Video: મહેસાણામાં એક્સિડન્ટ જોવા ગયેલા 3 યુવકો જ અકસ્માતનો ભોગ બની ગયા, ઘટનાસ્થળે જ મોત!

મહેસાણામાં કાર સાથેના અકસ્માતમાં અડફેટે આવતા 3 યુવકોના મોત થયા હતા. આ અકસ્માત વિસનગર ખેરાલુ રોડ પાસે આવેલા પાલડી ગામ નજીક થયો હતો. 3 યુવકો બાઇક પાર્ક કરીને રસ્તા પર ઉભા રહ્યા હતા, ત્યારે એ દરમિયાન જ કાર ચાલકે 3 યુવકોને અડફેટે લઈ લીઘા હતા.

કાર સાથે અથડાતાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. ઘટનાની હકીકત એવી છે કે આ યુવકો પણ અન્ય એક જીપનો અકસ્માત જોવા માટે ઉભા રહ્યા હતા. ચોકડી પર સાઈડમાં ઉતરી ગયેલી જીપને જોવા માટે યુવકો રસ્તા પર ઉતર્યા હતા અને પોતે જ કારની અડફેટે આવી ગયા હતા. જેમાં 3 યુવકોના મોત થઇ ગયા.

રાજ્યના અરવલ્લી જિલ્લામાં પણ આવી જ એક અકસ્માતની ઘટના બની હતી. જો કે આજે અરવલ્લીમાં બે અકસ્માતો નોંધાયા હતા. અરવલ્લીના ધનસુરા રોડ પર વિરપુરથી મોડાસા તરફ જતી એસટી બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર 4 લોકોને ઈજા થઈ છે અને 1ને ગંભીર ઈજા થઈ હતી. જો કે બસમાં બેઠેલા 7 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. એસટી બસના ઈજાગ્રસ્તોને બાયડ અને વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બીજી તરફ અરવલ્લીમાં જ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અરવલ્લી જિલ્લામાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા 2 મહિલા સહિત કુલ 6 લોકોના મોત થયા છે. જયારે 13 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે.

You might also like