પાંચ માસ બાદ પણ ‘Assets’ની માહિતી માટે મ્યુનિ. અધિકારીઓનાં ગલ્લાં-તલ્લાં!

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડની નવાઇ નથી. છાશવારે એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ પ્રકાશમાં આવે છે. તંત્રના ઇજનેર, એસ્ટેટ, ટેક્સ અને હેલ્થ સહિતના વિભાગોમાં ભ્રષ્ટ અધિકારીઓની બોલબાલા છે.

અનેક અધિકારીઓની વૈભવી રહનસહન, વૈભવી રહેઠાણ સહિત અન્ય મિલકતોમાં જંગી રોકાણનો મામલો પણ અવારનવાર ચર્ચાસ્પદ બન્યાે છે, જેના કારણે મ્યુનિસિપલ અધિકારીઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકત અંગે તંત્રને સત્તાવાર માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે.

આમ તો ગત તા.૩૧ ડિસેમ્બર, ર૦૧૭ સુધીમાં આ માહિતી સત્તાવાળાઓને આપવાની હતી. તેમ છતાં આ મુદત વીત્યાના પાંચ મહિના બાદ પણ આંગળીના વેેઢે ગણી શકાય તેટલા અધિકારીઓએ આની વિગત પૂરી પાડી છે.

આમ મ્યુનિસિપલ અધિકારીઓના ભ્રષ્ટાચારનો મામલો સતત ગાજતો રહ્યો હોઇ ‘બેનંબરી’ આવક ધરાવતા અનેક અધિકારીઓએ પોતાની સ્થાવર અને જંગમ મિલકતની માહિતી તંત્રને આપવાનું ટાળ્યું છે. ગત તા.૩૧ ડિસેમ્બર, ર૦૧૭ સુધીમાં એસેટની માહિતી વર્ગ-૧ અને વર્ગ-રના તમામ અધિકારીઓએ ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતી ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસ)ને આપી દેવાની હતી. અગાઉ અધિકારીઓએ ‘હાર્ડ પ્રિન્ટ’માં આ માહિતી આપવાની થતી હતી.

દરમ્યાન ટીસીએસ કંપની પહેલી વખત આ પ્રકારે એસેટની માહિતી લેતી હોઇ તંત્ર દ્વારા ગત ૩૧ ડિસે., ર૦૧૭ની અંતિમ મુદતમાં વધુ ત્રણ મહિનાનો વધારો કરાયો હતો. આ મુદત વધારા બાદ પણ બે મહિના પૂર્ણ થવા આવશે એટલે કે પાંચ મહિનાનો વધારાનો સમય વીત્યા બાદ પણ તંત્રના વર્ગ-૧ના રપ૦ અધિકારી પૈકી ફક્ત ૧૭ અને વર્ગ-રના કુલ ૮૦૯ અધિકારી પૈકી માત્ર ર૬ અધિકારીઓની એસેટની માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ છે.

કમિશનર મૂકેશકુમાર દ્વારા તમામ અધિકારીઓને એસેટ સંબંધિત માહિતી સમયસર તંત્રમાં પહોંચાડવાની ચેતવણી અપાતી રહી છે છતાં તેમની ચેતવણીની પણ અવગણના થઇ રહી છે.

You might also like