ગુજરાતની તરસ છીપાવતો સૌથી મોટો સહારો કેમ સુકાયો?

શિયાળાની કડકડતી ઠંડીની હજુ તો શરૃઆત માંડ થઈ છે ત્યાં ગુજરાતમાં પાણીના વિષયને લઈને સરકાર અને લોકોમાં ચિંતા ઊભી થઈ છે. અખૂટ જળરાશિથી હિલોળા લેતાં નર્મદા બંધમાં પણ આ વર્ષે પાણીનો પ્રવાહ ઘટ્યો છે. બંધોમાં પાણી ઘટતું જાય છે, નદી-નાળાં સુકાઈ રહ્યાં છે. આ સ્થિતિ આગામી ઉનાળામાં ગુજરાતમાં જળસંકટ વિકટ બનશે તેવા એંધાણ આપે છે. આવો જોઈએ ગુજરાતના જળરાશિની સાંપ્રત સ્થિતિનો ચિતાર આપતો એક વિશેષ અહેવાલ….

 

સામાન્ય રીતે ઉનાળાના આરંભે રાજ્યમાં પાણીની તંગીનો મુદ્દો ચર્ચાનો વિષય બનતો હોય છે, પણ આ વર્ષે શિયાળાએ હજુ તેનો અસલી મિજાજ બતાવવાની શરૃઆત કરી છે ત્યાં પાણીના મુદ્દે  સરકારમાં પાણીની ચિંતાને લઈને ચિંતન બેઠકોનો દોર શરૃ થઈ ગયો છે તો બીજી બાજુ નદીઓ સુકાઈ રહી છે, ડેમોનાં તળિયાં દેખાઈ રહ્યાં છે તેને જોઈને લોકોમાં આગામી ઉનાળાના દિવસો કેમ કરીને કાઢવા તેની ચિંતા ઊભી થઈ છે. ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી આવા કપરા દિવસોમાં સૌથી મોટો સહારો બને છે, પણ આ વર્ષે નર્મદા બંધમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો ઉપલબ્ધ હોવાથી નર્મદા આધારિત યોજનાઓ પર પણ તેની વિપરીત અસર થવાની છે. પાણીની વર્તમાન સ્થિતિ ગુજરાતમાં આગામી દિવસોમાં જળસંકટ વધુ ઘેરું બનશે તેના સંકેતો આપી રહી છે.

રાજ્યમાં ૬૦ ટકા ખેતી વરસાદ આધારિત
ગુજરાતની વર્તમાન પાણીની સ્થિતિનો ક્યાસ કાઢતાં પહેલાં જળસંપત્તિની દૃષ્ટિએ રાજ્ય કેટલું સમૃદ્ધ છે તેને સમજીએ. રાજ્યમાં કુલ ૧૮પ નદીઓ આવેલી છે અને ર૦૩ ડેમો છે. રાજ્યમાં ઉપલબ્ધ જળસંપત્તિ પપ૬૦૮ એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર) છે તેમાંથી ૩૮૧૦૦ એમસીએમ સરફેસ વૉટર (ભૂપૃષ્ઠ જળ) છે. ભારતમાં સરફેસ વૉટરની જે ટકાવારી છે તેમાં ગુજરાતનો હિસ્સો માત્ર બે ટકા જ છે. ગુજરાતનો ૧૯૬ લાખ હેક્ટરનો ભૌગોલિક વિસ્તાર છે તેમાંથી ૧રપ લાખ હેક્ટર જમીન ખેતી લાયક વિસ્તાર હેઠળ આવે છે. ગુજરાતમાં ઉપલબ્ધ જે જળસંપત્તિ  છે તેમાંથી સરફેસ વૉટર આધારિત માત્ર ૧૮ ટકા અને અન્ડર ગ્રાઉન્ડ વૉટર (ભૂગર્ભ જળ) હેઠળ માત્ર ર૦ ટકા ખેતી લાયક જમીનને સિંચાઈનું પાણી મળી શકે છે. નર્મદા આધારિત સરદાર સરોવર એ રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજના છે આમ છતાં આ યોજના હેઠળ માત્ર ૧૮ ટકા ખેતીની જમીનને સિંચાઈનો લાભ આપી શકાય છે. રાજ્ય સરકારના એક અહેવાલ મુજબ રાજ્યમાં ૬૦ ટકા વરસાદ આધારિત ખેતી છે. આ આંકડા જ બતાવે છે કે ગુજરાત હજુ ખેતી અને સિંચાઈના મામલે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોની સરખામણીએ ઘણું પાછળ છે. રાજ્યના ખેડૂતોનો મોટો આધાર નદીઓ અને ડેમોમાં રહેલા પાણી પર રહેલો છે. ખેડૂતો માટે તો આકાશી રોજી જેવી સ્થિતિ છે.

સોૈરાષ્ટ્રમાં માત્ર ૯ ટકા જળસંપત્તિ
ગુજરાત ભૌગોલિક રીતે વિવિધતા એવી ધરાવે છે કે ઉપલબ્ધ જળસંપત્તિની જે કુદરતી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ છે તેનાથી સૌરાષ્ટ્ર – કચ્છને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં સૌરાષ્ટ્રનો ૩૧ ટકા અને કચ્છનો ર૪ ટકા વિસ્તાર આવે છે, જ્યારે રાજ્યની કુલ જળસંપત્તિ છે તેમાંથી સૌરાષ્ટ્રને માત્ર ૯ ટકા અને કચ્છને માત્ર બે ટકા જ લાભ મળે છે પરિણામે રાજ્યના અન્ય વિસ્તારો કરતાં આ પ્રદેશમાં ખેતી અને પાણીની સમસ્યાઓ દૂર થઈ શકતી નથી. સૌરાષ્ટ્ર – કચ્છમાં પાણીની સમસ્યાને હળવી બનાવવા એટલે જ ડેમોની સંખ્યા વધારે છે, આમ છતાં સૌરાષ્ટ્રમાં પાણી સમસ્યાને હજુ સંપૂર્ણપણે હલ કરી શકાઈ નથી. ખેડૂતોને સારા વરસાદ તરફ હંમેશાં મીટ મંડાયેલી હોય છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત ખેતી અને સિંચાઈની દૃષ્ટિએ ફળદ્રુપ વિસ્તાર છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ મોટા ભાગની આકાશી ખેતી છે.

સોૈરાષ્ટ્રના ડેમમાં માત્ર ૪૧ ટકા પાણી બચ્યું
રાજ્યમાં શિયાળાની શરૃઆતમાં જળાશયોનાં તળિયાં દેખાઈ રહ્યાં છેે. રાજ્યના સિંચાઈ વિભાગના એક અહેવાલ મુજબ ગુજરાતના કુલ ર૦૩ ડેમોમાં કુલ સંગ્રહ શક્તિના માત્ર પ૧.ર૮ ટકા જ પાણી બચ્યંુ છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્રની છે. સૌરાષ્ટ્રનાં ૧૩૮ ડેમોમાં માત્ર ૪૧.૮પ ટકા પાણી બચ્યું છે. કચ્છની વાત કરીએ તો ર૦ જળાશયોમાં માત્ર ર૦.૬પ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. નાના ચેક ડેમો તો ક્રિક્રેટનાં મેદાન થઈ ગયાં છે. શિયાળાના આરંભે આ હાલત છે તો હજુ આખો ઉનાળો કાઢવાનો છે ત્યારે કેવી હાલત થશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે.

સોૈરાષ્ટ્રમાં કૂવાઓ-નદીઓ સુકાઈ ગઈ
વર્ષોથી સરકારી ચોપડે સૌરાષ્ટ્ર માટે કરોડો રૃપિયાની યોજનાઓ બની રહી છે આમ છતાં પાક – પાણીની બાબતમાં સૌરાષ્ટ્ર હજુ સમૃદ્ધ થયું નથી. આ પ્રદેશમાં આજે પણ મોટા ભાગનાં ગામોના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે નદી અને કૂવાઓ જ છે. આ વર્ષે શિયાળાના આરંભે જ સૌરાષ્ટ્રનાં અનેક ગામોની નદીઓ અને કૂવાઓ સુકાઈ ગયાં છે. ચેકડેમ તો ક્રિકેટનાં મેદાન જેવા બની ગયા છે. રાજકોટ જિલ્લાના શ્રીનાથગઢ, દેરડી અને આસપાસનાં ગામોની મુલાકાત લેતાં અનેક ચેકડેમ ખાલીખમ જોવા મળ્યા હતા. નદીઓ સુકાઈ ગઈ છે. આવી જ હાલત અમરેલી અને ભાવનગર વિસ્તારની જોવા મળી હતી. ભાવનગરના ઉમરાળા ગામના પાદરમાંથી મોટી નદી પસાર થાય છે, પણ હાલ આ નદી ખાલીખમ થઈને પડી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની આવી હાલત છે.

ખેડૂતો પાક પેટર્ન બદલવા મજબૂર
કૂવાઓનાં તળ ઊંડાં ઊતરી ગયાં અને નદીઓ સુકાઈ જતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. શિયાળુ પાકને પાણીની ઘટ પડી રહી છે ત્યારે ઉનાળુ પાકનંુ આયોજન ક્યાંથી કરી શકાય. કૃષિ ક્ષેત્રના અભ્યાસુ રમેશભાઈ ભોરણિયા કહે છે, ‘આ વર્ષે પૂરતાં પાણીના અભાવે ખેડૂતોને ઉનાળુ પાકની પેટર્ન બદલવા મજબૂર થવું પડશે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા શિયાળામાં ઘઉં અને લસણનું મુખ્ય વાવેતર થતું હોય છે. આ પાકને છેલ્લા પાણી ન મળે તો તેના ઉત્પાદનમાં રપ ટકા જેટલો ઘટાડો થાય છેે. ઓછા પાણીના અંદાજથી જે ખેડૂતોએ ચણા અને જીરુંનું વાવેતર કર્યું હશે તેને શિયાળુ પાકમાં મોટું નુસાન નહીં જાય, પણ ઉનાળુ વાવેતરમાં મોટો ફટકો પડશે. પાણીની સગવડ હોય તો ખેડૂતો ઉનાળુ મગફળી અને તલનું વાવેતર કરે છે, પણ આ વખતે સરકારે સિંચાઈનું પાણી જ માર્ચ સુધી આપવાની જાહેરાત કરી છે એટલે ઉનાળુ મગફળીનું વાવેતર કરવાનું ખેડૂતોને માંડી વાળવું પડશે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી અને માળિયા પંથકમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી નર્મદા આધારિત સિંચાઈનું પાણી મળતાં ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક સારા લઈ શકતા હતા, પણ આ વખતે નર્મદા ડેમમાં પણ પાણી ઓછું આવતાં નર્મદા આધારિત સિંચાઈને પણ ફટકો પડશે.’

ખેડૂતોને ૧પ માર્ચ સુધી જ પાણી અપાશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું કહ્યું છે કે, ચાલુ વર્ષે મધ્ય પ્રદેશમાં ઓછો વરસાદ થવાથી બાર્ગી, તવા અને ઇન્દિરા સાગર જેવાં મોટાં જળાશયોમાં પાણીની આવક ઓછી થઈ છે તેની સીધી અસર નર્મદા નદીમાં થતાં પાણીની આવક પર થઈ છે. નર્મદા પરના મોટા બંધ સરદાર સરોવરમાં આ વર્ષે પાણી ઓછું આવ્યું છે જેના કારણે નર્મદા આધારિત સિંચાઈ પર તેની અસર થશે. રાજ્યના ખેડૂતોને ૧પ માર્ચ સુધી શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવશે. ઉનાળામાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે સરકારનું આયોજન છે. સરદાર સરોવર ડેમના સ્ત્રાવ વિસ્તારમાંથી ૯૭.પ૦ ટકા વિસ્તાર મધ્ય પ્રદેશમાં આવ્યો છે. ચાલુ સાલ સ્ત્રાવ વિસ્તારમાં ઓછો વરસાદ થતાં એમપીના બાર્ગી ડેમમાં ૩૦૧ મિલિયન ઘન મીટર, તવામાં પર૧ મિલિયન ઘન મીટર અને ઇન્દિરા સાગરમાં પ૭પ૯ મિલિયન ઘન મીટર પાણીનો ઓછો સંગ્રહ થયો છે.

નર્મદા બંધમાં પાણીની મોટી ઘટ પડી
મધ્ય પ્રદેશના વિસ્તારોમાં ઓછો વરસાદ થવાથી નર્મદા નદીના પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરિણામે નર્મદા યોજનાના ભાગીદાર ચારેય રાજ્યોને નર્મદા યોજના હેઠળ મળતાં પાણીમાં ઘટ આવી છે. ગુજરાતને ફાળે ૯ મિલિયન એકર ફીટના બદલે ૪.૭૧ મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી કરવામાં આવી છે. મતલબ કે જેટલંુ પાણી મળવંુ જોઈએ તેના આશરે પ૦ ટકા જેટલું પાણી ઓછું મળશે. સરદાર સરોવરમાં આ સમયગાળા દરમિયાન ૧ર૦૦૦થી ૧૮૦૦૦ ક્યુસેક પાણીનો આવરો રહેતો હોય છે, તેના બદલે હાલ ૧૦૦૦થી ૩૦૦૦ ક્યુસેક પાણીનો આવરો રહ્યો છે. નર્મદા આધારિત પીવાના પાણીની યોજના અને સિંચાઈ યોજના બંનેને આ વર્ષે મોટી ઘટ પડશે. ઉનાળામાં સૌરાષ્ટ્રનાં અનેક શહેરો અને ગામોમાં માત્ર નર્મદા આધારિત યોજના જ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત રહે છે તે વિસ્તારોને આ વર્ષે ઉનાળામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ભરૃચમાં નર્મદા નદીમાં જળસ્તર ઘટ્યું
મધ્ય પ્રદેશનાં જંગલોમાં થઈને નર્મદા નદી પસાર થાય છે. સામાન્ય રીતે આ નદીની આસપાસમાં વહેતી નદીઓમાં બારેમાસ પાણી વહેતું હોય છે, પણ આ વર્ષે ઓછા વરસાદથી આ નદીઓમાં પાણી સુકાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ આવી સ્થિતિ જોવા મળે છે. નર્મદા નદી જ્યાં બે કાંઠે હિલોળા લેતી હોય છે એ ભરૃચ જિલ્લાના અંકલેશ્વર એરિયામાં નર્મદા નદીના વિસ્તારમાં જળ સ્તર લગાતાર ઘટી રહ્યું છે. ગોલ્ડન બ્રિજ આગળ નર્મદા નદી આશરે દોઢ કિ.મી. જેટલી પહોળી છે, પણ આ વર્ષે નદીમાં ઓછા પાણીને કારણે આશરે ૪૦૦ મીટર જેટલો પાણીનો પ્રવાહ પાતળો થઈ ગયો છે. નર્મદા નદીને જીવંત રાખવા આશરે ૧૬૦૦ ક્યુસેક પાણી (ક્યુબિક મીટર પર સેકન્ડ) છોડવંુ જોઈએ તેના બદલે હાલ ૬૦૦ ક્યુસેક પાણી જ છોડવામાં આવી રહ્યું છે. સાગર જેવી નર્મદા નદી સુકાવા લાગતાં આસપાસનાં ગામોની ખેતી પર તેની અસર થઈ છે.

નર્મદા આધારિત યોજનાઓને અસર
નર્મદા ગુજરાતની ખરા અર્થમાં જીવાદોરી છે. નર્મદા ડેમ અને નદીમાં આ વર્ષે ઓછા પાણીની આવકથી નર્મદા આધારિત પીવાના પાણીની અને સિંચાઈ યોજનાને માઠી અસર થશે. સત્તાવાર આંકડા મુજબ નર્મદા ડેમ આધારિત ગુજરાતનાં ૯૪૯૦ ગામ અને ૧૭૩ શહેરોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે ૧૦ લાખ જેટલા ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડેમ સાઈટ પર ૧૪પ૦ મેગોવોટની કેપેસિટી ધરાવતો હાઈડ્રો પાવર પ્લાન્ટ છે. આ વર્ષે મધ્ય પ્રદેશમાં ઓછા વરસાદથી નર્મદા નદીમાં પાણીની આવકમાં મોટી ઘટ પડતાં ગુજરાતમાં નર્મદા આધારિત યોજનાઓને મોટો ફટકો પડશે. ગુજરાતના સેંકડો ગામોને ઉનાળા પહેલાં નર્મદાના મળતાં પાણીમાં ઘટ મૂકવામાં આવશે પરિણામે લોકોને પાણીકાપ વહેલો સહન કરવાનો વારો આવશે. વીજ ઉત્પાદનને પણ અસર થશે.

———————-.

You might also like