‘આંદોલનકારી ત્રિપુટી’ સફળ કે નિષ્ફળ?

0 6

આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતાં પણ આંદોલનકારી નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ચર્ચાઓ વધુ થઈ હતી. ત્યારે અહીં સીધી કે આડકતરી રીતે કોંગ્રેસના સમર્થનમાં રહેલા ત્રણેય નેતાઓની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કેટલી અને કેવી અસર થઈ તેની વાત કરીએ……..

છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકચક્રી શાસન રહ્યું છે. આ દરમિયાન જેટલી પણ સામાન્ય ચૂંટણીઓ આવી, દરેક વખતે ભાજપ કેટલી સીટો સાથે સરકાર બનાવશે તેની જ ચર્ચા થતી રહી છે. ભાજપના છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં આ પહેલી એવી ચૂંટણી હતી જેમાં કોંગ્રેસ જિતશે એવી શક્યતા પેદા થઈ હતી. અગાઉ કોંગ્રેસની જીતવાની વાત તો દૂર ૨૦૧૨ની હાર બાદ વિરોધપક્ષ તરીકેના તેના અસ્તિત્વ અંગે પણ સવાલો થવા લાગ્યાં હતા. આંતરિક જૂથબંધી અને જેટલા નેતા એટલા ચોકાઓના કારણે અનેક પ્રજાકીય પ્રશ્નો છતાં કોંગ્રેસ તેને વાચા આપીને સત્તા કબજે કરી શકતી નહોતી. પણ આગળ જતાં પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સાથે હાથ મિલાવીને તેણે ભાજપને હંફાવી દીધું હતું એ સૌએ જોયું. અહીં ત્રણેય આંદોલનકારી નેતાઓની સફળતા નિષ્ફળતા અંગે ચર્ચા કરીએ.

હાર્દિક ફેક્ટરઃ ગામડાંઓમાં હીટ, શહેરોમાં ફ્લોપ
હાર્દિક પટેલે જ્યારથી ચૂંટણી જંગમાં ભાજપને હરાવવા માટે ઝંપલાવ્યું ત્યારથી જે એક બાબત ઉડીને આંખે વળગતી હતી તે હતી યુવાનોનું પ્રચંડ સમર્થન. હાર્દિકની સભા, રેલીઓમાં જે રીતે પાટીદાર યુવાનો સ્થળકાળ જોયા વિના ઉમટી પડતા હતા તેના પરથી તો એવું જ લાગતું તું કે આ વખતે ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે. પાટીદારોમાં પણ ગામડાં અને શહેરી વર્ગના પ્રશ્નો અલગ અલગ હતા. ગામડાઓમાં પાટીદારોને ઘટતી જતી ખેતીની આવક, ખેતપેદાશોના અપુરતા ભાવ, વીજળી, પાણી, પાક વીમો વગેરે પ્રશ્નો સતાવતા હતા. તો અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટાં શહેરોમાં વસતા નોકરિયાત અને વેપારી પાટીદારો સામે મોંઘવારી, નોટબંધી અને જીએસટીના પ્રશ્નો હતા. પાટીદારોના આ બંને વર્ગને અનામતની સરખામણીએ આ મુદ્દા વધારે અસરકારક લાગ્યા હોય તેવું પરિણામો પરથી જણાય છે. પાટીદાર આંદોલનના શરુઆતના તબક્કામાં થયેલી પંચાયતી રાજની ચૂંટણીમાં હાર્દિકે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તેથી આ વખતે તેની અસર ખાળવા ભાજપે મોટાભાગે શહેરી મતદારો પર વધુ મદાર રાખ્યો હતો. છતાં જે રીતે હાર્દિકની અમદાવાદ, સુરત અને રાજકોટની સભામાં યુવાનો જોડાતા હતા તે જોતા ભાજપ હારી જશે તેમ લાગતું હતું. પણ થયું તેનાથી ઉલટુું, ભાજપ જીતી ગયું. એટલું નહીં અમદાવાદમાં પાટીદાર બહુમતિ ધરાવતા નિકોલ, નરોડા, મણિનગર, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી સહિતની બેઠકો ઉપરાંત સુરતની તમામ બેઠકો ભાજપે જાળવી રાખી.

પાટીદાર આંદોલનની સૌથી વધારે અસર જ્યાં હતી તે સુરતમાં અમિત શાહની સભામાં ખુરશીઓ ઉછળી હતી છતાં આશ્ચર્યજનક રીતે ભાજપે અહીંની એકપણ બેઠક ગુમાવી નથી. એ જ રીતે અમદાવાદમાં પાટીદારોનો ગઢ ગણાતા નિકોલમાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ જિત્યાં છે. આંદોલનની જ્યાંથી શરુઆત થઈ હતી તે મહેસાણા જિલ્લાના વીસનગરમાં પણ ભાજપના ઋષિકેશ પટેલ જિત્યાં. તો જ્યાં આંદોલન દરમિયાન તોફાનો થયા હતા તે મહેસાણા બેઠક પરથી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની વધુ એક વખત જીત થઈ છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં પણ તમામ છ બેઠકો ભાજપે કબ્જે કરી છે. આ તમામ ફેક્ટર હાર્દિકની વિરુદ્ધ જાય છે.

બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્ર, એમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં હાર્દિકે ભાજપને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીની જેમ જંગી નુકસાન પહોંચાડ્યું છે. અગાઉ ૨૦૧૨માં પાટીદારોની અસર હેઠળની ગુજરાતભરની કુલ ૮૩ બેઠકો પૈકી ૫૯ ભાજપને જ્યારે ફક્ત ૨૨ કોંગ્રેસને મળી છે. અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ગીરસોમનાથ જિલ્લાઓમાં તો હાર્દિકના કારણે ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે. પાટીદાર આંદોલનની જ્યાં સૌથી વધુ અસર દેખાતી હતી તે મોરબીમાં પાટીદારોએ જિલ્લાની ત્રણેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જિતાડ્યાં છે. અમરેલી જિલ્લાની પાંચમાંથી ચાર બેઠકો પણ આ જ રીતે કોંગ્રેસના ફાળે ગઈ છે. ધોરાજીમાં તો પાસમાંથી કોંગ્રેસના ઉમેદવાર બનેલા લલિત વસોયા  જિત્યાં. તો જૂનાગઢના માણાવદર, વિસાવદર, તાલાલામાં પણ હાર્દિકના કારણે કોંગ્રેસને ફાયદો થયો.

અલ્પેશ, જિજ્ઞેશની આંશિક અસર
અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની વાત કરીએ તો, બંને અનુક્રમે ઓબીસી અને દલિત સમાજમાંથી આવે છે જેઓ વર્ષોથી કોંગ્રેસની વોટબેંક રહ્યાં છે. પરંપરાગત રીતે જોઈએ તો કોંગ્રેસની વોટબેંકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ૨૨ ટકા ઓબીસી ઠાકોર, ૧૫ ટકા આદિવાસી, ૭.૫ ટકા દલિત અને બાકીના મુસ્લિમ મતો મુખ્ય છે. આ ગણતરીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આંદોલનકારી નેતાઓને પોતાની તરફેણમાં કર્યા હતા. વ્યસનમુક્તિ આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અગાઉ કોંગ્રેસની ટિકિટ પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યાં હતા તેથી તે ફરી કોંગ્રેસમાં જોડાશે તે નક્કી હતું. અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજ્યના ૧૮ હજાર પૈકી પાંચ હજાર ગામો સુધી ફેલાયેલી છે. જેમાં ઓબીસી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. વળી દારુબંધી આંદોલનના કારણે તે ઓબીસી મહિલાઓમાં પણ લોકપ્રિય નેતા બની ગયા હતા. અગાઉ ઉત્તર ગુજરાતમાં ભાજપને મળેલા જનસમર્થનનેે ધ્યાનમાં રાખીને અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પસંદ કરી હતી જેથી આસપાસની ઓબીસી પ્રભાવિત બેઠકો પર અસર પાડી શકાય. પણ તેઓ ધાર્યું પરિણામ લાવી શક્યા નથી. તેમના સમર્થકો જરુર જિત્યા પણ ઓવરઓલ જે પરિણામની આશા કોંગ્રેસે રાખી હતી તે ઠગારી નીવડી છે. ઉલટાનું તેમની જીદના કારણે કેટલીક જીતી શકાય તેવી બેઠકો કોંગ્રેસે ગુમાવવાનો વારો આવ્યો છે. આ વખતે કોંગ્રેસે ૫૭ ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી ૨૯ જિત્યાં છે. જ્યારે ભાજપે ૪૭ને ટિકિટ આપેલી જેમાંથી ૨૧ જીત્યાં. કોંગ્રેસે ભૂલ એ કરી કે તેણે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની સાથે પટેલ નેતા હાર્દિકને પણ સાથે લીધો. સૌ જાણે છે તેમ ઓબીસી અને પટેલ સમાજ એકબીજાના વિરોધી હોવાની વાત પાટીદાર આંદોલનની શરુઆતમાં જ ખૂલીને સામે આવી ગઈ હતી. આમ હાર્દિકના કારણે કોંગ્રેસે ઓબીસી પુરતું તો વેઠવાનું જ આવ્યું. જો ઓબીસી મતદારોને તેણે સાચવી લીધા હોત તો કોંગ્રેસ આસાનીથી જીત મેળવી લેત પણ હાર્દિકના કારણે ઓબીસી મતો ભાજપમાં પડ્યાં. આ તરફ ભાજપે કોંગ્રેસ જેટલા જ ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપીને સાચવી લેતા નુકસાન ઓછું થયું હતું. અલ્પેશના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને ફાયદો થયો પણ ઓવરઓલ પરિણામ સામાન્ય રહ્યું હતું.

આ તરફ ઊનાકાંડ અને જિજ્ઞેશ મેવાણીના આંદોલનના કારણે દલિતો કોના તરફ ઢળે છે તેના તરફ સૌની નજર હતી. ૭ ટકા દલિતો રાજ્યની ૨૦ બેઠકો પર પ્રભાવ ધરાવવાની સાથે ૧૩ બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં હતા. જેમાં ભાજપના ૧૩ પૈકી ૭ ઉમેદવારો જીત્યાં જ્યારે કોંગ્રેસના ૧૭માંથી ૯. જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસે આડકતરું સમર્થન આપી વડગામથી તેની અપક્ષ ઉમેદવારીને મોકળું મેદાન આપ્યું હતું. તેની દલિત એક્ટિવિસ્ટ તરીકેની છાપના કારણે દલિત મતો ભાજપ તરફ જતા અટકાવવાનો કોંગ્રેસનો વ્યૂહ મહદઅંશે ફળ્યો છે. જો કે એમાં જિજ્ઞેશ કરતાં પરંપરાગત દલિત મતદારોનો ભાજપ તરફે રોષ વધુ જવાબદાર ગણાય છે. સરકારના મંત્રીઓ આત્મરામ પરમાર અને રમણલાલ વોરા તેમની લોકવિરોધી છાપ, આડોડાઈ અને અભિમાનના કારણે જ હાર્યા છે. કુલ ૧૬ સીટો પર દલિત ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં કોંગ્રેસના ૯ જ્યારે ભાજપના ૭ ઉમેદવારોએ જીત મેળવી છે. છતાં ૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસને ત્રણ બેઠકોનું નુકસાન થયું છે. જિજ્ઞેશ મેવાણીએ ઊનાકાંડ બાદ શરુ કરેલા રાષ્ટ્રવ્યાપી દલિત અધિકાર આંદોલનના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના દલિતો પર પણ સારી એવી છાપ છોડી હતી. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અનામત બેઠકો પર સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. જ્યાં પાટીદારો અને દલિતોએ મળીને ભાજપને સજ્જડ પરાજય આપ્યો હતો.

ભૂલ ક્યાં થઈ ?
કોંગ્રેસને આશા હતી કે બંનેને સાથે લેવાથી ઓબીસી, દલિત, મુસ્લિમ ઉપરાંત અનામત આંદોલનના કારણે ભાજપથી નારાજ ૧૨ ટકા પાટીદારો તેમને તારી દેશે. પણ આખો દાવ ઉંધો ત્યારે પડ્યો જ્યારે અન્ય સમાજોને સાચવવામાં તેમના પરંપરાગત મતદાર રહેલા ૧૪ ટકા આદિવાસીઓને તેઓ ભૂલી ગયા. અને તેનો લાભ ભાજપને મળ્યો પણ ખરો. આદિવાસીઓ પરંપરાગત રીતે કોંગ્રેસની સાથે રહ્યાં છે પણ આદિવાસી પટ્ટામાં સંઘની સંસ્થાઓનાં કાર્યોનો લાભ અહીં ભાજપને મળ્યો હતો. જેના કારણે પાટીદાર, દલિત અને ઓબીસી આંદોલનની અસરની ખોટ આદિવાસી બેઠકોથી સરભર થઈ ગઈ હતી. અહીં ભાજપે ૨૭માંથી ૧૦ બેઠકો મેળવી. જેની સાથે દક્ષિણ ગુજરાતની ૩૫માંથી ૨૫ બેઠકો કબ્જે કરીને બાજી સરભર કરી લીધી હતી. સામે કોંગ્રેસના ૨૯માંથી ૧૮ ઉમેદવારોએ જીત મેળવી છતાં તે સરકાર બનાવવા જેટલી બેઠકો મેળવી શક્યો નહીં.

—————–.

loading...

Leave A Reply

Your email address will not be published.