સોમાલિયાના મોગાદિશુમાં કાર બોમ્બ વિસ્ફોટથી ૧૮નાં મોત

મોગાદિશુ: સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં બે કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૮ લોકોનાં મોત થયાં છે જ્યારે ૨૦ જેટલા લોકોને ઈજા થઈ પહોંચી છે. રાષ્ટ્રપતિ નિવાસની નજીક થયેલા વિસ્ફોટથી ભારે અફરાતફરી મચી જવા પામી છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ શબાબે સ્વીકારી છે. જોકે આ ઘટનામાં પાંચ હુમલાખોરને સુરક્ષા દળે ઠાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એક બોમ્બ વિસ્ફોટ રાષ્ટ્રપતિ ભવનની સાવ નજીક અને બીજો વિસ્ફોટ અહીંની જાણીતી હોટલ પાસે થયો હતો. આ ઘટનાના એક દિવસ પહેલાં જ સોમાલિયાની સરકારે આતંકી ઘટના અંગે ચેતવણી આપી હતી. પરંતુ તેને ધ્યાનમાં નહીં લેવામા આવતાં એક મહિના બાદ મોગાદિશુમાં જળવાયેલી શાંતિમાં ભંગ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં મોગાદિશુની મુખ્ય પોલીસ એકેડમીમાં અલ શબાબના જ એક યોદ્ધાએ ઘૂસીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ૧૮ પોલીસ અધિકારીનાં મોત થયાં હતાં. અને કેટલાક લોકોને ઈજા થઈ હતી. આ ઘટનામાં મોગાદિશુની ફ્રી એમ્બ્યુલન્સ સેવા આમીન એમ્બ્યુલન્સે ઘવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડયા હતા.

આ અગાઉ પણ ગત ઓકટોબરમાં મોગાદિશુમાં જ એક ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં લગભગ ૫૧૨ લોકોનાં મોત થયાં હતાં. આમ એકાદ મહિનાની શાંતિ બાદ મોગાદિશુમાં ફરી આતંકી હુમલો થતાં પાટનગરની શાંતિ ફરી ડહોળાઈ ગઈ છે. શહેરમાં બે જગ્યાએ કાર વિસ્ફોટ થતાં તેમાં ૧૮ લોકોનાં મોત થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે.

You might also like