સેલેરી વધ્યા બાદ ધવને કોલંબોમાં રૈના અને પંતને પાર્ટી આપી

કોલંબોઃ બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાથે જે નવો કરાર કર્યો છે તેમાં જો કોઈ ખેલાડીને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે છે ઓપનર શિખર ધવન. ધવનની સેલેરીમાં ૧૩૦૦ ટકાનો વધારો છે. ધવનની સેલરી ગત કોન્ટ્રેક્ટર મુજબ ફક્ત ૫૦ લાખ રૂપિયા હતી, પરંતુ આ વખતે તે તેને ગ્રેડ A+માં સામેલ કરાયો છે અને તેની સેલેરી ૫૦ લાખ રૂપિયાથી વધીને સાત કરોડ રૂપિયા થઈ ગઈ છે.

શિખર ધવન હાલ ટી-૨૦ ત્રિકોણીય શ્રેણી માટે કોલંબોમાં છે, જ્યાં તેણે બીસીસીઆઇ તરફથી નવો કોન્ટ્રેક્ટ મળ્યા બાદ પાર્ટી આપી. શિખર ધવને સુરેશ રૈના અને ઋષભ પંત સાથે કોલંબોની એક રેસ્ટોરાંમાં ડિનર કર્યું.

ગત સિઝનમાં શિખરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે વર્ષ ૨૦૧૭માં ૩૩ આંતરરાષ્ટ્રીય મેચમાં લગભગ ૫૦ની સરેરાશથી ૧૬૩૭ રન બનાવ્યા છે. ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીની અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં તેણે અર્ધસદી ફટકારી છે.

સેલરીમાં શિખર બાદ સૌથી વધુ ફાયદો રોહિત શર્મા, ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બૂમરાહનો થયો છે, જેમની સેલરીમાં ૬૦૦ ટકાનો વધારો થયો. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીને ૨૫૦ ટકાનો ફાયદો થયો છે.

You might also like