USના ડ્રોન હુમલામાં તાલિબાનના ૨૦ આતંકવાદીનાં મોત નીપજ્યાં

ઈસ્લામાબાદ, શુક્રવાર
અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં બે મોટા કમાન્ડર સહિત તાલિબાનના ૨૦ આતંકવાદીનાં મોત થયાં છે. એક જ માસમાં આવો બીજો હુમલો થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના બે સિનિયર અધિકારીઓના હવાલાથી એક અહેવાલમાં જણાવ્યા અનુસાર સરેશા સુલતાન શાહ ગામમાં આતંકવાદીઓની ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે અમેરિકાના ડ્રોને આ હુમલો કર્યો હતો. આ હુમલામાં અબ્દુલ્લા અને યાસીન નામના બે મોટા કમાન્ડર માર્યા ગયા છે.

આ રીતે તેહ‌િરક-એ-તા‌િલબાન પાકિસ્તાન (ટીટીપી) પર એક મહિનાથી પણ ઓછા સમયમાં આ બીજો હુમલો થયો છે, જોકે આ હુમલામાં ૨૦ આતંકવાદી ઠાર મરાયાની વાતને સમર્થન મળ્યું છે પણ તાલિબાને તેના નેતા ફજલુલ્લાહ ખોરસાણીનું મોત થયાની વાતને ખોટી ગણાવી છે.

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશરો આપી રહ્યું હોવાના અમેરિકા તરફથી વારંવાર આક્ષેપ થઈ રહ્યા છે. જે અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનને અનેક વાર ધમકી પણ આપી ચૂક્યા છે તેમજ પાકિસ્તાનની આવી ની‌િતથી તેને મળતી સહાયની રકમ અમેરિકાએ અટકાવી દીધી છે.

પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ડેઈલી ટાઈમ્સે દાવો કર્યો છે કે પ્રતિબંધિત ટીટીપીના આતંકવાદીઓ પાક.ની સરહદ નજીક આવેલા કુનારના પર્વતીય શલટન વિસ્તારમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો, જેમાં અમેરિકી ડ્રોને આ કેમ્પ પર પાંચ મિસાઈલ છોડી હતી, જેમાં તાલિબાનના બે કમાન્ડર સહિત ૨૦ આતંકીનાં મોત થયાં હતાં.

આ પ્રકારે એક મહિનામાં જ આવો બીજો બનાવ બન્યો છે. આ રીતે આ વિસ્તારમાં આતંકીઓના કેમ્પ પર હુમલો થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અગાઉ પણ મહિના પહેલાં જ આવો બનાવ બન્યો હતો. તેથી આ વિસ્તારમાં હવે આતંકવાદીઓની સુરક્ષા સામે ખતરો ઊભો થયો હોવાનું માનવામાં આવે છે.

You might also like