Ahmedabad: સેટેલાઇટ રોડ પર શો રૂમમાંથી 700 બ્રાન્ડેડ ઘડિયાળની ચોરી

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર અને મોડી રાતે પણ સતત લોકોની સતત અવરજવર રહેતી હોય છે તેવા સેટેલાઈટ વિસ્તારના જોધપુર ચાર રસ્તા પાસે આવેલી ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન નામના શો રૂમમા લાખો રૂપિયાના માલ મતાની ચોરીની ઘટના બની છે.

મોડી રાતે તસ્કરોએ શો રૂમમાં પ્રવેશી ૭૦૦ જેટલી રિસ્ટ વોચ, બ્રાન્ડેડ ૨૫થી વધુ બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ સન ગ્લાસીસ અને રોકડ રૂ. એક લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નવરંગપુરાના મિલાપ એપાર્ટમેન્ટમાં રહેતા અને નવરંગપુરા સ્વસ્તિક સોસાયટી પાસે ચદરિયા હેન્ડિક્રાફ્ટના નામે દુકાન ધરાવતા પ્રેમલભાઈ શેઠના મુંબઈ ખાતે રહેતા માસા દીપેન મહેતાનો સેટેલાઈટ વિસ્તારના જોધપુર ચાર રસ્તા પાસે અક્ષર કોમ્પ્લેક્સમાં ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન નામનો શો રૂમ આવેલો છે.

આ શો રૂમમાં બ્રાન્ડેડ ઘડિયાળો, બ્રાન્ડેડ ચશ્માંની ફ્રેમ સનગ્લાસીસ વગેરેનું વેચાણ થાય છે. ગઈ કાલે સવારે પ્રેમલભાઈ પર મુંબઈમાં રહેતા તેમન માસા નરેન્દ્રભાઈ મહેતાનો ફોન આવ્યો હતો કે જોધપુર ચાર રસ્તા પાસે અક્ષર કોમ્પ્લેક્સમાં ટાઇટન આઇ પ્લસ અને વર્લ્ડ ઓફ ટાઈટન શો રૂમમાં ચોરી થઇ છે. જેથી પ્રેમલભાઈ તાતકાલિક શો રૂમ પર પહોંચી ગયા હતા.

શો રૂમ પર જઈને જોતાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. ત્યાં હાજર શો રૂમના સ્ટોર મેનેજર ભાવનાબહેન કડિયાને તેઓએ પૂછતાં જણાવ્યું હતું કે રવિવારે રાતે નવ વાગ્યે શો રૂમ બંધ કરી તેઓ જતા રહ્યાં હતાં.

બીજા દિવસે સવારે દસ વાગ્યે આવીને શટર ખોલતાં અંદર શો રૂમના કાઉન્ટર અને રેકમાં રાખેલી ઘડિયાળો, ચશ્માંની ફ્રેમ, મ્યુઝિક સિસ્ટમ અને ગલ્લામાં રહેલા રોકડ રૂપિયા એક લાખ સહિતની મતાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. ટાઈટન, એરિસ્ટો, પોલીસ, ટોમી હિલ ફીગર અને જયલસ જેવી બ્રાન્ડની અલગ અલગ ઘડિયાળ,ઈન્ટરનેશલ બ્રાન્ડની ચશ્માંની ફ્રેમ, રેબન કંપનીના અને અન્ય કંપનીઓના સનગ્લાસિસ, મ્યુઝિક સિસ્ટમનું એપ્લિફાયર અને રોકડા રૂપિયા એક લાખ, કોઈ અજાણી વ્યક્તિ શો રૂમમાં પ્રવેશી ચોરી ગઈ હતી. આશરે ૭૦૦ જેટલી બ્રાન્ડેડ ઘડિયાળ તસ્કર લઇ ગયા હતા.

પોલીસને જાણ કરાતાં સેટેલાઈટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બ્રાન્ડેડ ઘડિયાળ અને ચશ્માંની ફ્રેમનો હિસાબ અને ભાવ કમ્પ્યૂટર સિસ્ટમમાં હતો પરંતુ કમ્પ્યૂટર સિસ્ટમ બંધ હોવાથી ચોરી થયેલી ઘડિયાળ અને ચશ્માંની ફ્રેમના ભાવ જાણી શકાયા ન હતા.

મુંબઈથી દુકાનના માલિક આવ્યા બાદ તેના ભાવ જાણવા મળશે તેમ પોલીસને જણાવવામાં આવ્યું હતું. જો કે અંદાજિત રૂ. દસ લાખથી વધુની કિંમતની ચોરી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તસ્કરોએ દુકાનનું શટર કોઈ ડુપ્લિકેટ ચાવી અથવા તો અન્ય કોઈ સાધન વડે ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. સેટેલાઇટ પોલીસે આ અંગે ગુનો નોંધી શો રૂમના સીસીટીવી તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનો પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બને છે. ટાઇટનનાં શોરૂમમાંથી ચોરી થયાના બે દિવસ પહેલા પણ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી ૩૦૦ ડોલર તેમજ અન્ય ચીજવસ્તુ મળી રૂ.ત્રણેક લાખની મતાની ચોરી થઇ હતી. આ વિસ્તારોમાંથી અગાઉ પણ અવારનવાર ચોરીના બનાવો બની ચૂક્યા છે છતાં પણ પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો ચોરી કરવામાં સફળ રહે છે.

You might also like