કચ્છમાં આ વખતે નવાં પરિમાણ સ્થાપિત થશે?

0 2

કચ્છમાં છેલ્લી ઘણી ચૂંટણીમાં ભાજપને પાંચ અને કૉંગ્રેસને એક સીટ મળતી રહી છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં આ પરિમાણ બદલાવાની શક્યતા નિષ્ણાતો જોઇ રહ્યા છે. ભુજ, અંજારની સીટ પર ભાજપને જોરદાર મુકાબલાનો સામનો કરવો પડી શકે તેમ છે. જ્યારે રાપરમાં નારાજ ઉમેદવાર એનસીપીની ટિકિટ પરથી લડતા હોઇ કૉંગ્રેસ માટે તકો ઓછી જણાય છે. અબડાસા અને ગાંધીધામની સીટ પર કૉંગ્રેસ માટે વિજયમાળા દૂર રહેવાની શક્યતા છે….

 

કચ્છમાં વધતી ઠંડીની સાથે ચૂંટણીનો ગરમાવો પણ વધી રહ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ જેવા મુખ્ય પક્ષોની સાથે સાથે એન.સી.પી., આપ, બસપા, જનતાદળ જેવા પક્ષો અને અપક્ષોએ જંગમાં ઝુકાવ્યું છે. કચ્છની છ બેઠકો માટે ૮૦ ઉમેદવારો ચૂંટણી લડશે. માંડવી બેઠક પર સૌથી વધુ ૧૭ અને અબડાસા બેઠક પર સૌથી ઓછા ૧૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપમાં અંદરખાને અસંતોષ ધૂંધવાઇ રહ્યો છે. જ્યારે કૉંગ્રેસમાં અસંતોષને પરિણામે જૂના જોગી સમાન ઉમેદવારોને બીજા પક્ષ તરફથી ઉભા રહેવું પડ્યું છે. આ વખતે વર્ષો જૂનું ભાજપને પાંચ અને કૉંગ્રેસને એક એવું વિધાનસભાની ચૂંટણીનું સમીકરણ બદલાવાની શક્યતા નિષ્ણાંતો જોઇ રહ્યા છે.

રાજકીય વિશ્લેષક ધરમશીભાઇ મહેશ્વરીના મતે, ‘આ વખતે મોદી લહેરનો પ્રભાવ ઘટ્યો છે. જીએસટી અને નોટબંધી જેવી બાબતો પણ ભાજપની વિરૃદ્ધ જઇ શકે. પરંતુ સામા પક્ષે કૉંગ્રેસનો પ્રભાવ વધ્યો નથી કે નથી તેમાં કોઇ વગદાર નેતા. આ ચૂંટણીમાં માંડવીની સીટ શક્તિસિંહ ગોહિલ લઇ જઇ શકે તેવું કહી શકાય અને રાપર, અબડાસા, ગાંધીધામની સીટ ભાજપને મળવાની શક્યતા જણાય છે. પરંતુ ભુજ અને અંજારની સીટ ટકાવી રાખવા માટે નિમાબહેન અને વાસણભાઇને જોરદાર પ્રયત્નો કરવા પડશે. આ સીટ પર ગત ચૂંટણીના વિજેતાઓને મળેલી સરસાઇ બહુ પાતળી હતી તેથી કૉંગ્રેસી ઉમેદવારો આદમ ચાકી અને વી.કે. હુંબલ થોડા વધુ પ્રયત્નોથી વિજય પ્રાપ્ત કરી શકે તેવી શક્યતા દેખાય છે. કચ્છનું છેલ્લી થોડી ચૂંટણી માટે સત્ય બનેલું ૫+૧ સીટનું સમીકરણ આથી જ બદલાઇ જઇ શકે.’

ગાંધીધામમાં ભાજપે ચાલુ ધારાસભ્યનું પત્તુ કાપ્યા પછી અસંતોષની આગ વ્યાપી હતી તો માંડવીમાં પણ ભચાઉના નવા ચહેરાને ઉતાર્યા છે તેવી જ રીતે કૉંગ્રેસે નવા ચહેરાને પસંદગી આપતા થયેલા અસંતોષના ભડકાના પગલે જૂના જોગીએ એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવી છે.

ભાજપે ભુજમાંથી વર્તમાન ધારાસભ્ય ડૉ. નિમાબહેન આચાર્ય, ગાંધીધામમાંથી નવા ચહેરારૃપે માલતી મહેશ્વરી, અંજારમાંથી પણ વર્તમાન ધારાસભ્ય વાસણભાઇ આહિર, માંડવીમાંથી કૉંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર સામે વર્તમાન ધારાસભ્ય તારાચંદભાઇ છેડાના બદલે ભચાઉના વિરેન્દ્રસિંહ જાડેજા અને અબડાસામાં કૉંગ્રેસ સામે હારેલા છબીલભાઇ પટેલને અને રાપરમાંથી વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતાને ટિકિટ આપી છે.

જ્યારે કૉંગ્રેસે ભુજ બેઠક પર મુસ્લિમ અગ્રણી અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી આદમ ચાકીને મેદાને જંગમાં ઉતાર્યા છે. ગાંધીધામમાં ભાજપના નવા ચહેરા સામે કૉંગ્રેસે પણ નવા ચહેરા કિશોર પિંગોલને તક આપી છે. અંજારમાં ભાજપ સામે હારેલા પરંતુ આહિર સમાજમાં પ્રભુત્વ ધરાવતા વી.કે. હુંબલને ટિકિટ ફાળવી છે. માંડવી બેઠક પર કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી છે અને અબડાસામાં અગ્રણી ટ્રાન્સપોર્ટર એવા નવા ચહેરા પ્રદ્યુમનસિંહ જાડેજાને તક આપી છે. રાપરમાં નવા ચહેરા સંતોકબહેન આરેઠિયાને ટિકિટ ફાળવાઇ છે.

ભુજ બેઠકમાં ૭૯ હજાર  મુસ્લિમ મતદારો છે. લેઉવા પટેલ મતદારોની સંખ્યા પણ ૩૧ હજારથી વધુ છે. ભાજપે નિમાબહેન આચાર્યને ટિકિટ ફાળવી છે. પરંતુ તેમની સામે ખાવડા પંથકમાં નારાજગી પ્રવર્તે છે. નિમાબહેન વિરૃદ્ધ પક્ષમાં પણ છાને ખૂણે અસંતોષ છે. કૉંગ્રેસે મુસ્લિમ અગ્રણી આદમ ચાકીને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર સામે પ્રવર્તતી નારાજગી તેમની તરફેણમાં આવી શકે છે. આમ ભુજમાં હિંદુ- મુસ્લિમ મતો વચ્ચે જંગ ખેલાશે , જો કે પાટીદારોના મતો પણ તેમાં મોટો ભાગ ભજવશે. લેઉવા પટેલ જ્ઞાતિના ઉમેદવારને ભાજપ કે કૉંગ્રેસે ટિકિટ ન ફાળવતા સુખપરના અગ્રણી મનજી માવજી ગોરસિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ કૉંગ્રેસને મત નહીં આપે પરંતુ ભાજપને પણ કેટલા મત આપશે તે પ્રશ્ન છે. અપક્ષ ઉમેદવાર પણ જો એડીચોટીનું જોર લગાવે તો પટેલોના મત કોને મળશે તે કહી શકાય નહીં. મુસ્લિમ મતદારો છેલ્લી ઘડીએ પવનની દિશા જોઇને નિર્ણય લેતા હોવાની પણ એક છાપ છે. તેની અસર પણ ચૂંટણી પરિણામો પર પડી શકે છે. કૉંગ્રેસના ઉમેદવાર મુસ્લિમ અગ્રણી હોવા ઉપરાંત પીઢ હોવાથી તેઓ વર્તમાન ધારાસભ્યને જબરી ટક્કર આપે તેમ છે. લોકોની નારાજગી ચૂંટણીને અલગ રંગ આપવામાં કારણભૂત બને તો નવાઇ નહીં. આથી આ સીટ ટકાવી રાખવી એ વર્તમાન ધારાસભ્ય માટે સહેલી વાત નથી. ભુજ બેઠક પર રસાકસીનો મુકાબલો થશે અને હારજીત બહુ જ ઓછી લીડથી થશે તેવું લાગી રહ્યું છે.

અનુસુચિત જાતિની અનામત ગાંધીધામ સીટ વર્ષોથી ભાજપ પાસે જ રહી છે. આ વખતે વર્તમાન ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીને રિપીટ કરવાના બદલે તેમની જ ભાણેજ અને ભાજપના અગ્રણી રામજીભાઇ મહેશ્વરીની પુત્રી તથા ગાંધીધામના નગરસેવિકા માલતી મહેશ્વરી પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેની સામે વર્તમાન ધારાસભ્યના ટેકેદારોમાં ભારે રોષ પ્રવર્તતો હતો. અમુક કાર્યકરોએ રાજીનામા આપ્યાની વાત પણ બહાર આવી હતી પરંતુ મોવડી મંડળની સમજૂતી બાદ માલતીબહેને ઉમેદવારી નોંધાવી ત્યારે તેની સાથે અસંતુષ્ટ ધારાસભ્ય હાજર રહ્યા હતા. જો કે અસંતોષ દબાયેલો હોવાથી તે ચૂંટણી પરિણામો પર અસર કરી શકે તેમ મનાઇ રહ્યું છે. સામા પક્ષે કૉંગ્રેસે પણ અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ એવા કિશોર પિંગોલ એવો નવો ચહેરો પસંદ કર્યો છે. તેઓ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીધામનો વેપારી અને ઉદ્યોગપતિઓનો વર્ગ મોદી ફેક્ટરને મહત્વ આપતો રહ્યો છે. કેન્દ્રમાં ભાજપની સરકાર સાથે રાજ્યમાં પણ ભાજપની સરકાર તેઓ ઇચ્છે છે. ગત ચૂંટણીમાં કચ્છમાં રમેશ મહેશ્વરીનો સૌથી વધુ મતોથી વિજય થયો હતો. આમ કિશોર પિંગોલ માટે આ જંગ જીતવું અઘરૃં રહેશે તેમ લાગે છે.

અંજારમાં ભાજપે વર્તમાન ધારાસભ્ય વાસણભાઇ આહિરને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં તેમના હરીફ વી.કે. હુંબલ જ આ વખતે પણ કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. વાસણભાઇએ માત્ર ૪ હજારથી થોડા વધુ મતોની સરસાઇ મેળવી હતી. વી.કે. હુંબલ પણ આહિર સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. જો કે વાસણભાઇનું પલડું થોડું ભારે ગણી શકાય જ્યારે વી.કે. સામાજિક રીતે વધુ વગદાર મનાય છે. આથી અંજારમાં પણ કાંટે કી ટક્કર રહેશે તેવું લાગે છે.

માંડવી બેઠક પર કૉંગ્રેસે પોતાના શક્તિશાળી ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને ઉતારતા ભાજપે પણ વર્તમાન ધારાસભ્ય અને જૈન સમાજના અગ્રણી તારાચંદભાઇ છેડાનું પત્તુ કાપીને ભચાઉના ક્ષત્રિય અગ્રણી વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપતા હવે આ મુકાબલો એક જ સમાજના બે ઉમેદવારો વચ્ચે થઇ રહ્યો છે. જો કે શક્તિસિંહ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જે કદ ધરાવે છે તેની સરખામણીમાં વિરેન્દ્રસિંહનું કાર્યક્ષેત્ર માત્ર કચ્છ પૂરતું મર્યાદિત છે. માંડવી-મુન્દ્રાના લોકો માટે તો બંને ઉમેદવારો બહારના છે. કચ્છ ભાજપના મોટા ગજાના અને માંડવીના જ નેતા તારાચંદભાઇને સાઇડટ્રેક કરતાં તેમના ટેકેદારોમાં અસંતોષ હોય તે સ્વાભાવિક છે. પરંતુ આ અસંતોષ જાહેરમાં પ્રગટ થયો નથી. આ ઉપરાંત પટેલોના ગણાતા એવા ૧૦ ગામો નવા સીમાંકન પછી અબડાસા મત વિસ્તારમાં જતાં આ બેઠક શક્તિસિંહ માટે એકદમ સુરક્ષિત હોવાનું મનાય છે.

અબડાસા બેઠક પરથી ભાજપે એક જમાનાના કૉંગ્રેસી એવા છબીલભાઇ પટેલને ઉભા રાખ્યા છે. કૉંગ્રેસી તરીકે તેમણે આ સીટ પર તે સમયના ભાજપના પ્રમુખ જયંતિભાઇ ભાનુશાળી પર વિજય મેળવ્યો હતો. તો તે પહેલા માંડવીમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાને પણ હરાવ્યા હતા. આમ તેઓ જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપમાં આવ્યા પછી તેઓ શક્તિસિંહ સામે અબડાસાની સીટ પર પરાજીત થયા હતા. આ વખતે કૉંગ્રેસે તેમની સામે પ્રમાણમાં ઓછા જાણીતા એવા પ્રદ્યુમનસિંહને ઉભા રાખ્યા છે. આ મતવિસ્તારમાં મુસ્લિમો (૬૧ હજાર), પટેલો (૨૯ હજાર) અને ક્ષત્રિયો (૨૭હજાર)નું પ્રભુત્વ છે. પટેલોના મતોનો છબીલભાઇને ફાયદો થશે. અહીં મુકાબલો એકતરફી રહેવાની શક્યતા છે.

રાપર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતાને રિપીટ કરવાનું યોગ્ય ગણ્યું છે. જ્યારે કૉંગ્રેસે નવા મનાતા ભચુભાઇ આરેઠિયાને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમનું નામ ચર્ચાવા લાગતા જ તેમની સામે ફ્રોડના કેસ બહાર આવવા લાગ્યા પરિણામે તેમના પત્ની સંતોકબહેનને ટિકિટ અપાઇ છે. જો કે આ ટિકિટના દાવેદાર બાબુભાઇ શાહ, તેમના પુત્રી જાગૃતિબહેન શાહ પણ હતા. પરંતુ કૉંગ્રેસે તેમની અવગણના કરીને નવા જ ચહેરાને તક આપતાં રોષે ભરાયેલા બાબુભાઇ એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડવા સજ્જ બન્યા છે. તેઓ જીતશે કે નહીં તે પ્રશ્ન પછી આવે પરંતુ તેઓ કૉંગ્રેસના મતો મોટા પાયે તોડશે તે નક્કી છે. આમ અહીં ત્રિપાંખિયો મુકાબલો થશે તેવું લાગે છે. જો કે ભાજપ સીટ જાળવી રાખે તેવી પૂરી શક્યતા છે.

—————-.

loading...

Leave A Reply

Your email address will not be published.