સૌરાષ્ટ્રમાં પાટીદાર પરીબળે ભાજપની બાજી બગાડી

0 6

સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ કહેવાય છે. વિધાનસભાની આ ચૂંટણીમાં ગઢનાં કાંગરા ખર્યા છે. વિધાનસભાની આ ચૂંટણી સમયે મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંને સૌરાષ્ટ્રમાંથી આવતા હોવા છતાં આ પ્રદેશને સાચવી ન શકયા જે ભાજપ માટે બેશક આત્મમંથનનો વિષય છે. સૌરાષ્ટ્રનાં પરિણામો જે સામે આવ્યા છે તેમાં પાટીદાર ફેકટરની અસર સાફ જોવા મળી રહી છે………

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં સૌરાષ્ટ્ર પર સહુ કોઈની નજર હતી કારણ કે મુખ્યપ્રધાન વિજય રૃપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી બંને સૌરાષ્ટ્રના વતની છે અને બંને આ ચૂંટણી લડી રહયા હતા. લોકચૂકાદો જે આવ્યો તેમાં ભાજપનાં આ બંને નેતા તો જીતી ગયા પણ સૌરાષ્ટ્રનાં પરિણામોએ કેસરીયા બ્રિગેડને જોરદાર આંચકો આપ્યો છે. ભાજપનાં નેતાઓએ કલ્પના ન કરી હોય તેેવાં પરિણામો આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી કરતાં આ વખતે ચિત્ર લગભગ ઉલટુ થઈ ગયુ છે. સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ કહેવાય છે. જનસંઘના સમયથી મૂળીયા આ પ્રદેશમાં ખૂબ ઉંડા છે પણ વિધાનસભાની આ ચૂંટણીએ ભાજપની નેતાગીરીની ઉંઘ ઉડાડી દીધી છે. આ વખતે પાટીદાર આંદોલનની તીવ્ર અસર સૌરાષ્ટ્રમાં જોવા મળતી હતી. તેના કારણે ભાજપને મોટુ રાજકીય નુકશાન થશે તેવો રાજકીય વિશ્લેષકોને અંદાજ હતો અને એ ધારણા મુજબ જ ભાજપને મોટુ રાજકીય નુકશાન અને કોંગ્રેસને બઢત આપતું પરિણામ આવ્યુ છે. સૌરાષ્ટ્રની તાસીર જ એવી છે કે એક મુદે હાથમાં લે પછી ગમે તેવા સમીકરણો બદલે એ મૂળ મુદને છોડતા નથી.

સૌરાષ્ટ્રના પરિણામોના સમીકરણો જોઈએ એ પહેલાં આંકડા પર નજર કરીને ભાજપને ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ કેટલુ નુકશાન થયુ છે તે જોઈએ. વિધાનસભાની ર૦૧રની ચૂંટણી યોજાઈ ત્યારે પણ કેશુભાઈ પટેલ જીપીપી અલગ પાર્ટી બનાવીને મેદાનમાં હોવા છતાં સૌરાષ્ટ્રની કુલ ૪૮ બેઠકોમાંથી ભાજપને ૩૧, કોંગ્રેસને ૧૪, જીપીપી ર અને એનસીપીને ૧ બેઠક મળી હતી. આ વખતે ર૦૧૭માં ભાજપને માત્ર ૧૮, કોંગ્રેસની સીટ વધીને ર૯ અને એનસીપીને ૧ બેઠક મળી છે. આ વખતની ચૂંટણીમાં પણ પાટીદારો ભાજપની સામે હતા. ભલે સ્વરૃપ અલગ હતુ. ગયા વખતે કેશુભાઈ સામે ઈતર સમાજને એક કરી ભાજપે ગઢને જાળવી રાખ્યો હતો પણ આ વખતે પાટીદાર આંદોલનની અસરને ખાળવામાં ભાજપની નેતાગીરી નબળી પૂરવાર થતા સૌરાષ્ટ્રમાં મોટુ રાજકીય નુકશાન સહન કરવુ પડયું છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વવાળી આશરે રરથી વધુ બેઠકો છે. અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર અને ભાવનગરની કેટલીક બેઠકો પર પાટીદાર આંદોલનની મોટી અસર જોવા મળી તેનુ પરિણામ ભાજપને ભોગવવુ પડયુ છે. હાર્દિક પટેલે પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં વાતાવરણને કોંગ્રેસ તરફી બનાવી દીધુ હતુ. ચૂંટણીના આ પરિણામોએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં પટેલો ભાજપની સાથે રહયા નથી.

સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને મોરબીમાં તો ભાજપનું ખાતુ પણ ખુલ્યુ નથી. એક પણ સીટ મળી નહી અને દિગ્ગજ નેતાઓની હાર થઈ છે. અમરેલી મોટો જિલ્લો છે અને પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહયું છે. અમરેલીની ધારી બેઠક પર સહકારી ક્ષેત્રનાં રાષ્ટ્રીય નેતા દિલીપ સંઘાણીની હાર થઈ છે. જયારે અમરેલીથી પરેશ ધાનાણીએ અગાઉ સંઘાણી, રૃપાલા અને આ વખતે બાવકું ઉંધાડને હરાવ્યા છે. ભાજપનાં આ મોટા ગજાના નેતા હારશે તેમ કોઈ માનવા તૈયાર ન હતુ. અમરેલી જિલ્લાના પરિણામોએ ભાજપને મોટો આંચકો આપ્યો છે. જિલ્લાની કુલ પાંચ સીટ છે તે તમામ સીટ ભાજપે ગુમાવી છે. ગત ચૂંટણીમાં ભાજપ બે સીટ જીત્યુ હતુ. રાજુલાની સીટ પર મજબૂત કોળી નેતા હીરાભાઈ સોલંકી આ વખતે બેઠક જાળવી શકયા નથી. પહેલીવાર ચૂંટણી લડી રહેલા અમરીશ ડેર આ બેઠક જીતી ગયા છે.

ભાજપ માટે અમરેલી જેવુ જ ફટકા સમાન પરિણામ આવ્યુ છે મોરબી જિલ્લાનું. મોરબી જિલ્લાની ત્રણ સીટ છે આ વિસ્તારમાં કડવા પટેલ સમાજનું પ્રભુત્વ છે. મોરબી જિલ્લામાં અનામત આંદોલનની તીવ્ર અસર જોવા મળતી હતી. મોરબી જિલ્લામાં પાટીદાર ફેકટરની ધારણા મુજબ અસર થઈ અને મોરબી, પડધરી અને વાંકાનેર ત્રણેય બેઠકો કોંગ્રેસે કબ્જે કરી લીધી છે.

સહુ કોઈની નજર રાજકોટ વેસ્ટની સીટ પર હતી. કારણ કે આ સીટ પરથી મુખ્યપ્રધાન વિજય રૃપાણી અને કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગુરૃ વચ્ચે હાઈપ્રોફાઈલ જંગ હતો. છેલ્લા એકાદ વર્ષની મહેનત હોવા છતાં ઈન્દ્રનીલ આ બેઠક જીતી શકયા નથી. ઉલટાનું વિજય રૃપાણી ગત ચૂંટણી કરતા ડબલ માર્જીનથી પ૩,૭પપ મતની લીડથી જીત્યા છે. રાજકોટ શહેરની ત્રણ અને ગ્રામ્ય મળી ચારેય બેઠક જાળવી રાખવામાં ભાજપને સફળતા મળી છે. રાજકોટ શહેરી વિસ્તારમાં ભાજપનો દબદબો કાયમ રહયો છે જયારે  રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર ફેકટરની અસર થશે તેવી ધારણા હતી, તેમાં પણ ગોંડલ અને જેતપુર બંને બેઠક ભાજપે જાળવી રાખી છે. ધોરાજી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પાસના પૂર્વ કન્વીનર લલિત વસોયાને અનામત આંદોલન ફળ્યુ છે. ધોરાજી બેઠક પર તેઓ પુર્વ સાંસદ હરીભાઈ પટેલને હરાવીને જીતી ગયા છે. જયારે જસદણ પરંપરાગત કોંગ્રેસની સીટ છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા કુંવરજી બાવળીયાએ ભાજપના યુવા આગેવાન ર્ડા. ભરત બોઘરાને હરાવીને પાંચમી વખત આ સીટ કબ્જે કરી છે.

જૂનાગઢ જિલ્લાએ ભાજપને આંચકો આપ્યો છે. જૂનાગઢ શહેરની બેઠક પરથી ભાજપના મહેન્દ્ર મશરૃ છઠી વખત ચૂંટણી લડી રહયા હતા. મશરૃની ઈમેજ આદર્શ રાજકારણીની હોવા છતાં તેમને હાર ખમવી પડી છે. આ બેઠક કોંગ્રેસના ભીખાભાઈ જોષી જીતી ગયા છે. જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકમાંથી ચાર પર કોંગ્રેસની જીત થઈ છે. માણાવદર બેઠક કોંગ્રેસના જવાહરભાઈ ચાવડાએ જાળવી રાખી છે તો વિસાવદર હર્ષદ રીબડીયાએ જાળવી છે. માંગરોળ કોંગ્રેસે તો કેશોદ ભાજપે મેળવી છે. જૂનાગઢ જિલ્લામાં પાટીદારોની વસતી વધારે છે. બેઠકોના પરિણામોનો સાફ સંકેેત છે કે પટેલ વોટબેન્ક કોંગ્રેસ તરફે રહી છે. જૂનાગઢ શહેરમાં પણ પાટીદાર મત ન મળવાને કારણે મશરૃની હાર થઈ છે.

કોંગ્રેસને પોરબંદરે જોરદાર ફટકો માર્યો છે. પોરબંદરની સીટ પરથી પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા અને કેબીનેટ પ્રધાન બાબુભાઈ બોખીરીયા વચ્ચે રસાકસીનો જંગ હતો. આ બેઠક પર સોશ્યલ એન્જિીનીયરીંગ કરવામાં મોઢવાડીયા માર ખાઈ ગયા છે. મહેર સમાજમાં મતોના ભાગલા પડતા હતા ત્યારે ખારવા અને ઈતર સમાજનું મતદાન મહત્વનું હતુ. ૧૮૦૦ જેટલા ઓછા માર્જીનથી આ બેઠક મોઢવાડીયાએ ગુમાવી છે. જયારે કતિયાણામાં એનસીપીના કાંધલ જાડેજાએ બેઠક જાળવી રાખી છે.  વાત કરીએ ગીર સોમનાથની તો જાણે રાહુલની સોમનાથ યાત્રા ફળી છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર સીટ છે. આ ચારેય બેઠક કોંગ્રેસે મેળવી છે. ભાજપનું આ જિલ્લામાં ખાતુ પણ ખૂલ્યુ નથી. એટલું જ નહી મંત્રી જશાભાઈ બારડ ખુદ સોમનાથની બેઠક હારી ગયા છે. ઉના, કોડીનાર અને તાલાલા બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે.

ભાવનગરની સાત સીટમાંથી છ સીટ ભાજપે અને માત્ર એક સમ ખાવા પૂરતી તળાજા કોંગ્રેસે મેળવી છે. ભાવનગર શહેરની ત્રણેય સીટ ઉપરાંત મહુવા, ગારીયાધાર અને પાલીતાણા પર ભાજપે કબ્જો કર્યો છે. ભાવનગર વેસ્ટ પરથી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની જીત થઈ છે. પાટીદાર ફેકટરની અસર ભાવનગર જિલ્લામાં ખાસ જોવા મળી નથી. મહુવા બેઠક પરથી અપક્ષ ઝુકાવનાર કનુભાઈ કલસરીયા હારી ગયા છે. ભાવનગરથી અલગ પડેલા બોટાદ જિલ્લામાં બે સીટ છે. બોટાદમાં પૂર્વ કેબીનેટ પ્રધાન સૌરભ પટેલ માંડ માંડ જીત્યા છે જયારે ગઢડાની બેઠક પરથી મંત્રી આત્મારામ પરમારની હાર થઈ છે. આ બંને બેઠક પર પાટીદાર ફેકટરે મોટી અસર કરી છે.

—–.

ખોડલધામઃ ટ્રસ્ટીઓ હાર્યા

સૌરાષ્ટ્રમાં ભલે પાટીદાર ફેકટરની અસર જોવા મળી પણ  એક ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે પાટીદાર સમાજના આસ્થાનાં કેન્દ્ર એવા ખોડલધામની ચર્ચા આ ચૂંટણીમાં બહુ થઈ હતી. પણ ખોડલધામ ટ્રસ્ટનાં ત્રણ ટ્રસ્ટીઓ ચૂંટણીમાં ઉમેદવારો હતા. જેતપુરથી રવિ આંબલીયા અને રાજકોટ દક્ષિણથી દિનેશ ચોવટીયા કોંગ્રેસના ઉમેદવાર જ્યારે લાઠીથી ગોપાલ વસ્તાપરા ભાજપનાં ઉમેદવાર હાર્યા છે. ઉમેદવારોના પ્રચારમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શીવરાજે ભાગ લીધો છતાં ખોડલધામ સાથે જોડાયેલા આગેવાનો પણ હારી ગયા હતા.

—————————————.

loading...

Leave A Reply

Your email address will not be published.