ચૂંટણીના ગંજીફાની બાદશાહ-એક્કાની ચાલ

0 3

ચૂંટણીના ગંજીફાની બાદશાહ-એક્કાની ચાલ

 

ભાજપ-કૉંગ્રેસ જેમ જેમ હપ્તાવાર ઉમેદવારોની યાદી બહાર પાડી રહ્યા હતા તેમ તેમ ચૂંટણી રંગ પકડી રહી હતી. છેલ્લા બે દાયકાથી કૉંગ્રેસના ઉમેદવારોની યાદી જોતા જ એમ થતું કે આ પક્ષની એવી તે કેવી બૂરી વલે થઈ કે ચૂંટણીમાં ઉભા રાખવા ઢંગના ઉમેદવારો પણ મળતા નથી. જોકે આ વખતની કૉંગ્રેસની યાદી જોતા અને એમાં છાપેલા કાટલા જેવા ઉમેદવારો ગાયબ થયા છે ત્યારે થાય છે કે કૉંગ્રેસે પણ ઉમેદવારની પસંદગી પાછળ ઘણી મહેનત કરી લાગે છે. ક્યાં કેવા રસપ્રદ સમીકરણો રચાયા છે તે જોઈએ…

 

ઉમેદવારોની પસંદગીમાં ભાજપે બે પડકારો ખાળવાના હતા, મતદારોની ચાહનામાં ઓટ લાવ્યા વગર મંત્રી, ચાલુ ધારાસભ્યોને કાપવા અને પાટીદાર પ્રભાવી વિસ્તારોમાં એવા ઉમેદવારોની પસંદગી કરવી કે જેથી ચૂંટણીના પરિણામમાં પાટીદાર ઇફેક્ટની અસર ન થાય. યાદી જોતા ભાજપ બંને મંશામાં ઘણેઅંશે સફળ થશે એમ લાગે છે. વર્ષ ૨૦૦૨થી મોદી ગુજરાતમાં નો રિપીટ થિઅરી અપનાવતા આવ્યા છે, આ વખતે પણ બે-ત્રણ ટર્મથી ચૂંટાતા ઘારાસભ્યોની ટિકિટ કાપી છે, મંત્રીઓને ઘરે બેસાડ્યા છે.

ખૂબ જ અઘરુ લાગતું આ કામ ભાજપે કુશળતાપૂર્વક પાર પાડ્યું છે. કેવી રીતે? એ માટે કેટલીક મહત્વની બેઠકોનું વિશ્લેષણ કરીએ.

આનંદીબહેનની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂકેલા વસુબહેન ત્રિવેદી જામનગર દક્ષિણમાંથી છેલ્લી ત્રણ ટર્મથી સતત ચૂંટાતા હતા. વસુબહેનને પડતા મૂકીને ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. વસુબહેનને આનંદીબહેનના ખાસ હોવાની સજા મળી ગઈ અને બીજી તરફ ગઈ ચૂંટણીમાં હારેલા, પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા આર.સી. ફળદુને જીતાડવા માટે આ બેઠક મળી ગઈ. ફળદુ ૨૦૧૨ની ચૂંટણી જામનગર ગ્રામ્ય બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર રાઘવજી પટેલ સામે ૩,૩૦૦ મતે હારી ચૂક્યા છે. વસુબહેન પહેલા ૧૯૯૫થી ૨૦૦૨ સુધી આ બેઠક પરથી ભાજપના પરમાનંદ ખટ્ટર ચૂંટાતા હતા. આ બેઠકના જ્ઞાતિ આધારિત સમીકરણો જોઈએ તો પાટીદાર ૧૪ ટકા, ક્ષત્રિય ૧૨ ટકા, ઓબીસી ૧૬ ટકા અને મુસ્લિમ ૧૧ ટકા, દલિત ૯ ટકા, ભાનુશાળી ૮ ટકા અને બ્રાહ્મણ ૬ ટકા મતદારો છે. અહી કૉંગ્રેસના કૉર્પોરેટર અમિત ભંડેરી ભાજપમાં જોડાઈ ગયા છે. ભંડેરી ટિકિટના પ્રબળ દાવેદાર હતા પરંતુ તેમને ટિકિટ નહીં મળતા તેમણે ફળદુના હાથે ભગવો ખેસ પહેરી લીધો છે. પાટીદાર બહુમત ધરાવતા જામનગરમાં પાટીદાર અનામત આંદોલનની આંશિક અસર હતી. ફળદુને મૂકીને ભાજપ આ અસર ખાળવામાં સફળ થયો છે. ફળદુએ હાર્દિક આણિ મંડળી પ્રત્યે બહુ કટુ વચનો ઉચ્ચાર્યા નથી. ફળદુનો પાટીદાર મતદારોને બહુ વિરોધ પણ નથી. આમ, આ બેઠક પર પાટીદાર મતોનું ભાજપ-કૉંગ્રેસમાં વિભાજન થશે અને અન્ય મતોને સહારે ફળદુને જીત મળશે એવી વાજબી ધારણા રખાઈ છે. વળી આ બેઠક પર ૨૦૧૨ની ચૂંટણીમાં વસુબહેન કૉંગ્રેસના ઉમેદવાર જીતુલાલને માત્ર ૨૮૬૨ મતની સરસાઈથી હરાવી શક્યા હતા. એ જીતુલાલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે પાટીદાર આંદોલનની આંધી વચ્ચે વસુબહેનને ટિકિટ મળી હોત તો પણ તેમના માટે જીતવું અઘરુ હતું. ફળદુને મૂકીને ભાજપે આ બેઠક સલામત કરી લીધી છે.

વિજય રૃપાણીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે આનંદીબહેનના વફાદાર મનાતા એવા ત્રણ કેબિનેટ અને છ જુનિયર મંત્રી સહિત કુલ ૯ મંત્રીઓને પડતા મૂક્યા હતા. પડતા મુકાયેલા મંત્રીઓમાં સૌથી મોખરે હતા સૌરભ પટેલ. સૌરભ પટેલને આકોટાથી ખસેડીને બોટાદ બેઠક પરથી ઉભા રાખવામાં આવ્યા છે. અત્યારે બધાને કુતૂહલ એ વાતે સર્જાઈ રહ્યુ છે કે સૌરભ પટેલને પડતા મૂકવાનું પાક્કુ હતું તો તેમને ટિકિટ કેમ ફાળવી? ભાજપના સૂત્રો પાસેથી આ પ્રશ્નનો ખુલાસો કંઈક આવો મળે છે, આનંદીબહેન જૂથના બધાને કાઢી શકાય એમ નથી. એમ થાય તો આંતરિક બળવાની સ્થિતિ ઉભી થાય. એટલે આનંદીબહેન જૂથના કેટલાકને રાખવા જરુરી હતા. એમને એવી ટિકિટ પરથી ઉભા રાખવા કે જ્યાં તેમને જીતવા માટે આપબળે ઝઝૂમવુ પડે. સૌરભ પટેલ માટે બોટાદ આવી જ એક સીટ છે. સૌરભ પટેલ માટે બહુ પડકારરુપ અને જીતવામાં અઘરી બેઠક ફાળવીને વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. બોટાદમાં વર્તમાન ધારાસભ્ય ઠાકરશી માણિયાનું પ્રદર્શન બહુ નબળુ રહ્યુ છે, એની સામે સૌરભ પટેલનો બેઝ છે. વળી સૌરભભાઈ આકોટામાં નામના જ નેતા હતા, બોટાદના તેઓ જૂના અને સ્થાનિક નેતા છે. બોટાદની શિકલ બદલવામાં તેમનું ઘણુ મોટું યોગદાન રહેલું છે. બોટાદમાં તેમની ચાહના પણ ઘણી છે. બોટાદના ભાજપના કાર્યકરો અને સૌરભભાઈના ટેકેદારોએ માંગણી કરી હતી કે સૌરભભાઈને બોટાદની સીટ આપવામાં આવે. બોટાદ વિધાનસભાનું જ્ઞાતિ આધારિત સમીકરણ જોઈએ તો અહી ૬૦ હજાર જેટલા કોળી, ૪૦ હજાર જેટલા પટેલ અને ૨૫ હજાર જેટલા દલવાડી મતદારો છે. દલવાડી સમાજ ભાજપ સમર્પિત છે. કોળી અને પટેલ મતોનું બંને પાર્ટીમાં વિભાજન થશે અને દલવાડી મતો નિર્ણાયક બનશે. સૂત્રોના કહેવા પ્રમાણે, સૌરભભાઈને ટિકિટ આપવાનો નિર્ણય શિર્ષસ્થ કેન્દ્રિય નેતાગીરીના આદેશના પગલે લેવાયો છે. આમ સૌરભ પટેલને બોટાદ સીટ ફાળવીને ભાજપે અહીં જીત પણ પાક્કી કરી લીધી અને આનંદીબહેન ગ્રૂપના સભ્યને પણ સમાવી લીધા. આકોટા ભાજપની સલામત સીટ છે, તેમાં તેઓ ૨૦૧૨ની ચૂંટણીમાં આયાતી ઉમેદવાર હોવા છતાં ૫૦ હજાર જેટલી જંગી બહુમતિથી જીત્યા હતા.

કતારગામમાં નાનુ વાનાણી ૨૦૧૨ની ચૂંટણી ૪૩૨૭૨ મતોથી જીત્યા હતા, જળ સંસાધન અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેવા ખાતા સંભાળતા આ મંત્રીને પડતા મૂકવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલનની સામે સરકાર તરફથી સૌથી ઉગ્ર વલણ તેમનું હતું. મંત્રીમંડળમાંથી હાર્દિક આણિ મંડળીને સૌથી વધુ ભાંડવાનું કામ નાનુભાઈએ કર્યુ હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર ટીમને નેગેટિવ ચિતરવામાં એમનો હાથ હતો. નાનુભાઈને ટિકિટ આપવામાં આવે તો આખા સુરતના પાટીદારો તેનો જોરદાર વિરોધ કરવાના મૂડમાં હતા. નાનુભાઈને ટિકિટ આપવામાં આવે તો મોટાભાગનો પાટીદાર સમાજ પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને ભાજપ વિરોધી થઈ જવાની ભીતિ હતી. આમ ન થાય એ માટે નાનુભાઈને કાપી નાખવામાં આવ્યા અને એકદમ નવા ચહેરા વિનુભાઈ મોરડિયાને ટિકિટ આપી હતી.

૨૦૧૨ની ચૂંટણીમાં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પરસોત્તમ સોલંકીએ શક્તિસિંહને ૧૮૫૫૪ મતોની ભારે સરસાઈથી હરાવ્યા હતા. ૨૦૧૪માં અબડાસા બેઠકની પેટાચૂંટણી શક્તિસિંહ માત્ર ૭૫૭ મતે જીત્યા હતા. એ વખતે પણ શક્તિસિંહ માટે આ બેઠક જીતવી અઘરી થઈ પડી હતી. એટલે શક્તિસિંહ આ વખતે પ્રમાણમાં વધુ સલામત માંડવી બેઠક પરથી ઝુકાવી રહ્યા છે. અબડાસા કરતા માંડવીમાં ક્ષત્રિય મતદારોનું પ્રમાણ વધુ છે. બીજો મુદ્દો, અહી નલિયાકાંડ થયો હતો અને તે સમયે શક્તિસિંહે રેલીઓ કાઢીને મજબૂત લડત આપી હતી. ત્રીજો મુદ્દો, શક્તિસિંહ મોટી મોટી કંપનીઓ વિરુદ્ધમાં લડત ચલાવી રહ્યા છે અને મોટી કંપનીઓ માંડવીમાં આવેલી છે. જોકે ૨૦૧૨ની ચૂંટણીમાં માંડવીની બેઠક પરથી ભાજપના તારાચંદ છેડાએ કૉંગ્રેસના કિશોરસિંહ પરમારને  ૮૫૦૬ મતે હરાવ્યા હતા. પરંતુ આ વખતે શક્તિસિંહ જેવા સરળ વ્યક્તિત્વ સામે ભાજપે બાહુબલીની છાપ ધરાવતા ઉમેદવારને ઉભા રાખવાની ભૂલ કરી છે. જોકે વીરેન્દ્રસિંહ સ્થાનિક નેતા છે એટલે અહી આયાતી વિરુદ્ધ સ્થાનિક ઉમેદવાર વચ્ચે સંઘર્ષ થશે. સ્વચ્છ વિરુદ્ધ બાહુબલી વચ્ચે સંઘર્ષ થશે. આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે. શક્તિસિંહ જીતની ખાતરી આપતું મેદાન શોધવા અહીંતહીં ફરી રહ્યા છે. અહીં જો તેઓ હારશે તો ફરી મેદાન બદલવાની કવાયત કરવી પડશે.

માંડવી જેવી જ રસપ્રદ બેઠક પોરબંદરની છે. અહી અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ બાબુ બોખિરિયાનો જંગ જામશે. મોઢવાડિયા ગુમાવેલી સીટ પાછી મેળવવા મથી રહ્યા છે તો બોખિરિયા પાસે જીતને ટકાવી રાખવાનો પડકાર છે. નરેન્દ્ર મોદીની હાજરીમાં અને મોદીના કારણે બોખિરિયાને પોરબંદર મળી તો ગયુ પરંતુ આ વખતે જીતવું તેમના માટે બહુ અઘરુ થઈ પડશે. પોરબંદર શહેરમાં બોખિરિયાનું થોડું નેગેટિવ સંભળાઈ રહ્યુ છે. મનરેગાના કામો બે વર્ષમાં પૂરા કરવાના હતા તે ચાર વર્ષ પછી પણ નથી પત્યા. મોઢવાડિયાની સ્વચ્છ છબી તેમનું ઉજળું પાસુ છે. જ્યારે બોખિરિયા તોડજોડના નિષ્ણાત છે એટલે આ બેઠકના સમીકરણો છેક ચૂંટણીની ઘડી સુધી વારંવાર બદલાતા રહે તો નવાઈ નહી.

૨૦૧૨ની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી પરેશ ધાનાણીએ ભાજપના નેતા દિલીપ સંઘાણીને ૩૦ હજાર જેટલા મતોએ હરાવ્યા હતા. આ વખતે અહીં ધાનાણી સામે બાવકુ ઉંધાડ ટકરાશે. બાવકુભાઈ ધાનાણીની જીતને નાથી શકે એ અઘરુ જણાઈ રહ્યુ છે.

જયંતિ કવાડિયા ૧૯૯૫થી ધ્રાંગધ્રાની બેઠક પરથી જીતતા હતા. ૨૦૧૨થી તેઓ પંચાયત, ગ્રામિણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળતા હતા. ૨૦૧૨ની ચૂંટણીમાં ઘ્રાંગધ્રાની બેઠક પરથી જયંતિભાઈએ કૉંગ્રેસના જયેશ પટેલને ૧૭૪૦૩ મતે હરાવ્યા હતા. મંત્રી કવાડિયાને કાપવાના ઘણા કારણો છે. એક તો મિનિસ્ટ્રીમાં તેમનું પર્ફોર્મન્સ સારું નહોતું. બીજુ કે આઇ.કે.જાડેજા ધ્રાંગધ્રાની ટિકિટ માંગી રહ્યા હતા અને આઇ.કે. અને જયંતિભાઈને બહુ બનતું નહોતું. પરિણામે બંનેને પડતા મૂકીને પાર્ટીમાં નવી પરિસ્થિતિને આધીન પાટીદાર સમીકરણને સંતુલિત કરવા જયંતિભાઈને કાપીને પાટીદારને ટિકિટ આપવામાં આવી. સાવરકુંડલાના મંત્રી વલ્લભ વઘાસિયાને પણ આવા જ કારણોસર કાપવામાં આવ્યા. વલ્લભ વઘાસિયાની ઢીલાપોચા મંત્રી તરીકેની છાપ હતી. કૃષિ અને શહેરી આવાસ મંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ લગભગ નિષ્ક્રિય રહ્યો. વઘાસિયા અહી અઢી હજાર જેટલી સાવ પાતળી લીડથી ચૂંટાયા હતા. એટલે જયંતિભાઈને કાપીને નવા પાટીદાર ચહેરા કમલેશ કાનાણીને ટિકિટ ફાળવી છે. કમલેશ કાનાણી સ્થાનિક પાટીદાર આગેવાન છે. આ બેઠક માટે અરુણ પટેલ, ઘનશ્યામ ડોબરિયા, પુનાભાઈ ગજેરા સહિતના ૧૭ જેટલા આગેવાનોએ ભાજપમાં ટીકિટ માટે દાવેદારી કરી હતી. વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયા પણ આ બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડવા ઉત્સુક હોવાનું ભાજપમાં ચર્ચાતું હતું. સાવરકુંડલા-લિલિયાની બેઠક પર ૨ લાખ ૩૭ હજાર જેટલા મતદારો છે. જેમાં લિલિયા તાલુકાના મતદારોની સંખ્યા ૪૫ હજાર જેટલી અને સાવરકુંડલા શહેરના મતદારો ૬૯ હજાર છે. સાવરકુંડલામાં પાટીદાર ફેક્ટર બહુ મોટું છે. જ્યા ચૂંટણીમાં પાટીદાર પરિબળ બહુ મોટું બની રહે તેમ છે ત્યાં જૂના પાટીદાર ચહેરાને કાપીને નવા પાટીદાર ચહેરાને ટિકિટ આપી છે. જેથી સરકારનો ચહેરો ભુલાઈ જાય. સાવરકુંડલામાં ભાજપનું ચિત્ર નકારાત્મક હતું તે પોઝિટિવ થઈ ગયુ છે.

૨૦૧૨ની ચૂંટણીમાં વિજાપુરની બેઠક પરથી પ્રહલાદભાઈ પટેલે ભાજપના કાંતિભાઈ પટેલને ૮૭૫૯ મતોથી હરાવ્યા હતા. વિજાપુરની સીટ કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસી ધારાસભ્ય પ્રહલાદ પટેલ ભાજપમાં ભળી ગયા પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેના બદલે રમણ પટેલ(સ્ટારલાઇન)ને ટિકિટ આપી છે. રમણ પટેલ વિજાપુરના જાણીતા બિઝનેસમેન છે. દાન-પુણ્યમાં તેમનું બહુ મોટું નામ છે. વિજાપુરમાં પાટીદાર પરિબળ મોટું છે. અહીંના પાટીદારો વેપાર-ધંધા સાથે જોડાયેલા છે. એ સંજોગોમાં વિજાપુરમાં નવો ચહેરો હોય અને તે બિઝનેસ કોમ્યુનિટીમાંથી આવતો હોય તો તે પૈસા ખર્ચીને કે ગમે તેમ કરીને પાટીદાર ફેક્ટરને ખાળે અને ભાજપ માટે સુસંગત બની રહે. માણસામાં કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા ધારાસભ્ય અમિત ચૌધરીને ટિકિટ ફાળવવામાં આવી છે. ૨૦૧૨ની ચૂંટણીમાં માણસાની બેઠક પરથી કૉંગ્રેસમાંથી ઉભા રહીને અમિતભાઈએ ભાજપના ઉમેદવાર ડી.ડી. પટેલને ૮૦૨૮ મતે હરાવ્યા હતા. માણસાની સીટ ચૌધરી, ક્ષત્રિય, ઠાકોર અને પટેલ એમ ચાર જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતી સીટ છે. અમિતને ટિકિટ આપવાનું કારણ એ કે અમિતના પિતા સ્થાનિક ચૌધરી આગેવાન છે અને માણસામાં અમિતનું કામ પણ ઘણુ સારું છે. બીજુ કે, ધારાસભ્યોને કૉંગ્રેસમાંથી તોડીને લાવવામાં આવ્યા ત્યારે કેટલાકને ભાજપની ટિકિટ આપવાના વચનો અપાયા હતા. બધાને નહીં પરંતુ જીતી શકે એવા ઉમેદવારને ટિકિટ આપવાના વચનો અપાયા હતા. અમિત ચૌધરી જીતી શકે તેવા ઉમેદવાર છે તેથી તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. આમ આ બેઠક કૉંગ્રેસમાંથી ભાજપમાં જશે. આવી જ બે અન્ય બેઠકો છે ગોધરા અને સાણંદની. ૨૦૧૨ની ચૂંટણીમાં ગોધરામાં કૉંગ્રેસના સી.કે. રાઓલજીએ ભાજપના ઉમેદવારને ૨૮૬૮ મતથી હરાવ્યા હતા. પક્ષ પલટો કર્યા બાદ હવે સી.કે. રાઓલજીને ભાજપ તરફથી ટિકિટ મળી છે. આમ જૂઓ તો અમિત ચૌધરી અને સી.કે. રાઓલજી મૂળ ભાજપના છે. પછી શંકરસિહના રાજપામાં ભળ્યા અને ત્યાંથી કૉંગ્રેસમાં ગયા અને હવે એક ચક્ર પૂરું કરીને ભાજપમાં પાછા ફર્યા છે.

ઘણુ અઘરુ હતું તો પણ કૉંગ્રેસે અલ્પેશ ઠાકોર, હાર્દિક અને જિગ્નેશ મેવાણી સાથે ટિકિટ ફાળવણીનું કામ બખૂબી કર્યુ છે. છેલ્લે એક હકીકત, પાટીદાર પરિબળ અને અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણીની અસરોની ચર્ચા તેમજ નરેન્દ્ર મોદી જેવા સુકાનીની ગેરહાજરીને ભાજપના વળતાપાણી રુપે ગણાવી રહેલા વિશ્લેષકો એક મહત્વની હકીકત ભૂલી જાય છે. તે છે, ૨૦૧૨ની ચૂંટણીમાં જીપીપીએ ભજવેલો ભાગ. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧,૩૧,૧૯,૫૭૯ કૉંગ્રેસને ૧,૦૬,૭૪,૭૬૭ અને જીપીપીને ૯,૯૫,૨૯૭ મતો મળ્યા હતા. જીપીપીએ ૧૦ લાખ મતનું ગાબડું પાડ્યુ હતું અને તે ગાબડું મોટેભાગે ભાજપના ગઢમાં પાડ્યુ હતું. તમે શું માનો છો, હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ ભાજપને જીપીપી જેટલું નુકસાન કરાવવા સક્ષમ ખરા?

———.

loading...

Leave A Reply

Your email address will not be published.