મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન આપવાને બદલે કરોડો રૂપિયાના ખર્ચે સ્કૂલબોર્ડની નવી ઓફિસનું બિલ્ડિંગ બનાવવા જેવી રાજાશાહીના જમાના જેવા ઠાઠમાઠને બાળકોના વિકાસના ભોગે માણવા અધીરા બન્યા છે.

જોકે સ્કૂલબોર્ડના શાસકોની બલિહારીથી વહીવટી સ્ટાફમાં પણ ભારોભાર શૂન્યાવકાશ સર્જાયો છે. સિનિયર કલાર્ક સહિતની વહીવટી સ્ટાફ શિડ્યૂલની કુલ ૭૭પ જગ્યા પૈકી ૬૦ ટકા જગ્યા ખાલી પડી છે. ‘સ્માર્ટ લર્નિંગ’ના ઢોલનગારા પીટનારા સ્કૂલબોર્ડના શાસકો સામે અવારનવાર એક અથવા બીજા પ્રકારની ગેરરી‌િતના આક્ષેપ ઊઠતા રહ્યા છે.

છેલ્લા ચાર વર્ષમાં ૪૬,૩૧૯ બાળકોએ શાળા છોડી હોય તો તેનું કારણ સતત કથળતું જતું શૈક્ષણિક સ્તર પણ છે. જોકે તંત્ર દ્વારા તો વાલીઓની આર્થિક સમૃદ્ધિ વધતા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાાનો દાવો કરાય છે.

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્ય ઇલિયાસ કુરેસી કહે છે સ્કૂલ બોર્ડમાં સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક, પટાવાળા તો ઠીક, પરંતુ પૂરતી સંખ્યામાં તેડાગર, વોચમેન અને પાણી પાનાર નથી. સ્ટાફની અછત હોવાના કારણે શિક્ષકોને અવારનવાર વહીવટી કામગીરી કરવાની ફરજ પડાય છે.

જો કે સત્તાવાળાઓ કોઇ પણ જાતનો લેખિત આદેશ આપ્યા વગર માત્ર મૌખિક સૂચનાના આધારે શિક્ષકોને સ્વજોખમે શિક્ષણેતર કામગીરીમાં જોતરે છે. આના પરિણામે બાળકોનો અભ્યાસ રુંધાય છે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડમાં શિડ્યુલ મુજબ ર૪ સિ‌નિયર કલાર્કને બદલે ૮ સિનિયર કલાર્ક, ૭૯ જુનિયર કલાર્કને બદલ ૯ જુનિયર કલાર્ક, ૬૮ પટાવાળાને બદલ ૮ પટાવાળા, રર૩ તેડાગર-વોચમેનને બદલે ૬૬ તેડાગર-વોચમેન અને ૩૮૧ પાણી પાનારને બદલે ર૩૯ પાણી પાનાર ફરજ બજાવે છે એટલે કે કુલ ૭૭પના મંજૂર મહેકમ હોવા છતાં માત્ર ૩૩૦ કર્મચારીની નિમણૂક કરાઇ હોઇ ૪૪પ જગ્યા ખાલી છે.

આ તમામ ખાલી જગ્યા ભરાશે તો આચાર્ય, શિક્ષકો પરનું કામનું ભારણ ઘટશે, જોકે તંત્ર અને શાસકો ઇરાદાપૂર્વક તેમ કરતા ન હોઇ માસૂમ બાળકોની શૈક્ષણિક કારકિર્દી સામે ગંભીર ચેડા થઇ રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્યએ કર્યાે છે.

You might also like