J&K: સાંબામાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ, BSFના 3 ઓફિસર સહિત ચાર જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરની સરહદ પર ફરી પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાને કાશ્મીરના સાંબા સેકટરના ચમલિયાલ પર ફાયરિંગ કર્યું છે. એક મળતા અહેવાલ મુજબ આ ફાયરિંગમાં ચાર જવાન શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય પાંચ જવાન ઇજાગ્રસ્ત થયા છે.

પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાને LoC પર સાંબા સેકટરમાં ચમલિયાલ પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. જેમાં BSFના 3 ઓફિસર અને એક જવાન શહીદ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ જમ્મૂ-કશ્મીરના સાંબા સેકટરમાં ચમલિયાલ પોસ્ટને નિશાન બનાવીને પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કર્યું છે.

આ ફાયરિંગમાં BSFના આસિસ્ટન્ટ કમાન્ડેડ જશતદરસિંહ, આસિસ્ટન્ટ સબ ઈન્સપેકટર રામ નિવાસ અને જવાન હંસરાજ શહીદ થઈ ગયા છે. જ્યારે એક સબ ઈન્સપેકટર ફાયરિંગના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મહત્વનું છે LoC પર છેલ્લા કેટલાક મહિનામાં સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાને રાખીને બન્ને દેશની બોર્ડર પર તનાવની સ્થિતિ ઘટાડવા વાતચીત કરવાનો નિર્ણય લીધો હતો. 29 મેએ ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરની વાતચીત થઈ હતી.

જેમાં 2003ના સંઘર્ષ વિરામની સમજૂતિને સંપૂર્ણ રીતે લાગુ કરવા પર સહમતિ બની હતી. જોકે આજે ફરી પાકિસ્તાને પોતાની નાપાક હરકત કરી અને સીમા પર ફાયરિંગ શરૂ કરી દીધું.

You might also like