અફઘાનિસ્તાનની મસ્જિદમાં બ્લાસ્ટથી ૩૦નાં મોતની આશંકાઃ ૩૦થી વધુ ઘાયલ

કાબુલ: અફઘાનિસ્તાનના ખોશ્ત પ્રાંતમાં ગઈ કાલે મસ્જિદમાં થયેલા બ્લાસ્ટથી ૧૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૩૦થી વધુ લોકોને ઈજા થઈ છે ત્યારે બીજી તરફ પોલીસના જણાવ્યા અ‍નુસાર આ ઘટનામાં મૃતક અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે તેમ છે, જોકે આ હુમલા અંગે હજુ કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી, પરંતુ આ હુમલામાં તાલિબાન અથવા આઈએસઆઈએસનો હાથ હોવાનું માનવામાં આ‍વી રહ્યું છે.

પ્રાંતના ગવર્નરના પ્રવકતા તાલિબ મંગળ અને પોલીસવડા બશીર બેનાએ આ ઘટનાને સમર્થન આપ્યું છે તેમ છતાં આ બંનેએ મોતના આંકડા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ મસ્જિદમાં જ વોટર રજિસ્ટ્રેશન સેન્ટર બનાવાયું હતું.

પોલીસવડા બશીર સેનાના જણાવ્યા અનુસાર ગઈ કાલે મસ્જિદ બહાર અનેક લોકો નમાજ માટે એકત્ર થયા હતા, જ્યાં વોટર રજિસ્ટ્રેશન સેન્ટર બનાવાયું છે ત્યારે આ મસ્જિદમાં બ્લાસ્ટ થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે આ ઘટનાને ફિદાયીન હુમલો ગણાવ્યો નથી, પરંતુ આ ઘટનામાં આયોજનબદ્ધ રીતે ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ ત્યારે બીજી તરફ આ અંગે એવું જણાવવામાં આ‍વી રહ્યું છે કે આતંકવાદીઓ આ અગાઉ પણ વોટર રજિસ્ટ્રેશન સેન્ટરને નિશાન બનાવી ચૂક્યા હોવાથી આ હુમલામાં પણ આતંકીઓનો હાથ હોવાની આશંકા જણાઈ રહી છે, કારણ તાલિબાન અને આઈએસઆઈએસ ચૂંટણી થાય તેવું ઈચ્છતાં જ નથી.

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગત ૪ એપ્રિલે આ મસ્જિદમાં વોટર રજિસ્ટ્રેશન સેન્ટર શરૂ કરવામાં આ‍વ્યું હતું. ત્યારબાદ તેની જાહેરાત કરવામાં આવતાંની સાથે જ સમગ્ર અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાની સંખ્યામાં એકાએક વધારો થઈ ગયો છે.

બીજી તરફ કેટલાંક આતંકી સંગઠનો રાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય તે માટે તેમજ તેમાં અવરોધ ઊભો કરવા કેટલાક ચૂંટણી અધિકારીઓ અને અન્ય કર્મચારીનાં અપહરણ કરી રહ્યાં છે. આ અગાઉ પણ ગત મહિનામાં જ કાબુલ ખાતેના વોટર રજિસ્ટ્રેશન સેન્ટર બહાર પણ ફિદાયીન હુમલો થયો હતો, જેમાં લગભગ ૪૮ લોકોનાં મોત થયાં હતાં તેમજ ૧૧૨થી વધુ લોકોને ઈજા થઈ હતી.

You might also like