગુના દાખલ કર્યા હતા.

રીઢો ઘરફોડ ચોર ઝડપાયો
ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા ઘરફોડ ગુનેગાર રાજેશ્વર તેજપાલ યાદવની ક્રાઇમ બ્રાંચે ચાંદલોડિયા બ્રિજ નીચેથી ઝડપી લઇ તેની પાસેથી દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનેગારની પૂછપરછ દરમિયાન વધુ ગુનાના ભેદ ઉકેલાવા સંભાવના છે.

વીજ કરંટ લાગતાં મોત
નારોલના શાહવાડી વિસ્તારમાં રહેતી જયાબહેન રાઠોડ નામની યુવતીનું અકસ્માતે વીજ કરંટ લાગતાં તેનું એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like