US ફેડરલ રિઝર્વની બેઠક પર ભારતીય શેરબજારની નજર

શેરબજાર ગઈ કાલે છેલ્લે સકારાત્મક બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સમાં ૩૦૧ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૩૩,૨૫૦, જ્યારે એનએસઇ નિફ્ટીમાં ૯૮ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૧૦,૨૬૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૧.૩ ટકા, જ્યારે નિફ્ટીમાં ૧.૪ ટકાનો સુધારો નોંધાયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૭ ટકાનો ઉછાળો જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી છેલ્લે ૧૦,૨૫૦ પોઇન્ટ ઉપર બંધ જોવાઇ છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય. આગામી સપ્તાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે એટલું જ નહીં યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પણ આગામી સપ્તાહે મળી રહી છે ત્યારે બજારની નજર તેના ઉપર મંડાયેલી રહેશે.

ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૫,૩૨૧ની સપાટીએ બંધ જોવાઇ છે. ૨૫,૩૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવાય એટલું જ નહીં, ૨૫,૫૦૦ની સપાટી ક્રોસ કરે તો બેન્ક નિફ્ટીમાં વધુ સુધારાની ચાલ જોવાઇ શકે છે. નોંધનીય છે કે ગઇ કાલે બેન્ક શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

દરમિયાન આ સપ્તાહના સોમવારે નવેમ્બર મહિનાના બેલેન્સ ઓફ ટ્રેડના ડેટા જાહેર થશે. મંગળવારે ઇન્ડ‌િસ્ટ્રયલ પ્રોડક્શનના તથા નવેમ્બર મહિનાના ફુગાવાના ડેટા જાહેર થશે એટલું જ નહીં, મંગળવાર અને બુધવાર એમ બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે, જેમાં વ્યાજદર વધારવા અંગેનો નિર્ણય લેવાઇ શકે છે, જ્યારે ગુરુવારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે. ૧૮ ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ છે. પરિણામ પૂર્વે ટ્રેન્ડ બજાર માટે મહત્ત્વનો બની શકે છે.

ઓટો સેક્ટરની અગ્રણી મારુતિ સુઝુકીએ ગઇ કાલે પ્રથમ વાર ૯૦૦૦ની સપાટી ક્રોસ કરી છે. ઓટો સેક્ટરના સારા વેચાણ ડેટાના પગલે મોટા ભાગની ઓટો કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહ ફાર્માસ્યુટિકલ અને એફએમસીજી સેક્ટર માટે પોઝિટિવ રહી શકે છે.

નિફ્ટી ૧૦,૨૫૦ની સપાટી ઉપર બંધ આવી છે ત્યારે ૧૦,૩૦૦નું મથાળું વટાવે તો બજારમાં વધુ સુધારાની ચાલ જોવાઇ શકે છે. સેન્ટિમેન્ટ જોતાં મોટા ઘટાડાની શક્યતા ઓછી છે.

You might also like