RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના ટ્રેકનાં 70 ટકા સેન્સર બંધ

અમદાવાદ: અમદાવાદ આરટીઓમાં એક સમયે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો એ ઘણું અઘરો બન્યો હતો. લોકો પહેલા પરફેકટ ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરતા હતા અને ત્યારબાદ જ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાની હિંમત કરતા હતા હવે આ ટેસ્ટ ઘણો જ આસાન બની ગયો છે કારણ કે ડ્રાઇવિંગ ટ્રેકના મોટાભાગનાં સેન્સર બંધ હાલતમાં છે તેથી હવે ટેસ્ટ ટ્રેકની કામગીરી સીસીટીવી કેમેરા આધારિત માત્ર મેન્યુઅલ પદ્ધતિથી થતી હોઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આસાન બન્યો છે.

એક સમયે આરટીઓ કચેરીમાં બનાવાયેલો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અત્યંત અત્યાધુનિક ટ્રેક ગણાતો હતો ટેસ્ટ ટ્રેક પર નિયમ પ્રમાણેનું જ ડ્રાઇવિંગ વાહન ચાલક કરે તે માટે ૧૭૦થી વધુ સેન્સર ટ્રેક પર લગાવાયાં છે વાહનચાલક સામાન્ય નિયમનો ભંગ કરે કે તરત જ સેન્સર એક્ટિવ થાય અને સ્ક્રીન પર તમામ એરર આવી જાય ટ્રેક પર કેટલીવાર કઇ જગ્યાએ કેટલી અેરર આવી તેનો ટેક્નિકલ ડેટા સેન્સર દ્વારા સીધો સ્ક્રીન પર આવી જતો હતો.

જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ એક્યુરસીવાળો અને વાહનચાલક માટે કપરો ગણાતો હતો. પરંતુ અત્યારે અમદાવાદ આરટીઓ ટેસ્ટ ટ્રેકનાં ૭૦ ટકા સેન્સર બંધ હાલતમાં હોઇ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાના કડક નિયમનો અમલ થતો નથી.

હાલમાં આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી સીસીટીવી કેમેરાથી જોવામાં આવે છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ ટ્રસ્ટ ટ્રેકના મેન્ટેનન્સ માટે વાર્ષિક કોન્ટ્રાક અપાતો હોય છે. રાજ્યની તમામ આરટીઓનાં ટ્રેકનો કોન્ટ્રાકટ એક જ કંપનીને ગાંધીનગરથી આપવામાં આવે છે.

આ કંપનીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટ પૂરા થઇ ગયા છે અને ત્યાર પછી નવા કોન્ટ્રાક્ટ નહીં અપાતા મેન્ટેનન્સ સંપૂર્ણપણે બંધ હોવાથી ધીરે ધીરે હવે સેન્સરો પણ કામ કરતા બંધ થયાં છે. તેથી એક સમયે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવો કપરો હતો તે હવે આસાન બન્યો છે.

ટ્રેકનાં સેન્સર બંધ હાલતમાં હોવાનો સૌથી વધુ લાભ વાહનચાલકોને થાય છે. તેથી રોજના રપ૦થી વધુ લોકો આ છટકબારીનો લાભ લઇ રહ્યા છે.

આ અંગે એઆરટીઓ એસ.એ.મોજણીદારે જણાવ્યું હતું કે ૧લી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સિલ્વર ટચ કંપનીને મેન્ટેનન્સનો કોન્ટ્રેક્ટ અપાયો હતો તે પૂરો થયો છે. જે રિન્યૂ થયો નથી પરંતુ અમદાવાદ આરટીઓ દ્વારા અન્ય એક કંપની પાસે સર્વે કરાવાયો છે. ટૂંક સમયમાં આરટીઓ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે.

You might also like