સોહાએ આત્મકથા શું કામ લખી?

બોલિવૂડમાં આજકાલ આત્મકથા લખવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. થોડા સમય પહેલાં કરણ જોહરની આત્મકથા ‘એન અનસ્યુટેબલ બોય’ પ્રગટ થઈ હતી. હવે આ યાદીમાં એક્ટ્રેસ સોહા અલી ખાન પણ સામેલ થઈ ગઈ છે….

 

રંગ દે બસંતી, દિલ માંગે મોર, તુમ મિલે જેવી ફિલ્મોમાં અભિનય કરીને લાંબા સમયથી ફિલ્મી પડદે અને લોકમાનસમાંથી અદ્દશ્ય રહેલી નવાબ ક્વિન અભિનેત્રી સોહા અલી ખાન આજકાલ પોતાની આત્મકથાને લઈને સમાચારોમાં છે. સોહાએ પોતાના આત્મકથાનક પુસ્તક ‘ધ પેરિલ્સ ઓફ બીઈંગ મોડરેટલી ફેમસ’નું મુંબઈમાં અને ત્યાર બાદ દિલ્હીમાં લોકાર્પણ કર્યું હતું. ઈન્ડિયા પેંગ્વિન બુક પબ્લિકેશને સોહાની આત્મકથાને પ્રકાશિત કરી છે. પુસ્તકના પ્રમોશન માટે સોહા અહીંતહીં ફરી રહી છે અને પોતાના અંગત જીવનનાં પાસાંઓને વિગતે રજૂ કરી રહી છે. સોહા તેના અભિનેતા પતિ કુણાલ ખેમુ સાથેના સંબંધો વિશે પણ જણાવી રહી છે. સોહા કહે છે કે મેં મારા જીવન સાથે જોડાયેલાં ઘણાં પાસાંઓને પુસ્તકના પ્રકરણ સ્વરૃપે રજૂ કર્યાં છે. પુસ્તકમાં સોહા કેવી રીતે મા શર્મિલા ટાગોર, ભાઈ સૈફ અને ભાભી કરીના કપૂર ખાન વચ્ચે તાલમેલ જાળવે છે તેની ચર્ચા કરી છે. પુસ્તકમાં પટૌડી પરિવારની કેટલીક દુર્લભ તસવીરો પણ મૂકવામાં આવી છે.

સોહા કહે છે, ‘મેં સલમાન રશ્દીનાં ઘણાં પુસ્તકો વાંચ્યા છે. એટલે તમને મારા આ પુસ્તકમાં પણ રશ્દી સ્ટાઈલ જોવા મળશે.’ સોહાના કહેવા પ્રમાણે, તેને આત્મકથા લખવામાં આઠ મહિના લાગ્યા હતા, એક પ્રકરણ લખવામાં એક મહિનો લાગતો હતો. પ્રકરણના અંતે તે શું શીખી તે લખ્યું છે. આત્મકથામાં સોહાએ પ્રેમ પર, પ્રવાસ પર, પરિવાર પર પ્રકરણો લખ્યાં છે. તેણે આ આત્મકથા સગર્ભાવસ્થા દરમિયાન લખી હતી અને તેમાં સગર્ભાવસ્થાને લઈને પણ એક પ્રકરણ લખવામાં આવ્યંુ છે.

હાલ સોહાના કહેવા પ્રમાણે, તેણે પતિ કુણાલ ખેમુ સાથે એક પ્રોડક્શન હાઉસ ‘રેનેગેડ ફિલ્મ્સ’ શરૃ કર્યું છે અને તે રોની સ્ક્રુવાલા સાથે મળીને જાણીતા ધારાશાસ્ત્રી રામજેઠમલાણીની બાયોપિક બનાવી રહ્યા છે. સોહાના કહેવા પ્રમાણે આ બાયોપિકની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. જોકે હાલ સોહા એ નથી કહેતી કે આ ફિલ્મમાં અભિનેતા કોણ હશે.

સોહા હરિયાણાની જૂની પટૌડી રિયાસતના નવમા નવાબ મંસૂર અલી ખાન પટૌડીની નાની પુત્રી છે. સોહાની મોટી બહેન સબા અલી ખાન જ્વેલરી ડિઝાઈનર છે. કુણાલ ખેમુ સાથે પરિચય ૨૦૧૪માં પેરિસમાં થયો હતો અને બંને જાન્યુઆરી ૨૦૧૫માં પરણી ગયાં હતાં. ગત ૧૯ સપ્ટેમ્બરે દીકરી ઈનાયાનો જન્મ થયો અને સોહાને ઘેર પારણંુ બંધાયું. ગત ૧૪ નવેમ્બરે એટલે કે બાળ દિવસે સોહાએ ટ્વિટર પર ઈનાયાની તસવીરો મુકી હતી.

૨૦૦૪માં ‘દિલ માંગે મોર’ સાથે ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું અને બે ડઝન જેટલી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ દર્શકોને રંગ દે બસંતી સિવાય ભાગ્યે જ કોઈ યાદ હશે. સોહાએ દિલ માંગે મોર, પ્યાર મેં ટ્વિસ્ટ, શાદી નં.૧, રંગ દે બસંતી, આહિસ્તા આહિસ્તા, ખોયા ખોયા ચાંદ, મુંબઈ મેરી જાન, દિલ કબડ્ડી, ઢૂંઢતે રહ જાઓગે, ૯૯, તુમ મિલે, મેરિડિયન લાઈન્સ, મુંબઈ કટિંગ, તેરા ક્યા હોગા જોની, સાઉન્ડટ્રેક, સાહિબ બીવી ઓર ગેંગસ્ટર રિટર્ન, ગો ગોવા ગોન, વર છોડના યાર, ચાર ફુટિયા છોકરે, ૩૧ ઓક્ટોબર અને છેલ્લે ૨૦૧૬માં ઘાયલ વન્સ અગેઈન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોહાએ બે બંગાળી અને ત્રણ અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સોહા એક ટીવી ગેમ શોની પણ હોસ્ટ રહી ચૂકી છે.

અહીં એવો સવાલ ઉદ્દભવવો પણ વાજબી છે કે ૩૯ વર્ષીય સોહાએ એવી તે કેવી જિંદગી જીવી લીધી કે તેણે આત્મકથા જ લખી નાખી? આનો સાચો જવાબ તો અમને પણ નથી મળતો અને કદાચ સોહાની આત્મકથા વાંચ્યા પછી પણ વાચકોને સોહાએ આત્મકથા લખવાનું કારણ ન સમજાય એવું બને. કદાચિત એક જવાબ એ હોઈ શકે કે સોહાની ફિલ્મોમાં કારકિર્દી ચાલી નહીં, અભિનેત્રી તરીકે લોકોના સ્મૃતિપટમાં તે ક્યારેય સ્થાન જમાવી શકી નથી. લોકો સાવ ભૂલી જાય એ પહેલાં પ્રસિદ્ધિમાં રહેવાનો એમનો આખરી પ્રયાસ ગણી શકાય. મા શર્મિલા ટાગોર આત્મકથા લખવા અંગે હજુ વિચાર કરી રહી છે ત્યાં સોહાએ લખી નાખી. ફિલ્મી કરિયર વિશે તે વધુુ લખી શકે તેમ નથી. અભિનેત્રી મમ્મી શર્મિલા અને પટૌડી ખાનદાનના હોવાના નાતે ફિલ્મોમાં જલ્દી પ્રવેશ મળી ગયો હતો એટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશના સંઘર્ષનો પણ તે ચિતાર આપી શકે તેમ નથી. રહી વાત લાંબા સમયના પ્રેમી કુણાલ ખેમુ સાથે પરણીને ઠરીઠામ થવાની. સોહા કહે છે કે, ‘પરિવાર સાથે વિતાવેલી એકેએક ક્ષણોને મેં મારા પુસ્તકમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે.’ સોહાની આત્મકથા મારફતે સૈફ અને કરીનાના જીવનમાં ડોકિયું કરવા માંગતા વાચકોને સોહા ચેતવે છે કે, ‘એવી અપેક્ષાએ તમે મારી આત્મકથા વાંચશો તો આમાંથી તમને કંઈ નહીં મળે.’

———–.

You might also like