અમેરિકાના અખબારના કાર્યાલયમાં અંધાધૂંધ ફાયરિંગઃ પાંચ લોકોનાં મોત

વોશિંગ્ટન: અમેરિકાના મેરિલેન્ડ રાજ્યના એનાપો‌લિસમાં આવેલ અખબાર ‘કેપિટલ ગેઝેટ’ના કાર્યાલયમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને પાંચ લોકોને ઠાર માર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શોટગન અને સ્મોક્સ ગ્રેનેડ સાથે આવેલ શકમંદ હુમલાખોરની અટકાયત કરવામાં આવી છે.

આ હુમલાખોર મેરિલેન્ડનો નિવાસી છે અને તેની પૂછપરછ જારી છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. અા હુમલો ‘કેપિટલ ગેઝેટ’ ન્યૂઝપેપરની ઓફિસમાં થયો હતો. આ અખબારની ઓફિસ એનાપો‌લિસની ચાર માળની ઇમારતમાં આવેલ છે. એનાપો‌લિસ અમેરિકન રાજ્ય મેરિલેન્ડની રાજધાની છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ હુમલાખોરે અચાનક જ ન્યૂઝરૂમની બહાર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુું હતું, જેમાં પાંચનાં મોત થયાં હતાં.

અધિકારીના જણાવ્યા પ્રમાણે અા હુમલો આતંકી નહીં, પરંતુ સ્થાનિક ઘટના હોવાનું માનવામાં આવે છે. ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસ જારી છે. ‘કેપિટલ ગેઝેટ’ના એક પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હુમલાખોરે કાચના દરવાજાની બીજી બાજુથી સૌ પહેલાં એક ગોળી છોડી હતી અને ત્યારબાદ કર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પત્રકાર ફિલ્ડ ડેવિસે જણાવ્યું હતું કે હુમલાખોરે ફાયરિંગ કરીને કેટલાય લોકોને લોહીલુહાણ કરી નાખ્યા હતા.

વ્હાઇટ હાઉસે જાણકારી આપી છે કે સમગ્ર મામલા અંગે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાણ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મને કેપિટલ ગેઝેટમાં થયેલા ગોળીબાર અંગે માહિતી સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

અખબારના તંત્રી જીમી ડિબટસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અત્યારે હું વાત કરી શકવાની સ્થિતિમાં નથી. ગોળીબાર થયા બાદ ૧૭૦ કર્મચારીઓને અખબારની ઇમારતમાંથી સુર‌િક્ષત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઇમારતમાં અન્ય અખબારોનાં કાર્યાલય પણ આવેલાં છે. કેપિટલ ગેઝેટ એક દૈનિક અખબાર છે, જેની ડિજિટલ વેબસાઇટ પણ છે. તે બાલ્ટીમોરટન મીડિયા સાથે સંકળાયેલ છે.

ઘટનાસ્થળે પોલીસ સહિત અન્ય વિભાગના અધિકારીઓ પહોંચી ગયા છે. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે આ હુમલો કેપિટલ ગેઝેટ અખબારના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે હજુ સુધી આ હુમલા પાછળનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ અમને જાણ થઇ છે કે અખબારને હુમલા પહેલાં સોશિયલ મીડિયા પર કેટલીક ધમકી મળી હતી. પોલીસ હવે સોશિયલ મીડિયાના એકાઉન્ટની તપાસ કરી રહી છે કે જેથી ધમકી કોણે આપી હતી તે જાણી શકાય.

You might also like