સુમરા સ્ત્રીઓએ શીલ કાજે જીવ આપી દીધો હતો

સિંધના સુમરાઓની સૌંદર્યવતી સ્ત્રીઓ અલ્લાઉદ્દિનના સરદારથી બચવા માટે સિંધ છોડીને નલિયા પાસેના રામપરના અબડા અડભંગના શરણે આવી હતી. અબડાએ તેઓને બચાવવા યુદ્ધ ખેલ્યું પણ તે વીરગતિને પ્રાપ્ત થયો, તેથી ૧૨૮ જેટલી સુમરીઓએ જીવ આપી દીધો હતો. કચ્છમાં અનેક મહિલાઓ પતિ, પુત્ર પાછળ સતિ થઇ હોવાનો ઇતિહાસ છે….

 

દીપિકા પદુકોણ અભિનિત ફિલ્મ ‘પદ્માવતી’ વિવાદોના વમળમાં ઘેરાઇ ગઇ છે. રાણી પદ્માવતીએ અલ્લાઉદ્દિન ખિલજીથી પોતાના શીલની રક્ષા કરવા જોહર કર્યું હતું. કચ્છમાં ૧૨૮ સુમરી સુંદરીઓે અલ્લાઉદ્દિન અને તેના સરદારથી બચવા કૂવામાં પડીને જમીનમાં સમાઇ ગયાની દંતકથાઓ છે. આજે પણ રોહા ગામ પાસે આ સુમરીઓએ જ્યાં મોત વહાલું કર્યું હોવાનું મનાય છે તે જગ્યાએ તેમનું સ્મારક છે અને તેમને બચાવવા જતા અબડા અડભંગ વીરગતિને પ્રાપ્ત થયો તે રામપર ગામે દર વર્ષે મેળો ભરાય છે. કચ્છમાં સુમરીઓ ઉપરાંત રાજવંશની સ્ત્રીઓ, યોદ્ધાઓની પત્ની કે બહેનો અને રાસઘેલી ૧૪૦ જેટલી આહિરાણીઓ ઢોલીના મૃત્યુ પછી સતી થઇ હતી.

સુમરીઓના જોહર વિશે બોલતાં કચ્છના ઇતિહાસવિદ્ પ્રમોદ જેઠીના જણાવ્યા મુજબ, ‘હાલના અબડાસામાં આવેલા ૧૩મી સદીના રામપરના શાસક એવા અબડા અડભંગ અને સુમરીઓ વચ્ચે માનવતા સિવાય કોઇ જાતના સંબંધો ન હતા. છતાં એક રાજપૂત વીરે શરણે આવેલી સ્ત્રીઓના શીયળને બચાવવા ખાતર પ્રાણ ખોયા હતા. માનવતા ખાતર, સ્ત્રીઓના રક્ષણાર્થે પ્રાણ ખોનારા અબડા અડભંગના કારણે જ નલિયા વિસ્તાર આજે અબડાસા તરીકે ઓળખાય છે.’ સિંધના નગરસમેના રાજવી ભૂંગળ સુમરાના બે પુત્રો પૈકી મોટા ચનેસર (ચંદ્રેશ્વર)ને ગાદી મળી હતી પરંતુ તે માવડિયો હોવાનું જણાતા ત્યાંના આગેવાનોએ તેના નાના ભાઇ ઘોઘો (ગોગો)ને ગાદીએ બેસાડ્યો આથી રોષે ભરાયેલો ચનેસર ગાદી મેળવવા માટે દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દિન પાસે મદદ માગવા ગયો. બદલામાં જેનું સૌંદર્ય સ્વર્ગની પરીઓ જેવું હોવાનું મનાતું તેવી સુમરી સ્ત્રીઓના તેની સાથે લગ્ન કરાવવાની ખાતરી આપી હતી. બાદશાહે સુંદરીઓની લાલચમાં સેનાને સેનાપતિ સાથે મોકલી, પોતે આટલી વિશાળ સેના સામે જીતશે નહીં તેવું જણાતા ઘોઘોએ પોતાની રાણી અને રાજમહેલની અન્ય સ્ત્રીઓને સંકટના સમયે જરૃર પડ્યે કચ્છના રામવાવના અબડા અડભંગની શરણ લેવાનું જણાવ્યું હતું. તેની આશંકા મુજબ જ યુદ્ધમાં તે વીરગતિ પામ્યો. તેના શબને બાદશાહના સેનાપતિએ અપમાનિત કરતાં ઘોઘોના ભાઇનું લોહી ઉકળી ઉઠ્યું, ભલે પોતે જ ઘોઘો વિરૃદ્ધ યુદ્ધ કરવા દિલ્હીથી સેનાપતિને તેડી લાવ્યો હતો પરંતુ ભાઇના શબને અપમાનિત થતું તે જોઇ ન શક્યો અને તેણે તે સરદારને તલવારથી હણી નાખ્યા.

હવે યુદ્ધ ઘોઘોની બદલે ચનેસર દિલ્હીવાળાઓ સાથે લડવા લાગ્યો અને તે પણ મૃત્યુ પામ્યો. વિજેતા સરદારો સુમરીઓને પોતાના બાદશાહ માટે લઇ જવા માટે મહેલમાં ફરી વળ્યા પરંતુ ૧૪૦ જેટલી સુમરીઓ નાના બાળકો સાથે મહેલ ત્યજીને કચ્છની વાટે ચાલી નીકળી હતી. મહામુશ્કેલીએ તેઓ અબડા અડભંગ પાસે પહોંચી. રસ્તામાં ૧૨ સુમરીઓ મૃત્યુને ભેટી હતી. બાકીની ૧૨૮ સૌંદર્યવતીઓ અબડા પાસે પહોંચી, અબડો તેમની વહારે ચડતા પહેલાં દૂધ ભરેલો એક કટોરો આપતો ગયો, તેના મૃત્યુ પછી દૂધ લાલ થઇ જશે તેમ જણાવ્યું. અબડો પણ આ સુમરીઓને બચાવવા જતાં બાદશાહના લશ્કર સાથે થયેલા યુદ્ધમાં વીરગતિ પામ્યો. સુમરીઓ પાસેના કટોરાના દૂધનો રંગ રક્તવર્ણ થયો, બાદશાહી ખૌફથી બચવા માટે બધી સુમરીઓ નાસવા લાગી, આખરે રસ્તામાં જમીનમાં સમાઇ ગઇ પરંતુ શીલ બચાવ્યું. જો કે અમુક ઇતિહાસવિદેના મતે સુમરીઓએ કૂવો પૂર્યો હતો.

આ સુમરીઓનું સ્મારક રોહા ગામ પાસે છે, તો સતી સ્ત્રીઓને બચાવવા જતા પ્રાણાર્પણ કરનારા અબડાનું સ્મારક વડસર નદીના કિનારે છે. કચ્છની આ સુમરીઓએ પણ રાણી પદ્માવતીની જેમ જ વાસનાંધ અલ્લાઉદ્દિન અને તેના સૈન્યથી બચવા માટે પોતાના પ્રાણ ખોયા હતા. કચ્છના વરિષ્ઠ ઇતિહાસકાર દુલેરાય કારાણીના પુસ્તક ‘કચ્છ કલાધર’માં પણ આ વાત આલેખાઇ છે.  ભુજમાં વિખ્યાત છતરડીવાળા તળાવમાં સતીઓના પાળિયા છે. કચ્છના કલારસિક મહારાવ લખપતજીના મૃત્યુ પછી તેમના રાણી અને દિલ્હીથી આવેલી ૧૫ નૃત્યાંગનાઓ સતી થઇ હતી. મહારાવ સાથે આ ૧૬ સ્ત્રીઓના પાળિયા તેમની છતરડીમાં છે. જો કે આજે તે બિસ્માર બની ગઇ છે. પરંતુ એક જમાનામાં બોલિવૂડને આ છતરડીએ આકર્ષ્યા હતા. ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું શૂટિંગ આ છતરડીમાં થયું હતું.

આ ઉપરાંત સંત કવયિત્રી મીરાબાઇની ભત્રીજી અને રાજસ્થાનના મેડાતાની કુંવરી સજ્જનકુંવરબા પણ અહીં સતી થયાં હતાં. સજ્જનકુંવરબાની સગાઇ કચ્છના રાજકુંવર જીઆજી (જેહાજી) સાથે થઇ હતી. ખાંડા સાથે કુંવરી કચ્છ આવતી હતી. તે જ સમયે ઘોડા પરથી પડી જવાથી કુંવરનું અવસાન થયું. આ સમાચાર કુંવરીને મળ્યા અને તેને પરત મેડાતા જવાનું પણ કહેવામાં આવ્યું પરંતુ જ્યાં કુંવર ત્યાં જ હું એમ માનીને કુંવરી સીધી ભુજના રાજવી સ્મશાન (છતરડી પાસે) પહોંચી અને કુંવરનું માથું ખોળામાં રાખીને સતી થઇ. કુંવરી સાથે વળાવિયા તરીકે આવેલા બે મુસલમાન ચાકરોએ પણ ત્યાં જ જીવતા સમાધી લીધી હતી. આજે પણ કુંવરીનું પાળિયું અને સેવકોની કબર છતરડીઓ પાસે છે. કચ્છની ૧૪૦ જેટલી આહિરાણીઓ એક ઢોલી પાછળ સતી થઇ હતી. વૃજવાણી ગામમાં એક ઢોલીના ઢોલના નાદે ગામની ૧૪૦ જેટલી આહિરાણીઓ સાનભાન, બાળકો, ઘર, ઢોર-ઢાંખર બધું જ ભૂલીને એકતાન થઇને ત્રણ દિવસ અને ત્રણ રાત રાસ રમતી હતી. આહિરો આ રાસ અટકાવવા આવ્યા પણ ભાન ભૂલેલી આહિરાણીઓ કે ઢોલી કોઇ જ ન અટક્યું આથી ક્રોધિત આહિરોએ ઢોલીને મારી નાખીને ઢોલનો નાદ બંધ કરાવ્યો ત્યારે બધી અટકી પરંતુ તેમણે જોયું કે ઢોલી તો મૃત્યુ પામ્યો છે ત્યારે તે બધી સ્ત્રીઓ સતી થઇ ગઇ. આજે પણ વૃજવાણીમાં સતીમાતાનું મંદિર છે અને ત્યાં દર વરસે મેળો ભરાય છે.

કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા સતીઓ અંગે વાત કરતા કહે છે, ‘અંગ્રેજોએ જ્યારે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે રાજના લશ્કરમાં નોકરી કરતાં વાઘેલાના મૃત્યુ પછી તેમના પત્ની રૃપાળીબાએ સતી થવાની મંછા વ્યક્ત કરી હતી. મહારાવે અને અંગ્રેજ પ્રતિનિધિએ અટકાવવા પ્રયત્ન કર્યો પરંતુ તેનું રૌદ્ર સ્વરૃપ જોઇને અંગ્રેજ અધિકારી પણ અટકી ગયા અને રૃપાળીબા કચ્છના છેલ્લા સતી થયા. તેમનું પણ છતરડીવાળા તળાવમાં સ્મારક છે.’

કચ્છમાં રાણી પદ્માવતીની જેમ પોતાનું શિયળ રક્ષવા માટે ખૂબસૂરત સુમરી સ્ત્રીઓ સતી થઇ હતી. પહેલાં સમા, સુમરા, સોઢા, સમેજા, નોડે, હિંગોરા, નોતિયાર વગેરે મૂળે રાજપૂત જ્ઞાતિઓ હતી પરંતુ પાછળથી તેઓએ ઇસ્લામ ધર્મ કબૂલ રાખ્યો હતો.

અબડાસામાં ૧૩મી સદીના રામપરના શાસક અબડા અડભંગ અને સુમરીઓ વચ્ચે માનવતા સિવાય કોઇ સંબંધો ન હતા, છતાં શરણે આવેલી સ્ત્રીઓ માટે પ્રાણ ખોયા હતા
– પ્રમોદ જેઠી, ઇતિહાસવિદ્, કચ્છ

—————————–.

You might also like