કૉંગ્રેસ અધ્યક્ષઃ રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

અંતે રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બની જ ગયા! યે તો હોના હી થા! રાજકીય પંડિતોને આ વાતનું કોઈ આશ્ચર્ય નથી. હા, નવાઈ એ વાતની જરૃર છે કે દેશમાં ૨૭-૨૭ ચૂંટણી જેના નેતૃત્વમાં કૉંગ્રેસ હારી તે રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષ બન્યા! શું કૉંગ્રેસીઓ રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી શકશે કે પછી કૉંગ્રેસમાં વધુ એક વખત રાહુલ ગાંધી સામે બંડ થઈ ભાગલા થશે?

રાહુલ ગાંધી સામે સોનિયા ગાંધીએ તેમને ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી જ વિરોધના સૂરો ઉઠવા લાગ્યા હતા. અનેક કૉંગ્રેસી નેતાઓને લાગતું હતું કે રાહુલમાં કોઈ નેતૃત્વકળા જ નથી. રાહુલ પાસે ધરાતલનું જ્ઞાન અને સાદી જાણકારી પણ નથી. ઉલટું જે રીતે વડાપ્રધાન મનમોહનસિંહ અમેરિકા ગયા હતા ત્યારે જ અપરાધી સાંસદો ચૂંટણી લડી શકે તેવો ખરડો રાહુલે જાહેરમાં પત્રકાર પરિષદમાં ફાડી નાખ્યો હતો તે જોતાં તેઓ પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતા અને વડાપ્રધાન જેવા વ્યક્તિનું જાહેરમાં અપમાન કરી નાખતા ખચકાતા નહોતા. આ સ્થિતિ કૉંગ્રેસના નેતાઓ માટે સહ્ય નહોતી અને ભવિષ્યમાં પણ નહીં જ હોય.

દિગ્વિજયસિંહ જેવા નેતાઓ  રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માગણીઓ કર્યે રાખતા હતા પરંતુ સામે પક્ષે જેમણે દિલ્હી પર ત્રણ-ત્રણ મુદ્દત સુધી સફળ શાસન કર્યું તેવાં શીલા દીક્ષિત, પંજાબમાં (રાહુલ ગાંધી સામે પડીને તેમને પ્રચારથી દૂર રાખીને કૉંગ્રેસને ચૂંટણી જીતાડનાર) અમરિન્દરસિંહ, મિલિન્દ દેવરા જેવાં નેતાઓ રાહુલ ગાંધીની

નેતૃત્વક્ષમતા અંગે જાહેરમાં આશંકા વ્યક્ત કરી ચૂક્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી પણ રાહુલે લેવાનું પસંદ કર્યું નથી. તેના બદલે હંમેશાં અસરવિહીન વક્તા જેવા મલ્લિકાર્જુન ખડગેને લોકસભામાં વિપક્ષના નેતા બનાવી દેવાયા! સોનિયા ગાંધીએ ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયી જેવા ધૂરંધર નેતા વડાપ્રધાન હતા ત્યારે વિપક્ષના નેતાની જવાબદારી સ્વીકારી હતી અને ૨૦૦૪માં કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. રાહૂલની સંસદમા મહત્ત્વના ખરડાઓ અને ચર્ચા દરમિયાન ગેરહાજરી ઊડીને આંખે વળગે તેવી હોય છે. આથી જ સોનિયા ગાંધીએ ૧૯-૧૯ વર્ષ કૉંગ્રેસનું અધ્યક્ષ પદ પોતાના હાથમાં રાખ્યું. ૨૦૧૩માં રાહુલને કૉંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવાયા પરંતુ અધ્યક્ષ બનવા માટે તેમણે ચાર વર્ષ રાહ જોવી પડી.

આની સામે પ્રિયંકા ગાંધી વાડ્રા કૉંગ્રેસનું સુકાન હાથમાં લે તો જરૃર ફેર પડે તેમ માત્ર કૉંગ્રેસીઓ જ નહીં, પરંતુ વિરોધીઓ પણ માને છે. પ્રિયંકા સુંદર ચહેરો છે, એમનું સ્મિત મોહક છે, તેઓ બુદ્ધિમાન છે, એમનું હિન્દી સારું છે. અત્યાર સુધીમાં તેમણે પ્રચાર નહેરુ-ગાંધી પરિવારની રાયબરેલી-અમેઠી પૂરતો સીમિત રાખ્યો છે, પરંતુ જેટલો પ્રચાર કર્યો છે તે મજબૂત રીતે કર્યો છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ગાંધી સામે પણ આક્ષેપો કરવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમની પુત્રી સમાન છે. આમ, પ્રિયંકા ગાંધીની વાત આવે ત્યારે મોદીજી પણ એક પગલું પાછળ હટી જાય છે. એ વખતે પ્રિયંકાએ બહુ જ સીમિત શબ્દોમાં જવાબ આપી દીધો હતોઃ “હું રાજીવ ગાંધીની દીકરી છું.”

૨૦૧૪ની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીને ભાજપે વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. કૉંગ્રેસ બહુ જ ખરાબ સ્થિતિમાં હતી. ભ્રષ્ટાચાર, વિરોધીઓ પર તડાપીટ, નેતાઓના અહંકાર અને વાણી વિલાસ…આ બધાના કારણે કૉંગ્રેસ સરકારમાંથી જાય તેવી પૂરી શક્યતા હતી. . મોદીના વાવાઝોડા સામે સોનિયા કે રાહુલ ફાવે તેમ નહોતાં. આ સ્થિતિમાં ઘણા રાજકીય પંડિતો માનતા હતા કે કૉંગ્રેસ હુકમનો એક્કો કાઢી પ્રિયંકાને મેદાનમાં ઉતારશે અને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવશે. પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના તો દૂર પણ પ્રિયંકાએ પ્રચારમાં પણ અખિલ ભારતીય સ્તરે ઝંપલાવ્યું નહીં.

ઉત્તર પ્રદેશ સહિત ભારતના ઘણા ખૂણાઓમાંથી પ્રિયંકાને સક્રિય રાજકારણમાં લાવવાની માગણી સમયે-સમયે ઉઠતી રહે છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પડદા પાછળ પ્રિયંકાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. નહેરુ-ગાંધી પરિવાર રાજકારણથી ઝાઝો દૂર રહી શકતો નથી. અત્યારે તો રાહુલે જવાબદારી સંભાળી છે પરંતુ જો રાહુલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક વગેરે ચૂંટણીઓમાં વિજય ન અપાવ્યો તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ પ્રિયંકાનું પત્તું ઉતરવા મજબૂર થશે.?

You might also like