Categories: Sports

ચક દે ઈન્ડિયાઃ મહિલા હોકીમાં સવા દાયકા બાદ એશિયન ચૅમ્પિયન

વિરાટ ક્ષમતા અને શક્યતાઓના વિશિષ્ટ પ્રદેશ ભારતની એક ઓળખ સ્લિપિંગ જાયન્ટ્સ તરીકેની પણ છે, જે હવે ધીરે ધીરે બદલવા માંડી છે. ભારતીય હોકીએ ફરી તેના ગુમાવેલા ગૌરવને પાછું મેળવવા માટે કમર કસી છે અને તેનું જીવંત ઉદાહરણ ભારતની મહિલા હોકી ટીમે સવા દાયકા બાદ પાછો મેળવેલો એશિયન ચૅમ્પિયન તરીકેનો તાજ છે….

 

દુનિયાને હોકીની ભેટ આપ્યા બાદ પોતાની જ રમતમાંથી પકડ ગુમાવનારી ટીમ હવે રમતના મેદાનમાં પણ પોતાના સાંસ્કૃતિક વારસાના જતન માટે કટિબદ્ધ અને સભાન બની છે. ભારતની મહિલા હોકી ટીમે જાપાનમાં યોજાયેલા એશિયા કપમાં – ખંડની ટોચની સાત ટીમોની સાથે સ્પર્ધા કરતાં એક પણ મેચ ગુમાવ્યા વિના ચૅમ્પિયન બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. રિતુ રાનીની આગેવાનીમાં ભારતીય ખેલાડીઓએ એક પછી એક એમ છ મુકાબલા જીતીને એશિયન હોકીના ઈતિહાસમાં ફરી વખત ભારતની હાજરીનો અહેસાસ કરાવ્યો. ભારતે છેલ્લે ૨૦૦૪માં ઘરઆંગણે રમાયેલો એશિયા કપ જીત્યો હતો, જે પછી રમાયેલી ત્રણ સ્પર્ધામાં-સ્ત્રીના સંમોહનના કેન્દ્રમાં રહેલું સુવર્ણ તો દરેક વખતે ભારતની મહિલા હોકી ટીમથી દૂર જ રહેવા પામ્યું હતું, પણ અત્યંત તનાવ અને સંઘર્ષ બાદ ભારતે મેળવેલી સફળતાને પગલે દુનિયાને આખરે ચક દે ઈન્ડિયા કહેવું જ પડ્યું !

હોકી એ ટીમવર્કની રમત છે અને આક્રમણ પંક્તિથી માંડીને છેક છેલ્લે ગોલપોસ્ટમાં ઉભેલો ખેલાડી પોતપોતાની શ્રેષ્ઠ રમત ન દાખવે ત્યાં સુધી સફળતા હાથવેંતમાં રહી જતી હોય છે. જોકે ભારતીય મહિલા હોકી ટીમે ગજબનાક ટીમ વર્ક અને ભલભલાને હતાશ કરી દે તેવી સ્થિતિમાં પણ અસાધારણ લડાયક ક્ષમતા દર્શાવતા સફળતાની રાહ શોધી કાઢી હતી. સેમી ફાઈનલ સુધી તો બધી ટીમો સામે આસાન વિજય મેળવનારા ભારતને ફાઈનલમાં ચીન જેવી હાયર રેન્ક ધરાવતી ટીમ સામે ખરાખરીનો મુકાબલો ખેલવો પડ્યો. આમ તો ભારતે ગ્રૂપ સ્ટેજની મેચમાં ચીનને ૪-૧થી પછાડ્યું હતું, પણ ફાઈનલનો મંઝર હંમેશાં અલગ હોય છે અને તેમાંય ચાઈનીઝ ડ્રેગન આસાનીથી હાર માને તે વાત કોઈ સામાન્ય વ્યક્તિ પણ માનવા તૈયાર ન થાય અને બન્યું પણ એવું જ. ફાઈનલમાં ભારતને ચીનની જબરજસ્ત લડતનો સામનો કરવો પડ્યો. એક તબક્કે ભારતે મેચમાં ૧-૦થી સરસાઈ મેળવી તો ચીને થોડા સમય બાદ તેનો જવાબ આપતાં સ્કોરને બરોબરી પર લાવી દીધો અને મેચ નિર્ધારિત સમય બાદ ૧-૧થી બરોબરી પર રહી. હવે કટોકટીનો સમય હતો, કારણ કે પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવાનો હતો.

હોકી જ નહિ દુનિયાની રમતોમાં પેનલ્ટી શૂટઆઉટ એ એવો તબક્કો છે કે, જે ખેલાડીને હિરો બનાવી શકે  અને તે જ તેની કારકિર્દીને ઝીરો બનાવી શકે. ચાહકોના માનસમાં પેનલ્ટી શૂટઆઉટની સફળતા અને નિષ્ફળતા ચિરકાલીન પ્રભાવ પાડતી હોય છે અને આ જ બાબત ખેલાડીની કારકિર્દીને અસર કરતી હોય છે. હોકીમાં હવે પહેલાની જેમ માત્ર વન સ્ટ્રોક પેનલ્ટી કોર્નર લેવાતા નથી, જેમાં ગોલકિપર સામે બોલ મૂક્યો હોય અને તેને એક જ સ્ટ્રોકમાં ધકેલીને ગોલમાં મૂકવાનો હોય. હવે તો ખેલાડીને ૨૩ મીટરની લાઈનથી બોલ લઈને આવવાનું હોય છે અને હરીફ ટીમના ગોલકિપરને હંફાવતા બોલને ગોલ પોસ્ટમાં મોકલવાનો હોય છે. આ નવી ટેક્નિકમાં ગોલકિપરને બરોબરીની તક મળે છે જ્યારે ગોલ ફટકારવાની શક્યતા પહેલાની તુલનામાં ઘટી જાય છે. ભારતે આ નવા પેનલ્ટી શૂટઆઉટમાં ચાર ગોલ કર્યા અને એક તક વેડફી નાંખી. સામે ચીને પણ આવો જ દેખાવ કર્યાે, જેના કારણે સડન ડેથથી નિર્ણય લેવાનું નક્કી થયું, જેમાં બંને ટીમોને એક-એક તક મળતી રહે છે, જ્યાં સુધી કોઈ વિજેતા ન બને. આ સડન ડેથમાં ભારતીય કેપ્ટન રિતુ રાનીએ તેના ૧૧ વર્ષના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકેના અનુભવને કામે લગાડતાં ગોલ ફટકાર્યાે. જ્યારે ગોલકિપર સવિતાએ ચીનના પ્રયાસને નિષ્ફળ બનાવતા ભારતને એશિયા કપમાં ઐતિહાસિક સફળતા અપાવી હતી.

ભારતીય ગોલકિપર સવિતાને એશિયા કપની શ્રેષ્ઠ ગોલકિપરનો જ્યારે ડિફેન્ડર મોનિકા મલિકને ફાઈનલની શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. ભારતની સફળતામાં રક્ષા પંક્તિની ખેલાડીઓનો દેખાવ નિર્ણાયક બન્યો હતો. અત્યંત સાધારણ પૃષ્ઠભૂમિમાંથી અસાધારણ સંઘર્ષ કરીને આગળ આવેલી ભારતની મહિલા હોકી ખેલાડીઓમાં ડિફેન્ડર ગુરજીત કૌરનો દેખાવ ભારતની જીતમાં પાયાનો રહ્યો હતો. તેણે ટુર્નામેન્ટની પહેલી મેચથી લઈને સેમી ફાઇનલ સુધીની દરેક મેચમાં ગોલ ફટકાર્યા હતા. ભારત તરફથી ૨૦૧૭ના એશિયા કપમાં સૌથી વધુ આઠ ગોલ ફટકારવાની સિદ્ધિ પણ તેના નામે નોંધાઈ હતી. સુશીલા ચાનુ, નવજોત કૌર, દીપ એક્કા, નિક્કી પ્રધાન, સોનિકા, વંદના કટારિયા, નવનીત કૌર, સુનિતા લાકરા, લિલિમા મિન્ઝ, નેહા ગોયલ, સુશીલા પુખરામ્બમ, નમિતા તોપ્પો, રશ્મિતા મિન્ઝ, લાલેમ્શીમી-આ બધા એવાં નામ છે કે, જેમણે એશિયા કપમાં ભારતને સુવર્ણ ગૌરવ અપાવ્યું છે, છતાં ભાગ્યે જ તેમના નામ ભારતીય મીડિયામાં જોવા કે સાંભળવા મળશે. કેપ્ટન રિતુ રાની ભારતીય હોકી ઈતિહાસની ગોલ્ડન ગર્લ સાબિત થઈ રહી છે. અગાઉ ૨૦૧૫માં ભારતે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ઑલિમ્પિકમાં ક્વોલિફાય કર્યુ ત્યારે પણ ટીમની કેપ્ટન તરીકે તે જ હતી.

ભારતના કોચ હરેન્દ્ર સિંહ માટે પણ આ ગૌરવની પળ એટલા માટે બની કારણ કે તેમની નિયુક્તિ પછી ભારતની મહિલા ટીમની આ પહેલી જ સ્પર્ધા હતી, જેમાં તેઓએ ખેલાડીઓનો શ્રેષ્ઠ દેખાવ બહાર લાવવામાં સફળતા હાંસલ કરી હતી. હરેન્દ્ર સિંહે ભારતીય મહિલા હોકી ટીમમાં જીતનો જુસ્સો જગાવ્યો સાથે સાથે ખેલાડીઓને હારના તનાવમાંથી બહાર આવીને શ્રેષ્ઠ દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ફિયરલૅસ હોકી એટલે કે કોઈ પણ ભય વિના ૧૦૦ ટકા આત્મવિશ્વાસ સાથે રમો-આ હરેન્દ્ર સિંહના મંત્રને ભારતીય ખેલાડીઓએ આત્મસાત કરી લીધો છે. ભારતની મહિલા હોકી ટીમે હવે પાંખો પસારી છે અને એશિયા પર તો તે છવાઈ પણ ગઈ છે, હવે બધાની નજર આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ પર છે, જેમાં ભારત ૨૦૧૦ પછી પહેલી વખત રમવા જઈ રહ્યું છે. ભારત મહિલા હોકી વર્લ્ડ કપમાં ક્યારેય ટોચના ચારમાં સ્થાન મેળવી શક્યું નથી અને હરેન્દ્ર તેમજ ભારતની યુવા ખેલાડીઓની નજર હવે વર્લ્ડ કપની સેમી ફાઈનલ તરફ છે. લક્ષ્ય અશક્ય નથી. ભારતીય મહિલા હોકી નવી જ ઊંચાઈને સર કરવાના ઈરાદા સાથે આગળ વધી ચૂકી છે અને હવે નવું આકાશ આ યુવતીઓને આવકારવા માટે થનગની રહ્યું છે.

 

બેવડી સુવર્ણ સિદ્ધિ – પુરુષો બાદ મહિલાઓની સફળતા…..
એશિયન હોકીમાં ભારતે સુપરપાવર તરીકેનું પ્રભુત્વ ફરી વખત મેળવી લીધું છે. ભારતની પુરુષ ટીમે ચાલુ વર્ષે બાંગ્લાદેશના ઢાકામાં રમાયેલા એશિયા કપમાં જબરજસ્ત દેખાવ કરતાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. ભારતની મેન્સ ટીમની સફળતા એટલા માટે મહત્વની લેખાય કારણ કે નિયમિત કેપ્ટન અને ગોલકિપર પી.આર. શ્રીજેશની ગેરહાજરીમાં ટીમે આ સફળતા હાંસલ કરી હતી. ભારત પુરુષ ટીમની એશિયા કપની ગોલ્ડ સુધીની સફર દરમિયાન તેમણે પાકિસ્તાનને ગ્રૂપ સ્ટેજમાં ૩-૧ અને સુપર ફોરમાં ૪-૦થી કારમો પરાજય આપ્યો હતો. ભારતની પુરુષ ટીમે ૧૦ વર્ષ બાદ એશિયા કપ જીત્યો હતો. જ્યારે ઓવરઓલ પુરુષ ટીમે એશિયા કપમાં ત્રીજી વખત ચૅમ્પિયનશિપ જીતી હતી. જ્યારે ભારતની મહિલા હોકી ટીમે તો માત્ર બીજી વખત આ સફળતા હાંસલ કરી છે.

Maharshi Shukla

Recent Posts

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

45 mins ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

1 hour ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

2 hours ago

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

2 hours ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

2 hours ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

3 hours ago