IPL બાદ રાહુલ ટીમ ઇન્ડિયાનો કોચ?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો નવો મુખ્ય કોચ અને સહયોગી સ્ટાફ આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં યોજાનાર વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પહેલાં પસંદ કરી લેવાશે. ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ બનવાની રેસમાં ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં જુનિયર ટીમનો કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ છે, જોકે રાહુલ આ વાતનો ઇનકાર કરી રહ્યો છે અને થોડો સમય જુનિયર ટીમ સાથે જ વિતાવવા ઇચ્છે છે, પરંતુ બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારી રાહુલને પણ આ પદનો દાવેદાર માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દ્રવિડના કોચ બન્યા બાદ ભારતીય ટીમે અંડર-૧૯ વિશ્વકપમાં એક પણ મેચ હાર્યા વિના ફાઇનલ સુધીની સફર ખેડી હતી. ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૧૪થી કોચ વિના રમી રહી છે. ફ્લેચરના ગયા બાદ રવિ શાસ્ત્રીને ટીમ ડિરેક્ટર તરીકે જોડવામાં આવ્યો છે. તેનો એક વર્ષનો કરાર ગત વર્ષે સપ્ટેમ્બરમાં પૂરો થઈ ગયો હતો, પરંતુ ત્યાર બાદ ત્રણ એપ્રિલ સુધી યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપ સુધી શાસ્ત્રીનો કરાર લંબાવી દેવામાં આવ્યો હતો.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ક્રિકેટ એડ્વાઇઝરી કમિટી (સીએસી) સાથે વાત કરી છે અને ટી-૨૦ વિશ્વકપ બાદ તેની બેઠક યોજાશે. વિશ્વકપ બાદ આઇપીએલ યોજાનાર છે. આ ઘરેલુ ટૂર્નામેન્ટ છે અને એ દરમિયાન અમે નવા મુખ્ય કોચને પસંદ કરી લઈશું. સીએસીમાં સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે. સીએસીને ભારતીય ટીમ માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચના નામનું સૂચન કરવા માટે બનાવવામાં આવી છે.

ફ્લેચરના રાજીનામા બાદ શાસ્ત્રી જ ટીમને સંભાળી રહ્યો છે અને સંજય બાંગર-બેટિંગ, ભરત અરુણ-બોલિંગ અને આર. શ્રીધર-ફિલ્ડિંગ કોચનું કામ સંભાળી રહ્યા છે. આ બધાનો કરાર ટી-૨૦ વર્લ્ડકપ સુધીનો જ છે. બીસીસીઆઇના અધિકારીએ કહ્યું, અમે જાણીએ છીએ કે શાસ્ત્રી અને સહયોગી સ્ટાફનો કરાર સમાપ્ત થઈ રહ્યો છે અને અમે એક ફુલટાઇમ કોચ નિયુક્ત કરવા અંગે િવચારી રહ્યા છીએ.

You might also like