Categories: Gujarat

ભદ્રનો ચાચરચોક ફરીથી પાથરણાંવાળાને હવાલે કરાશે!

અમદાવાદ: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં અમદાવાદીઓને કોર્પોરેશનના માધ્યમથી સાબરમતી રિવરફ્રન્ટ, બીઆરટીએસ અને શહેરનાં નગરદેવી ગણાતાં ભદ્રકાળી માતાના મંદિરથી લઇને ત્રણ દરવાજા સુધીના વિસ્તારને સાંકળતા ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટની ભેટ અપાઇ હતી. ભદ્ર પ્લાઝા હવે ફરીથી પાથરણા બજાર બનવા જઈ રહ્યું છે.

અનેક નાગરિકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમાન ત્રણ દરવાજાનું સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર એક સમયે પાકીટમારોનું આશ્રયસ્થાન હતું. નવરાત્રિના પવિત્ર તહેવારમાં અને તેમાં પણ સાતમ-આઠમ અને નોમના દિવસોમાં મહિલા શ્રદ્ધાળુઓની સલામતી પણ જોખમમાં મુકાતી હતી, પરંતુ ભદ્રકાળી માતાના પરિસરના ચાચરચોકનું નવીનીકરણ કરાયા બાદ લુખ્ખાં તત્ત્વોના ત્રાસથી માઇભક્તોને ખાસ્સી રાહત મળી છે. નરેન્દ્ર મોદીના હસ્તે માતાજીના ચાચરચોકનું ઉદ્ઘાટન કરાયું હતું. માના ચાચરચોકની નયનરમ્યતા નિહાળીને નરેન્દ્ર મોદીને છેક ત્રણ દરવાજા સુધીના વિસ્તારને રમણીય બનાવવાનો વિચાર સ્ફૂર્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના ભદ્ર પ્લાઝાના ડ્રીમ પ્રોજેક્ટ પાછળ મહેનત પણ કરાઇ અને ભદ્ર પ્લાઝાના પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કાના કામ પાછળ રૂ.૩૪ કરોડ જેટલી જંગી રકમ ખર્ચાઇ, પરંતુ ભદ્ર વિસ્તારના પાથરણાંવાળાઓના પ્રશ્ને આ સમગ્ર પ્રોજેક્ટનો બીજો તબક્કો રદ કરવો પડ્યો.

હવે ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટની એવી કરુણ સ્થિતિ સર્જાઇ છે કે મ્યુનિ. સત્તાવાળાઓએ ભદ્ર પરિસર ઉપરાંત માતાના ચાચરચોકમાં ફેરિયાઓને બેસાડવા માટેના પટ્ટા દોરી દીધા છે, જોકે સુશોભિત ચાચરચોકને પુનઃ ફેરિયાઓને હવાલે કરવાની તંત્રની હિલચાલ સામે શાસક ભાજપના કોર્પોરેટરો પણ ભારે નારાજ થયા છે. કેટલાક કોર્પોરેટરોએ તો આ અંગે સ્વપક્ષના ટોચના હોદ્દેદારો તેમજ કમિશનર ડી. થારા સમક્ષ ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે. હવે જો મ્યુનિ. તંત્ર ચાચરચોકમાં  ફેરિયાઓને બેસાડશે તો માઇભક્તોને પુનઃ પાકીટમારોનો ત્રાસ વેઠવો પડશે. આ ઉપરાંત ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાયા બાદ તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની ખુદ તંત્રની દરખાસ્ત સામે પણ ભારે વિરોધનો વંટોળ ઊઠ્યો છે. જો આ દરખાસ્ત મંજૂર થશે તો નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ પર પૂર્ણપણે પાણી ફેરવાઇ જશે તેવું મ્યુનિ. ભાજપના કાર્યાલયમાં જ ખાનગી ખૂણે ચર્ચાઇ રહ્યું છે.

૩૦ ટકા વિસ્તારમાં ફેરિયાઓના પટ્ટા દોરાઇ પણ ગયા છે!
મ્યુનિ. સત્તાવાળાઓના પાથરણાંવાળાઓ પ્રત્યેના ઉત્કૃષ્ટ પ્રેમની નિશાની તરીકે ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટના ૩૦ ટકા વિસ્તારમાં ચાર ફૂટ બાય ચાર ફૂટના પટ્ટા દોરાઇ પણ ગયા છે.

પોલીસતંત્રના જાહેરનામા બાદ જ રસ્તા પણ ખુલ્લા થઇ જશે
કોર્પોરેશનની ભદ્ર પ્લાઝા પ્રોજેક્ટના રસ્તા ખુલ્લા કરવાની દરખાસ્ત હાલમાં શહેર પોલીસતંત્ર સમક્ષ વિચારાધીન છે, પરંતુ મ્યુનિ. તંત્રમાં પોલીસ કમિશનરના જાહેરનામાની આતુરતાભેર રાહ જોવાઇ રહી છે. શહેર પોલીસના જાહેરનામા બાદ મ્યુનિ. એસ્ટેટ વિભાગ રસ્તા પણ ખુલ્લા કરી દેશે!

કોર્પોરેશન એનજીઓ સંસ્થાઓની યાદી મુજબ પટ્ટા દોરી રહ્યું છે
કોર્પોરેશન દ્વારા પાથરણાંવાળાઓ વતી કામ કરતી એક એનજીઓ સંસ્થાએ હાલમાં સુપરત કરેલી ૩૭૩ ફેરિયાઓની યાદી મુજબ પટ્ટા દોરવાની કામગીરીને યુદ્ધના સ્તરે શરૂ કરાઇ છે. ચાચરચોકમાં પણ પટ્ટા તો મરાયા છે, પરંતુ તેની ડિઝાઇનનો વિવાદ ઊઠતાં નવી ડિઝાઇન મુજબ પટ્ટા મરાશે.

પૂજાપાની સામગ્રી વેચનારા ફેરિયાઓના દબાણ આગળ તંત્ર નતમસ્તક થયું?
ભદ્રકાળી માતાના ચાચરચોકમાં જ બેસવાનો આગ્રહ હાલમાં ચાચરચોકની બહાર બેસીને પૂજાપાનો સામાન વેચનારા ફેરિયાઓનો છે. આ ફેરિયાઓના દબાણ આગળ તંત્ર નતમસ્તક થયું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

હાઇકોર્ટના નિર્દેશ મુજબ તંત્ર કામગીરી કરશેઃ ડી. એચ. શાહ
મધ્ય ઝોનના ડે. મ્યુનિ. કમિશનર ડી. એચ. શાહ કહે છે કે હાઇકોર્ટના નિર્દેશ મુજબ પટ્ટા મારવાની કામગીરી હાથ ધરાઇ છે અને વેકેશન બાદ હાઇકોર્ટ ખૂલશે ત્યારે કોર્પોરેશન પોતાનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરીને હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે આગળની કામગીરી હાથ ધરશે.

divyesh

Recent Posts

કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો…

54 mins ago

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ… નરોડામાં એક જ રાતમાં ચાર ફ્લેટનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનો સિલ‌િસલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. પોલીસના ખોફ વગર તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ…

1 hour ago

સ્કૂલ વાન અને રિક્ષા સામે ડ્રાઈવ છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થોડા દિવસ પહેલાં જાહેર હિતની અરજી…

1 hour ago

ત્રણ મહિનાથી જૂના પે‌ન્ડિંગ કેસની તપાસ પૂર્ણ કરવા પોલીસને આદેશ

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય…

1 hour ago

છ વર્ષમાં બે લાખ રખડતાં કૂતરાંનું ખસીકરણ છતાં વસતી ઘટતી નથી

અમદાવાદ: શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસમાં અનહદ વધારો થયો છે. રખડતાં કૂતરાંના ઉપદ્રવથી શહેરનો ભાગ્યે જ કોઇ વિસ્તાર વંચિત રહ્યો છે,…

1 hour ago

સિક્કિમને પ્રથમ એરપોર્ટ મળ્યુંઃ PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગંગટોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા…

2 hours ago