ગોંડલ અક્ષર મહોત્સવના રંગે રંગાયું

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોંડલનું એક વિશેષ મહત્ત્વ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગ સ્થાન અક્ષર દેરીને ૧પ૦ વર્ષ પુરાં થઈ રહ્યાં હોઈ સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણીના રંગે આખું ગોંડલ રંગાયું છે. દેશ-વિદેશમાંથી લાખો હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યાં છે. ત્યારે આવો, શબ્દોના સહારે જોડાઈએ આ પાવન અવસર સાથે…..

 

રાજકોટથી આશરે ૪પ કિ.મી. દૂર આવેલું ગોંડલ ભવ્ય ભૂતકાળ સાચવીને બેઠું છે. આ શહેરની ઓળખ આપવામાં આવે તો સૌ પહેલાં પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજીનું આ નગર હતું તેમ કહેવાય છે અને બીજી ઓળખ અક્ષર મંદિરની આપવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોંડલને એક પાવન તીર્થભૂમિ તરીકે માનવામાં આવે છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ આઠ વખત આ પાવન ભૂમિ પર પધારી ચૂક્યા છે. આ સંપ્રદાયના ગુરુવર્ય સંતો ગુણાતીતાનંદ સ્વામી, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસના વર્તમાન ગાદીપતિ મહંત સ્વામી મહારાજને આ ભૂમિ પ્રત્યે હંમેશાં લગાવ રહ્યો છે. આ સંતો જ્યાં લાંબો સમય સુધી રહ્યા છે એ ગોંડલનું અક્ષર મંદિર એક તીર્થભૂમિ બન્યું છે. આ મંદિર પરિસરના કેન્દ્ર સમી અક્ષર દેરી એ ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગનું સ્થાન છે. જામનગર જિલ્લામાં ધ્રોલ નજીક આવેલા ભાદરા ગામમાં જન્મેલા ગુણાતીતાનંદ સ્વામીએ ૮૩ વર્ષની વયે ગોંડલમાં દેહ છોડ્યો હતો. તેમની ઇચ્છા મુજબ ગોંડલી નદીના કિનારે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમના દેહોત્સર્ગ સ્થાન પર વિમાન આકારની એક દેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કરોડો હરિભક્તોના આસ્થાના કેન્દ્ર સમી અક્ષર દેરીને ૧પ૦ વર્ષ પુરા થઈ રહ્યાં હોઈ સાર્ધ શતાબ્દી મહોત્સવનો ૧૯મીથી જ આરંભ થઈ ચૂક્યો છે. મહોત્સવમાં ભાવિકોનો મહાસાગર ઊમટી પડ્યો છે. શ્રદ્ધાનો સાગર જાણે હિલોળા લઈ રહ્યો હોય તેવું વાતાવરણ ખડું થયું છે.

ગોંડલના આંગણે તા.ર૦થી ૩૦ જાન્યુઆરી સુધી અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. આ મહોત્સવને લઈને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં, અન્ય સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવ આજની યુવા પેઢી માટે સંસ્કાર અને પ્રેરણાનો ઉત્સવ બની રહ્યો છે. લાખો યુવાન ભાઈ-બહેનો આ મહોત્સવમાં જોડાયાં છે. દસ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો.

૨૦૦ એકરમાં નગર ઊભું કરાયું
અક્ષર દેરીના સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અક્ષર મંદિરની પાછળના ભાગે આશરે ર૦૦ એકર ભૂમિ પર ખાસ સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે. મહોત્સવનું આ સૌથી મોટું આકર્ષણ છે. બીએપીએસના અપૂર્વ મુનિ સ્વામી કહે છે, ‘છેલ્લા બે મહિનાથી આશરે ૧પ,૦૦૦ જેટલા સ્વયંસેવકો અને સંપ્રદાયના સંતોએ મહેનત કરીને આ ખાસ નગરનું નિર્માણ કર્યું છે. અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવના ખાસ આકર્ષણ એવા સ્વામિનારાયણ નગરમાં ભવ્ય કલાત્મક દ્વાર ઊભો કરવામાં આવ્યો છે. સૌથી મોટંુ આકર્ષણ એ સભા મંચનું છે. ૧૭પ ફૂટ લાંબો, ૧૩૦ ફૂટ પહોળો અને ૭૦ ફૂટ ઊંચો આ મંચ તૈયાર કરવામાં આવ્યો છે.

છ વિરાટ ખંડ ઊભા કરાયા
અક્ષર મંદિરની પાછળ ખાસ ઊભા કરાયેલા સ્વામિનારાયણ નગર ખાતે રાષ્ટ્રભાવના, પારિવારિક ભાવના, સામાજિક એકતા, વ્યસનમુક્તિ અને સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપતાં છ પ્રદર્શન ખંડ ઊભા કરવામાં આવ્યા છે. પ્રથમ પરમાનંદ નામના ખંડમાં પ્રમુખ સ્વામીના જીવનને વણી લેવામાં આવ્યું છે. પપ દેશોમાં ર.પ લાખથી વધુ ઘરોમાં વિચરણ કરીને કરોડો લોકોને આધ્યાત્મિકતાના માર્ગે કઈ રીતે વાળવામાં આવ્યા તેનો ચિતાર આ ખંડમાં આપવામાં આવ્યો છે. બીજો ખંડ મુક્તાનંદ નામનો છે. તેમાં વ્યસનથી થતી બરબાદીનાં ઓડિયો  -વીડિયો અને ચિત્રો મારફત બતાવવામાં આવ્યું છેે. તૃતીય ખંડ સહજાનંદમાં ભગવાન સ્વામિનારાયણ અને ચોથા ખંડ અક્ષરાનંદમાં ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષર દેરીનો મહિમા બતાવવામાં આવ્યો છે. પાંચમો ખંડ નિત્યાનંદ છે તેમાં પારિવારિક ભાવનાને મજબૂત કરતો સંદેશ આપવામાં આવ્યો છે અને છઠ્ઠા ખંડ યોગાનંદમાં ગોંડલ અક્ષર મંદિરના મહંત તરીકે રપ વર્ષ સુધી રહેલા યોગીજી મહારાજના જીવનને આવરી લેતાં પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે.

સ્વામિનારાયણ નગરમાં આ ઉપરાંત એક ભજનાનંદ નામનો એક વિશેષ ખંડ ઊભો કરાયો છે. તેનો હેતુ એ છે કે આ નગરમાં આવનાર ભાવિકોને ભજન-કીર્તનનો ભાવ થાય તો તે આ ખંડમાં આવીને કરી શકે છે. સવારમાં શાળાના વિદ્યાર્થીઓ માટે અને બપોરના બેથી રાત્રિના ૧૧ વાગ્યા સુધી અન્ય ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે. મહોત્સવની શરૃઆત પહેલાં જ રાજ્યની પ૦ હજાર શાળાઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધંુ હતું. સ્વામિનારાયણ નગરની જ્યારે અમે મુલાકાત લીધી તો અનેક એવા સેવાભાવી ભાવિકો મળ્યા હતા કે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સેવાના કાર્ય માટે આવ્યા હતા. દરેક પોતાની યોગ્યતા મુજબ મહોત્સવમાં યોગદાન આપવા માગતા હતા.

રાષ્ટ્રપતિએ મહોત્સવમાં હાજરી આપી
તા.ર૦થી ૩૦ જાન્યુઆરી સુધી અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવનું અન્ય એક આકર્ષણ અક્ષર મંદિરનો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ છે જે સાંજે થશે. અક્ષર મંદિર પરિસરમાં યોગી સ્મૃતિ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. દસ દિવસના અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં તા.રરમીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આમંત્રણ કાર્ડ આપવાનો રેકોર્ડ
આ ભવ્ય મહોત્સવના આમંત્રણ કાર્ડ આપવાનો એક અનોખો રેકોર્ડ થયો છે. બીએપીએસ ગોંડલ મંદિરના ટ્રસ્ટી નિર્મળસિંહ રાણા કહે છે, ‘૯ હજાર જેટલા સેવાભાવી બહેનોએ સૌરાષ્ટ્રનાં ૧૬ લાખ ઘરોમાં રૃબરૃ જઈને આમંત્રણ પત્રિકા આપી હતી. તે એક રેકોર્ડ છે. એવું નહીં કે ઘરોમાં જઈને આમંત્રણ પત્રિકા ફેંકીને નીકળી જવાનું, પણ દસથી પંદર મિનિટ સુધી પરિવારના સભ્યો સાથે વાત કરીને તેમને મહોત્સવ વિશે જાણકારી આપવામાં આવી હતી.’

—————.

રાષ્ટ્રપતિ ભવનમાં અક્ષર દેરી

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામનો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યેનો લગાવ જાણીતો છે. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં અક્ષર દેરીની પ્રતિકૃતિ ટેબલ પર રાખતા હતા. બીએપીએસના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામી કહે છે, ‘પૂ. પ્રમુખ સ્વામીએ ગોંડલના અક્ષર દેરીની પ્રતિકૃતિ ડૉ. કલામને ભેટ આપી હતી અને અમે એક વખત રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ખુદ કહ્યું હતું કે અક્ષર દેરીનાં દર્શન કરીને મારા દિવસની શરૃઆત થાય છે.

—————.

શું છે અક્ષર દેરીનું માહાત્મ્ય ?

ગોંડલમાં દસ દિવસના મહોત્સવનો જે આરંભ થયો છે તેના કેન્દ્રમાં રહેલી અક્ષર દેરી એ શું છે? તે જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. ૮ર વર્ષની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામીએ દેહ છોડ્યો ત્યારે તેમની ગોંડલી નદીના કિનારે અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. આ ભૂમિ પર ગોંડલના રાજવી પરિવારે અસ્થિકુંભ પધરાવીને વિમાન આકારની એક દેરીનું નિર્માણ કરાવ્યું હતું. અક્ષર દેરીના નામે આ સ્થળ વિખ્યાત બન્યંુ હતું. લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર એવા આ સ્થળને કલ્પવૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. શાસ્ત્રીજી મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. યોગીજી મહારાજ નિત્યપણે અક્ષર દેરીની પ્રદક્ષિણા કરતા હતા. તેઓ કહેતા હતા કે, કોઈને કોઈ પણ દુઃખ ટાળવું હોય તો અક્ષર દેરીની મહાપૂજાની માનતા માને તો સંકટોમાંથી મુક્ત થાય છે. પૂ. પ્રમુખ સ્વામી અને વર્તમાન ગાદીપતિ મહંત સ્વામીની દીક્ષા આ સ્થાનની સાક્ષીએ લેવામાં આવી હતી. અક્ષર દેરીની પ્રદક્ષિણાનો અનેરો મહિમા છે. પૂ. પ્રમુખ સ્વામી એવું કહેતા કે, અક્ષર દેરી એ તીર્થોનો રાજા છે. આ દેરીની પ્રદક્ષિણા કરવાથી તમામ તીર્થોનું પુણ્ય મળે છે. મહંત સ્વામીને પણ આ દેરી પર અખૂટ શ્રદ્ધા છે. તેઓ અહીં હોય ત્યારે જાતે ફૂલોથી દેરીમાં સુશોભન કરી દંડવત્ પ્રણામ કરે છે.

—————.

You might also like