વાડે જ ચીભડાં ગળ્યાંઃ આંગડિયા પેઢીનો મેનેજર 1.13 કરોડની મતા લઈ ફરાર

અમદાવાદ: શહેરના રતનપોળમાં આંગડિયા પેઢીનો મેનેજર આંગડિયા પેઢીમાંથી કુલ રૂ.૧.૧૩ કરોડની ઉચાપત કરી ફરાર થઇ ગયો હોવાની ઘટના બની છે. સંબંધીની ખબર કાઢવાના બહાને માલિકને ફોન કરી પેઢી બંધ કરી નાસી છૂટ્યો છે.

મેનેજર રૂ.૮૧.૬૧ લાખની રોકડ ભરેલા જુદાં જુદાં પ૦ પાર્સલ, ર૩.૪૦ લાખનાં સોનાનાં પાર્સલ અને રૂ.૭.પ૦ લાખની રોકડ રકમની ઉચાપત કરી હોઇ આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. કાલુપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

શહેરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પેઢીમાંથી રોકડ રકમ તેમજ લાખો-કરોડો રૂપિયાનાં પાર્સલોની ચોરી તેમજ ઉચાપતના બનાવો સામે આવે છે.

દરરોજ કરોડો રૂપિયાના આંગડિયા પેઢીના માલિકો તેમના કર્મચારીઓ પર વિશ્વાસ રાખી કરોડો રૂપિયાની મતા તેમને સોંપે છે પરંતુ કેટલાક લાલચુ કર્મચારીઓ આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી લાખોની ઉચાપત કરી ફરાર થઇ જાય છે. આવો જ એક બનાવ આજે શહેરના રતનપોળમાં આવેલી આંગડિયા પેઢીમાં બન્યો છે.

મહેસાણા જિલ્લાના વીસનગરમાં જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા બળદેવભાઇ રબારીની રતનપોળમાં દૂધિયા બિલ્ડિંગમાં મેસર્સ પટેલ પ્રવીણભાઇ ઇશ્વરભાઇ નામની આંગડિયા પેઢી આવેલ છે. આ પેઢીની અમદાવાદ, સુરત, રાજકોટ, ડીસા, પાલનપુર, મહેસાણા, વીસનગર, ઇડર જેવાં શહેરોમાં બ્રાંચો આવેલી છે.

અમદાવાદની રતનપોળમાં આવેલી શાખામાં કુલ આઠ વ્યકિતઓ કામ કરે છે. મહેસાણાના ગોકળગઢ ગામમાં રહેતા અરવિંદભાઇ ગાંડાભાઇ પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે. અરવિંદભાઇ પેઢીમાં આવતાં પાર્સલોની નોંધ કરી તેનો હિસાબ રાખતા હતા.

તા.ર૬ના રવિવારે બપોરે અરવિંદભાઇએ બળદેવભાઇને ફોન કરી જાણ કરી હતી કે, વડોદરામાં મારા સંબંધી ‌બીમાર હોવાથી હું તેમનાં ખબર-અંતર પૂછવા જાઉં છું અને આવતી કાલે વહેલી સવારે પેઢી પર આવી જઇશ.

પેઢીમાં આવેલા પાર્સલો-રોકડ તેઓએ સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજા દિવસે સવારે વેેપારીઓએ બળદેવભાઇને ફોન કરી જાણ કરી હતી કે, પેઢી બંધ છે અને અરવિંદભાઇનો કોઇ અતો પતો નથી. બળદેવભાઇએ તેમના ત્રણ મોબાઇલ ફોન પર ફોન કરતા બે ફોન બંધ હતા અને એક ફોન તેઓએ ઉપાડ્યો ન હતો. અરવિંદભાઇના ઘેર તપાસ કરતા અરવિંદભાઇ મળ્યા ન હતા.

બળદેવભાઇ તાત્કાલીક અમદાવાદ તેમની રતનપોળમાં આવેલ પેઢી પર આવ્યા હતા અને સેફ લોકરની ચાવીની તપાસ કરી હતી પરંતુ ચાવીઓ મળી ન હતી. ડુપ્લિકેટ ચાવી બનાવડાવી સેફ લોકર ખોલતાં આંગડિયા પેઢીમાં આવેલાં પાર્સલો અને રોકડ રકમ ગાયબ થયેલ જણાઇ હતી.

આંગડિયા પેઢીના અન્ય ભાગીદારો આવતાં પાર્સલ તથા રોકડનો હિસાબ કરતા જુદા જુદા દાગીનાના પાર્સલો કે જેની કિંમત રૂ.૮૧.૬૧લાખ, સોનાનાં સાત પાર્સલ રૂ.ર૩.૪૦ લાખ, રોકડ રકમનાં પાર્સલ રૂ.પ.૮૬ લાખ અને પેઢીની ઓફિસમાં મૂકેલી રોકડ રૂ.ર.૪૦ લાખ તેમ મળી કુલ રૂ.૧.૧૩ કરોડની રકમ લઇ અરવિંદ પ્રજાપતિ ફરાર થઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું.

આમ કરોડો રૂપિયાની ઉચાપત કરી પેઢીનો મેનેજર અરવિંદ પ્રજાપતિ ફરાર થઇ જતાં તેના સંભવિત સ્થાનો પર તપાસ કરાઇ હતી પરંતુ તે મળ્યો ન હતો. છેવટે બળદેવભાઇએ આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરવિંદ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાલુપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશનના આધારે આરોપી શોધખોળ શરૂ કરી છે.

You might also like