Stock Market: 4 વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં 62 લાખ કરોડનો વધારો

અમદાવાદ: ચાર વર્ષના સમયગાળામાં શેરબજારમાં ૪૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. ગઇ કાલે છેલ્લે સેન્સેક્સ ૩૪,૯૨૪ની સપાટીએ બંધ જોવાયો છે. ચાર વર્ષના સમયગાળામાં રોકાણકારોની સંપત્તિમાં ૬૨ લાખ કરોડથી વધુનો ઉમેરો થતો જોવા મળ્યો છે. ગઇ કાલે છેલ્લે બીએસઈની માર્કેટ કેપ ૧૪૭ લાખ કરોડની સપાટીએ પહોંચી ગયેલી જોવા મળી છે, જે ચાર વર્ષ અગાઉ ૨૬ મે, ૨૦૧૪ના રોજ ૮૫ લાખ કરોડ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાર વર્ષના સમયગાળામાં વિદેશી રોકાણકારોના મોટા પ્રમાણમાં આવેલા રોકાણ, સરકારની આર્થિક સુધારા તરફી નીતિ તથા જીએસટી અને વિવિધ વૈશ્વિક એજન્સીઓની દેશનાે આર્થિક વિકાસ વધવાની આશાના પગલે શેરબજારમાં પણ તેની અસર જોવા મળી છે. ચાર વર્ષના સમયગાળામાં સેન્સેક્સમાં ૧૦ હજાર પોઇન્ટથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

ચાર વર્ષમાં રૂપિયો ૧૫ ટકા ધોવાયો
ચાર વર્ષના સમયગાળામાં ડોલર સામે રૂપિયામાં બમ્પર ધોવાણ થયેલું જોવા મળ્યું હતું. ક્રૂડની ઊંચી કિંમત તથા ડોલરમાં રોકાણના વધતા આકર્ષણના પગલે ૨૬ મે, ૨૦૧૪ના રોજ ડોલર સામે રૂપિયો ૫૮.૭૨ની સપાટીએ જોવા મળ્યો હતો, જે ગઇ કાલે છેલ્લે ૬૭.૭૭ની સપાટીએ બંધ નોંધાયો છે.

ક્રૂડની ઊંચી કિંમતના પગલે ડોલરની ખરીદીના વધતાં આકર્ષણની અસરથી રૂપિયામાં ટૂંક સમયમાં ઝડપથી ધોવાણ થતું જોવા મળ્યું છે અને એક તબક્કે ૬૮ની સપાટીને પાર પહોંચી ગયેલો જોવા મળ્યો હતો. ચાર વર્ષના સમયગાળામાં ડોલર સામે રૂપિયો ૧૫ ટકા ધોવાઇ ચૂક્યો છે.

સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીમાં સુધારાની ચાલ
વૈશ્વિક બજારમાં ફરી એક વખત અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી મહિને ઉત્તર કોરિયાના નેતા સાથે સિંગાપોરમાં મળનારી બેઠક અચાનક જ રદ કરાતા બુલિયન બજારમાં તેની સીધી અસર જોવા મળી હતી.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવે ફરી એક વખત ૧૩૦૦ ડોલર પ્રતિઔંસની સપાટી ક્રોસ કરી દીધી હતી. ચાંદી પણ વૈશ્વિક બજારમાં ૧૬.૫૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી હતી. સ્થાનિક બજારમાં પણ સુધારાની ચાલ નોંધાઇ હતી. ઘરઆંગણે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ફરી એક વખત ૩૨,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૩૨,૩૫૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

એ જ પ્રમાણે ચાંદીનો ભાવ પણ ૪૧,૧૦૦ની સપાટીએ ખૂલ્યો હતો. એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં પ્રતિકિલો રૂ. ૬૦૦નો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. જોકે સપ્તાહ દરમિયાન રૂપિયામાં વધુ ધોવાણ થતું અટક્યું હતું. સપ્તાહમાં ડોલર સામે રૂપિયામાં ૨૩ પૈસાની રિકવરી થઇ ગઇ કાલે છેલ્લે ૬૭.૭૭ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે પાછલા સપ્તાહે રૂપિયો ૬૮ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

You might also like