ડોક્ટરોના નવા ફાલમાં ૨૫ ટકા હતાશાનો ભોગ

ડોક્ટર બનવાનો અભ્યાસ અને તાલીમ પૂરી કરનારા યુવાનોમાંથી ૨૫ ટકા એમની કરિયરની શરૂઆતના ગાળામાં હતાશાનો ભોગ બની જાય છે. તેમનામાં આત્મહત્યા કરી લેવાનો આવેશ જાગી ઊઠે છે. આ રિપોર્ટ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA)માં પ્રગટ થયો છે. હાર્વર્ડ અને યુનિવર્સિટી ઓફ મિશિગનની મેડિકલ સ્કૂલના મનોવિજ્ઞાનીઓએ ૫૦ વર્ષમાં થયેલા ૫૪ના ડેટાનું પૃથક્કરણ કરીને આ તારણ મેળવ્યું છે.

પૃથક્કરણમાં જાણવા મળ્યું કે, નવા ડોક્ટર બનેલી વ્યક્તિઓમાંથી ૨૮.૮ ટકા એની કારકિર્દીની શરૂઆતના તબક્કામાં હતાશ બની જાય છે અને આ પ્રમાણ સતત વધી રહ્યું છે. આમ થવાનું કારણ તપાસતાં એમને જાણવા મળ્યું કે, તેમણે ડોક્ટર તરીકે પ્રસ્થાપિત થતાં પહેલાં સરેરાશ ૧૬ વર્ષ સુધી વિવિધ પ્રકારની તાલીમના પાપડ વણવા પડે છે. પાંચ વર્ષ ડિગ્રી મેળવવાનું ભણતર, પછી બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ, પછી બે વર્ષ રેસિડેન્ટશિપ અને તે પછી વળી ત્રણથી આઠ વર્ષની વિશિષ્ટ તાલીમ લે ત્યારે એ ડોક્ટર તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે.

એ પછી વળી પોતાનું ક્લિનિક કે હૉસ્પિટલ શરૂ કરે તો નામના મેળવવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય નીકળી જાય છે. આટલો લાંબો સંઘર્ષ કોઈ પણ કાચા મનના માણસને થકવી જ નાખે. હવેના સમયમાં ભણતર પછી તરત કમાણી શરૂ થઈ જવી જોઈએ એવી પ્રચલિત માન્યતાના કારણે ડોક્ટરો ભારે માનસિક તાણમાં રહે છે.

You might also like