ભાજપ માટે ખાંડાની ધાર પરનું શાસન

0 6

ગુજરાતની વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીએ જે રસ દેશમાં અને દુનિયામાં ઊભો કર્યો હતો તેટલો રસ સ્વતંત્ર ભારતની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાગ્યે જ ઊભો થયો હશે. એનું કારણ એ હતું કે દેશમાં લોકો એમ માનતા હતા કે ગુજરાતમાં તો ભાજપ જ જીતે, અને એની સામે તો કોંગ્રેસ કેવી રીતે જીતી શકે. પણ આ વખતે કોંગ્રેસ પણ જીતી શકે એમ છે એવો જે માહોલ ઊભો થયો હતો તેને કારણે જ એ રસ ઊભો થયો હતો.  હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનાં આંદોલનોએ ચૂંટણી રસાકસીભરી બને તેવું વાતાવરણ પહેલેથી જ ઊભું કરી દીધું હતું અને તેથી જ જે પરિણામ આવ્યું છે તે સ્પષ્ટ રીતે તેમની અસર દર્શાવે છે. સૌથી મોટી અને ગંભીર વાત આ પરિણામથી ગર્ભિત રીતે છલકાય છે તે છે ગ્રામ વિસ્તારો અને શહેરી વિસ્તારો વચ્ચેની ખાઈ. કોંગ્રેસને અને તેના સાથી પક્ષોને જે ૮૦ બેઠકો મળી તેમાં ૭૧ બેઠકો તો ગ્રામ વિસ્તારોની જ છે. એનો અર્થ એ છે કે વિકાસ ગાંડો થયો છે એમ શહેરી લોકો માનતા નથી. ગુજરાતની ૪૨.૬૦ ટકા શહેરી વસ્તીને ભાજપ અને નરેન્દ્ર મોદી જેને વિકાસ કહે છે તે ગમ્યો છે એમ કહી શકાય. જો કે, નરેન્દ્ર મોદીએ તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે જ શહેરોના વિકાસ પર જેટલું ધ્યાન આપ્યું હતું તેટલું ગામડાંના વિકાસ માટે નહોતું આપ્યું એ હકીકતને લીધે આ પરિણામ જન્મ્યું છે.

ભયંકર દાદાગીરી રાજકીય સત્તાના ઇજારાને પરિણામે ભાજપમાં છેલ્લાં ૨૨ વર્ષમાં જન્મી હતી. એ ઘમંડ થોડુંક ગુજરાતની પ્રજાએ ઉતાર્યું જ છે અને કોંગ્રેસના માથે પ્રતિભાવાત્મક અને રચનાત્મક વિરોધ પક્ષની જવાબદારી નાખી છે. પણ પટેલ વસ્તીનો જ્યાં પ્રભાવ હતો એ વિસ્તારોમાં ભાજપનો વિજય આશ્ચર્યજનક છે, પટેલો માટે જ નહિ પણ અન્ય લોકો માટે પણ આઘાતજનક છે અને તેથી જ હાર્દિક પટેલે તેને ઈવીએમમાં ઘાલમેલનું પરિણામ ગણાવ્યું છે. શાસક પક્ષ સામે ચૂંટણી સમયે નોટબાંધી અને જીએસટીને કારણે તથા અનામતની માગણી સમયના આંદોલન વખતે પોલિસ દ્વારા થયેલા અત્યાચારોને કારણે જે વિરોધનો વંટોળ ઊભો થયો હતો તેમાં સૌથી વધુ ફાળો જ પટેલોનો હતો અને તેઓ જ ભાજપને મત આપે એટલા નરમ ઘેંસ જેવા થઇ જાય એ સમજી ના શકાય એવી વાત છે.

સતત એમ કહેવાતું રહ્યું કે ભાજપ વિકાસવાદને મુદ્દો બનાવે છે અને કોંગ્રેસ જાતિવાદને લઈને ચૂંટણી લડે છે. હકીકત એ પણ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ, બેમાંથી એક પણ પક્ષે એક પણ બેઠક પર જાતિનાં સમીકરણોને ધ્યાનમાં લીધા વિના ઉમેદવારોની પસંદગી કરી હોય એવું તો છે જ નહિ. તેથી જે પરિણામ છે તે વિકાસના મુદ્દે જ છે અને તે જ ખરો મુદ્દો પણ છે. ભાજપે સતત કહ્યા કર્યું કે તેને વિકાસ કર્યો છે અને સામે પક્ષે કોંગ્રેસે એ ગાઈવગાડીને કહ્યું કે વિકાસ તો થોડાક લોકોના ખિસ્સાનો ભાગ બન્યો છે. ભાજપના પ્રચારકોને લોકોનો જાકારો અને નરેન્દ્ર મોદી સહિતના નેતાઓની સભાઓમાં ખાલી રહેલી ખુરશીઓ લોકોની નારાજગી તરફ આંગળી ચીંધનારી હતી જ. જે ગુજરાતમાં લગભગ ૩.૫૨ કરોડ લોકો ગરીબ છે, ૫૭.૪૫ લાખ યુવાનો બેકાર છે, ૬૨.૫ ટકા બાળકો અને ૫૩ ટકા સ્ત્રીઓ અપોષણથી પીડાય છે અને શિક્ષણ અત્યંત મોંઘું અને અપૂરતું છે ત્યાં પાકિસ્તાન, રામ મંદિર, હિંદુ-મુસ્લિમ વિભાજન જેવા મુદ્દાઓ ચૂંટણી દરમ્યાન ઈરાદાપૂર્વક ભાજપ દ્વારા ઉન્માદ ઊભો કરવા માટે અને લોકોને બહેકાવવા માટે લવાયા એ હકીકતને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી. આ પરિણામ એ દૃષ્ટિએ પણ મૂલવવું જોઈએ. શું એ મુદ્દા શહેરીજનોને સ્પર્શ્યા અને ગ્રામજનોને તેમની ઝાઝી અસર નથી થઇ એમ કહેવાનું? કેટલું બધું મિશ્રણ એક જ ચૂંટણીમાં હોય છે કે જે બધાં પરિબળો એકસાથે કામ કરે છે અને મતદાનને એક કે બીજી તરફ વાળે છે.

કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી નબળી છે અને અંદરોઅંદર ઝગડે છે એવી જે છાપ છે તે ભૂંસવામાં કોંગ્રેસ આ વખતે કંઇક અંશે સફળ રહી છે પણ તેના ઉચ્ચ કક્ષાના ત્રણ નેતાઓ હારી ગયા તે એ તરફ અંગુલિનિર્દેશ કરે છે કે નવા નેતૃત્વની જરૃર છે. પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોર વિધાનસભાની અંદર અને બહાર આ નેતૃત્વ કેટલું પૂરું પડે છે તે જોવાનું રહે છે.

ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં ૭૦ ટકા કરતાં વધારે ઉમેદવારો ૧૨મા ધોરણ સુધી જ ભણેલા હતા ત્યારે નવા ચૂંટાયેલા સભ્યો રાજ્યના સળગતા સવાલો પ્રત્યે કેટલી અર્થપૂર્ણ ચર્ચા કરે છે એ સવાલ તો ઊભો જ છે. જીગ્નેશ મેવાણી વિકાસના મુદ્દાને રાજ્યની રાજનીતિમાં કેન્દ્રસ્થ કરે એવી અપેક્ષા તે જેનો ભાગ છે એવા નાગરિક સમાજને સ્વાભાવિક રીતે જ છે.

ગુજરાતમાં હવે વિધાનસભાની અંદર અને બહાર ભાજપે ખાંડાની ધાર પર ચાલવાનું આવ્યું છે. સાવ જ પાતળી બહુમતી એને વિધાનસભામાં અસહાય ના બનાવી દે એ તેણે જોવાનું રહે છે. નવા જોમ સાથે કોંગ્રેસ વિધાનસભામાં બેસશે અને ભાજપને ભીંસમાં લેશે એ નક્કી છે. કોંગ્રેસના સભ્યોને ગૃહની બહાર કાઢી મૂકીને બારોબાર કાયદા પસાર કરવાની જે રીત ભાજપે મોદી, આનંદીબહેન અને રૃપાણીના કાળમાં અપનાવી હતી તે હવે ઝાઝી કેટલી અપનાવી શકશે? એ રીત સામે વાંધો ઉઠાવનારા અત્યાર સુધી લોકશાહી શાસનની ચિંતા કરનારા માત્ર નાગરિક સમાજના લોકો જ હતા પણ હવે એનો વિરોધ વિધાનસભાની અંદર અને બહાર ઊભો થાય તો નવાઈ નહિ. લોકશાહી બરકરાર રહે તેવી તજવીજ શાસક અને વિરોધ બંને પક્ષે કરવી પડે એવો આ વિકાસ જોઈએ છે એમ ગુજરાતની પ્રજાએ સાનમાં કહ્યું છે. એ બંનેને સંભળાય તો આ લોકચુકાદો લેખે લાગશે.

——————.

loading...

Leave A Reply

Your email address will not be published.