ભારતનાં સોથી મોટી ઉંમરના મતદારનો રેકોર્ડ અજીમા આયખાના ૧ર૬ વર્ષે અડીખમ!

0 2

ભારતનાં સોથી મોટી ઉંમરના મતદારનો રેકોર્ડ અજીમા આયખાના ૧ર૬ વર્ષે અડીખમ!

ભારતનાં ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ દેશમાં સૌથી મોટી ઉંમરનાં મતદાતા તરીકે હિમાચલનાં શ્યામશરણ નેગીની ઉંમર ૧૦૦ વર્ષની છે. તેમણે ગયા મહિને હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં ર૬મી વખત મતદાન કર્યું હતુ. પણ હવે પંચે આ રેકોર્ડ બદલીને સૌરાષ્ટ્રનાં ઉપલેટામાં રહેતા ૧ર૬ વર્ષના અજીબહેનના નામે કરવો પડશે. ભારતમાં વિશ્વના સૌથી મોટી ઉંમરની જીવિત વ્યકિતનું કેવું છે જીવન? જોઈએ એક વિશેષ અહેવાલ……………………

‘બહુ સારું છે બાપા.,.અરે મત દેવા તો જાવાનું જ હોય ને..’ આયખાના ૧ર૬ વર્ષ વટાવી ચૂકેલા ઉપલેટાનાં અજીમાના ચહેરા પરની કરચલીઓ ભલે ઉંમરની ચાડી ખાતી હોય પણ તેમને કોઈ તેમનાં લાંબા આયુષ્ય અને ચૂંટણી વિશે પૂછે તો તરત જ તેમનાં ચહેરા પર જાણે નૂર આવી જાય છે. શરીર ભલે સાથ ના આપે છતાં સ્મૃતિઓને બયાન કરવાનાં તેમના ઉત્સાહમાં હજુ કોઈ ઓટ આવી નથી. રાજાશાહી અને લોકશાહી જોઈ ચૂકેલા આ માજીની આંખોનો સૂરજ આથમી રહ્યો છે. તેમને ઓછું દેખાય છે, છતાં મતદાન કરવા જવાનો તેમનો ઉત્સાહ કોઈ યુવાનને શરમાવે તેવો છે. આ માજીને મળ્યા પછી એવું કહેવાની જરૃર નથી કે ભારતની લોકશાહી આવા લોકોને કારણે જ ટકી રહી નહીં પણ અડીખમ ઉભી છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટથી આશરે ૮૦ કિમી. દૂર આવેલા ઉપલેટાના કૈલાસનગરમાં જઈને કોઈને પણ પૂછો કે ઓલા અજીમા કયાં રહે છે ? એટલે કોઈ પણ વ્યકિત કે દુકાનવાળા મેરામણભાઈ ચંદ્રવડિયાનું ઘર બતાવે છે. એક સામાન્ય આહિર પરિવારનું આ ઘર છે. પણ અજીમાને કારણે આ પરિવાર ઉપલેટા જ નહીં આખા વિસ્તારમાં જાણીતો બની ગયો છે. હવે મુદ્દાની વાત કરીએ તો આ આહિર પરિવારનાં વડીલ એવા અજીબહેન જેમની ઉંમર ૧ર૬ વર્ષની થઈ છે. આ કોઈ મોઢાની કે ખાલી ખાલી ચર્ચાની વાત નથી પણ ચૂંટણી પંચના ઓળખ કાર્ડનો આધારનો પુરાવો બોલે છે. હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે એક નવો રેકોર્ડ સામે એ આવ્યો છે કે ભારતમાં સૌથી મોટી વયનાં હયાત મતદાર તરીકે અજીબહેન ચંદ્રવડિયા છે.

આજે કોઈ વડીલ પાસે આશીર્વાદ માગીએ તો કહે છે સો વર્ષના થજો..સો વર્ષના આયુષ્ય સુધી પહોંચવુ એ આજનાં સમયમાં એક સપનુ છે. ત્યારે ૧ર૬ વર્ષે પણ જીવવું એ પણ એક સપનું જ લાગે પણ ઉપલેટાનાં અજીમાને મળીએ તો આ સપનું હકીકતમાં બદલાઇ જાય છે. આ ઉંમરે પણ તેઓ ત્રણ ટાઈમ જમે છે. સાંભળી શકે છે. બોલી શકે છે. ચાલવામાં લાકડીની જરુર પડતી નથી. કયારેક થાંભલીનો ટેકો લેવો પડે છે. એટલું જ નહીં, ખાટલે બેસીને પરિવારની દીકરીઓનાં વાળ ઓળી આપે છે, ડેલીમાં કોણ આવ્યુ કે કોણ ગયું તેની બધી જ ખબર રાખે છે બોલો.!

અજીમાએ ચાર પેઢી જોઈ છે. ૬પ લોકોનો તેમનો હર્યોભર્યો પરિવાર છે. હાલ એક ઘરમાં પુત્ર, પૌત્ર અને પૌત્રીઓનો ર૧ સભ્યોનો પરિવાર સાથે રહે છે. અજીબહેનને એક પુત્ર અને પાંચ પુત્રીઓ મળી છ સંતાન છે. મૂળ આ આહિર પરિવાર ભાણવડ પાસેના ભરતપુર ગામનો વતની છે પણ છેલ્લા વીસેક વર્ષથી ઉપલેટામાં આવીને રહે છે, ખેતીકામ કરે છે. આ પરિવારનાં મોભી અને અજીમાનાં પુત્ર મેરામણભાઈ કહે છે, મારી ઉંમર હાલ ૬૮ વર્ષની છે. અમારા ભાઈ – બહેનોનાં પરિવારમાં સૌથી મોટા વીંજીબહેન છે. તેમની ઉંમર હાલ ૭પ વર્ષની છે. તેઓ પીપરીયા ગામમાં રહે છે. અમારા ‘મા’ની ઉંમર ૧ર૬ વર્ષ છે. ઉપલેટા રહેવા આવ્યા પછી દસેક વર્ષ પહેલા ચૂંટણી કાર્ડ કઢાવ્યુ ત્યારે ૧૧૬ વર્ષની ઉંમર લખેલી છે. છપ્પનિયા દુષ્કાળ પહેલા કળકળયો દુષ્કાળ પડયો હતો ત્યારે અમારા માની ઉંમર દસ – બાર વર્ષની હતી.

સ્વાભાવિક છે કે ૧ર૬ વર્ષનું આયુષ્ય ધરાવનારની જીવન શૈલી કેવી છે તે અંગે મેરામણભાઈ કહે છે, અજીમા અભણ છે પણ તેમની કોઠાસૂઝ સારી છે. ખાવા – પીવામાં તેમને કોઈ તકલીફ પડતી નથી. સાદંુ જમવાનું તેમને પસંદ છે. સવારે ચા અને બે રોટલી, બપોરે શાક અને રોટલી અને રાત્રે રોટલો અને દૂધ. આ તેમનો રોજનો ખોરાક છે. હમણાં થોડી તબિયત નરમ છે, બાકી તો એ ઘરનાં ઓટલે જ બેઠા હોય અને શેરીઓના લોકો સાથે વાતચીત કરતા હોય છે. ખાટલામાં જ સૂવે છે. ઠંડીમાં સવારે થોડા મોડા ઉઠે છે. વાતચીત આરામથી કરે છે. અરે..હવે તો માજીનાં મોઢામાં નવી દાઢ આવી છે. ઓડમાં કાળા વાળ આવ્યા છે. સ્વરાજ જોયેલું છે. લોકશાહીમાં જયારથી ચૂંટણીઓ આવી ત્યારથી મતદાન કરવા અચૂક જાય છે. અમારા ઘરની નજીક કૉલેજમાં જ મતદાન મથક છે એટલે ગમે તે ચૂંટણી હોય માજી સૌથી પહેલાં મતદાન કરવા તૈયાર થઈ જાય છે. ચાલીને જ મતદાન મથકે પહોંચી જાય છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદાન કરવા જવા તેઓ તૈયાર છે.

ભારતનાં સૌથી મોટી ઉંમરના તેઓ મતદાર છે તે અત્યાર સુધી કેમ કોઈને ખબર ના પડી ? આવુ પૂછતા મેરામણભાઈ કહે છે, અમે આવી રીતે આગળ પડતુ થવામાં માનતા નથી. અમને આવી કોઈ ખબર પણ હોતી નથી. આ તો થોડા સમય પહેલા એક સાહેબ આવ્યા હતા ત્યારે તેમણે બધા કાગળો જોયા પછી આ ખબર પડી. ગામમાં પણ હવે લોકો અમને માજી વિશે પૂછવા લાગ્યા છે. અમારા કુટુંબમાં પણ હવે ખબર પડતાં ગામમાં એક પ્રસંગે માજીનું સન્માન કરાયુ હતુ. અમારા ચંદ્રવડિયા કુટુંબના ઉપલેટામાં ૩પ૦થી વધુ કુટુંબો રહે છે. બધા પ્રસંગમાં ભેગા થયા ત્યારે કેટલાકે માજીને પગે લાગીને આશીર્વાદ લીધા. કેટલાક સગાંવહાલાંઓએ આગ્રહ કરતા માજીએ આ પ્રસંગે બે લગ્નગીત ગાયા હતા. આમ આ ઉંમરે માજી હજુ સંપૂર્ણ સ્વસ્થ છે.

અજીમા એક સમયે પોરબંદરમાં રાજવી પરિવારને ત્યાં કામ કરતા હતા. તેઓ અભણ હોવા છતાં દાયણ તરીકેની સેવા કરતા હતા. એ સમયે જયારે દવાખાનાઓની સુવિધાઓ ન હતી, ટાંચા સાધનો હતા ત્યારે જટિલ પ્રસુતિઓ સરળ કરાવી આપતા. તેમની આ આવડતથી તેઓ આસપાસનાં વિસ્તારમાં જાણીતાં હતા, એટલે જ જયારે માજીને કોઈ આટલા લાંબા આયુષ્યનું રહસ્ય પૂછે તો કહેતા, બાયુઓનાં આશીર્વાદ મતલબ કે પ્રસુતિની પીડામાંથી મુકત કરાવી હોય એ મહિલાઓનાં આશીર્વાદથી આટલું જીવ્યા છે તેમ તેઓ માને છે. અજીમાનાં પૌત્ર રામભાઈ કહે છે, અજીમાએ અમારા કુટુંબની ચોથી પેઢી જોઈ છે. તેમનું જીવન અમારી આજની પેઢી માટે પ્રેરણારૃપ છે. સાદું જીવન અને સતત પ્રવૃત્ત રહેવુ એ તેમનો જીવનમંત્ર છે.

—-.

loading...

Leave A Reply

Your email address will not be published.