ભાજપનાં ગઢ ગુજરાતમાં ગાબડા : કોંગ્રેસમાં ઉમંગનો દોરી સંચાર

છ મહાનગર પાલિકા અને ૪૦ નગરપાલિકામાં ફરી કમળ ખીલ્યું
અમદાવાદ : અમદાવાદ સહિત તમામ છ મહાનગરપાલિકામાં શાસન જાળવી રાખવામાં ભાજપે આખરે સફળતા મેળવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જાદુ શહેરી વિસ્તારમાં અકબંધ રહ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપને ૧૪૨ બેઠકો મળી છે. જે વર્ષ ૨૦૧૦માં મળેલી ૧૫૧ બેઠક કરતાં ઓછી છે. પરંતુ પ્રતિકૂળ સંજોગો હોવા છતાં ભાજપે શહેરી વિસ્તારમાં શાનદાર દેખાવ કર્યો છે. અમદાવાદમાં કુલ ૧૯૨ બેઠકો પૈકીના તમામ પરિણામ મોડી સાંજે જાહેર થઈ ગયા હતા. જે પૈકી ભાજપે ૧૪૨ અને કોંગ્રેસે ૪૯ બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી.

આવી જ રીતે અન્યને એક બેઠક મળી હતી. જ્યારે સુરતમાં શરૂઆતમાં ગળાકાપ સ્પર્ધા રહ્યા બાદ ભાજપે જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. ભાજપે ૧૧૬ પૈકીની ૮૦ બેઠકો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસને ૩૬ બેઠકો હાથ લાગી હતી. ભાવનગરમાં ૫૨ પૈકીની ૩૪ બેઠકો ઉપર ભાજપે જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને ૧૮ બેઠકો મળી હતી. જ્યારે વડોદરામાં ૭૬ પૈકીની ૫૪ બેઠકો ભાજપે જીતી હતી. કોંગ્રેસને ૧૪ બેઠક મળી હતી. રાજકોટમાં ૭૨ પૈકી ૩૮ બેઠક ભાજપે જીતી હતી.

જ્યારે કોંગ્રેસે ૩૪ બેઠકો જીતી હતી. આ ઉપરાંત જામનગરમાં ૬૪ પૈકી ભાજપે ૩૮ બેઠકો પર સપાટો બોલાવ્યો હતો.એકંદરે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ હતી. અગાઉ ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઉપરાંત અમદાવાદ સહિત છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે મતગણતરી શરૂ થઇ હતી. મતગણતરી શરૂ થયા બાદ પ્રવાહ મળવા લાગી ગયા હતા. મતગણતરી કેન્દ્રો ઉપર પણ પુરતી સુરક્ષા રાખવામાં આવી હતી.

૨૨મી નવેમ્બરના દિવસે અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે સરેરાશ ૪૮.૫૦ ટકા મતદાન થયુ હતુ. અમદાવાદમાં ૪૬.૦૭ ટકા મતદાન થયુ હતુ. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણરીતે એકંદરે ૪૮.૫૦ ટકા મતદાન નોંધાયું હતું જે ૨૦૧૦ની સરખામણીમાં વધારે હોવાની માહિતી સપાટી ઉપર આવી હતી. મતગણતરી શરૂ થયા બાદ ૧૮૫૬ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. ૨૨મી નવેમ્બરે અમદાવાદમાં ૪૬.૦૭ ટકા મતદાન થયું હતું.

જે ૨૦૧૦માં યોજાયેલા ૪૪.૧૨ ટકા મતદાન કરતા વધારે રહ્યું હતું. આવીજ રીતે વડોદરામાં ૨૦૧૦માં ૪૪.૪૧ ટકાની સામે ૪૮ ટકા મતદાન થયું હતું. રાજકોટમાં પણ ગયા વખત કરતા ખુબ વધારે મતદાન થયું હતું. સુરતમાં ૩૯.૬૪, ભાવનગરમાં ૪૭.૪૪અને જામનગરમાં ૫૬.૯૬ ટકા મતદાન નોંધાયું હતું.ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકા પૈકીની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની ૫૬૮ બેઠકો માટે મતદાન યોજાયુ હતુ.

આજે તમામ બેઠકોના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ ૫૬૮ બેઠકો માટે ૧૨૬૧૬ મતદાન મથકો ઉપર મતદાન યોજાયુ હતુ. છ મહાનગર પાલિકાઓના કુલ ૧૪૩ વોર્ડની ૫૬૮ બેઠકો પર જે તે પક્ષ ઉપરાત અપક્ષ અને અન્ય સાથે કુલ ૧,૮૫૬ ઉમેદવારોના
અમદાવાદભાવિનો આજે ફેંસલો થયો હતો. છ મનપા કુલ ૯૫,૯૦, ૫૫૨ મતદારો નોંધાયા હતા. જેમાં ૫૧,૧૦,૭૧૩ પુરૂષ અને ૪૪,૭૯,૮૩૯ મહિલા મતદારો નોંધાયા હતા.

જે પૈકી ૪૮.૫૦ ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મનપાના મતદાન મથકોની સંખ્યા ૧૨,૬૧૬ નોંધાઇ હતી. છ મનપા કુલ ૯૫,૯૦,૫૫૨ મતદારોમાંથી અમદાવાદમાં કુલ ૩૯,૮૩,૫૮૯ મતદારો નોંધાયા હતા, જેમાં પુરુષ ૨૦,૯૫,૧૪૮ અને સ્ત્રી ૧૮,૮૮,૪૪૧ મતદારો નોંધાયા હતા. અમદાવાદમાં કુલ ૫૮૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થયો હતો.વડોદરામાં ૨૨૭, સુરતમાં ૪૩૫, રાજકોટમાં ૨૪૬, ભાવનગરમાં ૧૪૭, જામનગરમાં ૨૧૩ ઉમેદવારના ભાવિનો ફેંસલો થયો હતો.

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ધારણા પ્રમાણે જ કોંગ્રેસે જોરદાર સપાટો બોલાવ્યો હતો. કોંગ્રેસે ૩૧ જિલ્લા પંચાયતો પૈકી ૨૨ જિલ્લા પંચાયતમાં સપાટો બોલાવી દીધો હતો અને કમળને કચડી નાંખવામાં સફળતા મેળવી હતી. પાટીદાર સમુદાયના પરિબળ વચ્ચે ભાજપને પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે ૩૧ જિલ્લા પંચાયત પૈકી ૨૨માં જીત મેળવીને શાનદાર વાપસી કરી હતી. બાકી જગ્યાએ ભાજપે જીત મેળવી હતી.

આવી જ રીતે ૨૩૦ તાલુકા પંચાયતમાંથી ૧૫૦થી પણ વધુમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. આવી જ રીતે ૫૬ નગરપાલિકામાં ભાજપે ૪૦માં જીત મેળવી છે. ૧૧ પાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે. જુદા-જુદા પરિણામોને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્તમાન ચુંટણીથી લાગે છે કે શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો રહ્યો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે ગાબડા પાડવામાં સફળતા મેળવી હતી. અગાઉ ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ૨૩૦ તાલુકા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજાયા બાદ આજે સવારે મતગણતરી શરૂ થઇ હતી.

ધારણા પ્રમાણે જ કોંગ્રેસે અનેક જગ્યાએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. ભાજપના કેટલીક જગ્યાએ સુપડા સાફ થઇ ગયા હતા. શાસન વિરોધી પરિબળ અને પટેલ પાવરની અસર સ્પષ્ટપણે દેખાઇ હતી. જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય દેખાવ રહેતા કોંગ્રેસની છાવણીમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ૨૯મી નવેમ્બરના દિવસે યોજાયેલા મતદાન બાદથી ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી હતી.

આજે ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતની યોજાયા બાદ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. મત ગણતરી કેન્દ્રો ઉપર તમામ સુવિધા ગોઠવી દેવામાં આવી હતી. અધિકારીઓને પણ તૈયાર કરી લેવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, નગરપાલિકામાં ૫૬.૮૯ ટકા, જિલ્લા પંચાયતમાં ૫૮.૦૨ ટકા અને તાલુકા પંચાયતમાં ૫૯.૪૧ ટકા જેટલું ઊંચુ મતદાન થયું હતુ. મોટાભાગે ભાજપનું વર્ષ ૨૦૧૦માં વર્ચસ્વ રહ્યું હતું.

પરંતુ આ વખતે પાટીદાર સમુદાયના આંદોલન અને શાસનવિરોધી પરિબળ જેવા પરિબળોના પરિણામ સ્વરૂપે ભાજપને મોટો ફટકો પડે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. બીજીબાજુ કોંગ્રેસે આ વખતે તમામ તાકાત લગાવીને પાટીદાર સમુદાયને પોતાની તરફેણમાં કરવા માટે જિલ્લા અને તાલુકા પંચાયતમાં તમામ પ્રયાસ કર્યા હતા. ૨૯મીના દિવસે મતદાન બાદ ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૯૮૮ બેઠકો માટે મેદાનમાં રહેલા કુલ ૨૪૯૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.

જ્યારે ૨૩૦ તાલુકા પંચાયતમાં રહેલી ૪૭૭૮ બેઠકો માટે મેદાનમાં રહેલા ૧૧૬૩૫ ઉમેદવારોના ભાવિ પણ સીલ થઇ ગયા હતા. આ ઉપરાંત ૫૬ નગરપાલિકાની ૨૦૮૮ બેઠક માટે મેદાનમાં રહેલા ૫૨૯૬ ઉમેદવારોના ભાવિ પણ સીલ થઇ ગયા હતા. કુલ મતદારોની સંખ્યા ૨.૫૯ કરોડ નોંધાઇ હતી. જે પૈકી મોટી સંખ્યામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચુંટણી દરમિયાન ૮૧૧૦ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા.

આ વખતે ૩૧ જિલ્લા પંચાયત માટે ૯૮૮થી પણ વધુ ઉમેદવાર ચુંટણી મેદાનમા હતા. ૯૮૮ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપે તમામ જગ્યાઓએ મેદાનમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. ૫૬ નગરપાલિકાની ચુંટણી માટે મેદાનમાં રહેલા ભાજપના ૧૯૪૫ ઉમેદવાર, કોંગ્રેસના ૧૮૦૧ ઉમેદવાર, ૪૬૮ અન્ય અને ૧૦૮૦ અપક્ષ ઉમેદવારોના ભાવિ આજે નક્કી થયા હતા. ૨૭ ઉમેદવારને પહેલાથી જ બિનહરિફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

૨૩૦ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપના ૭૭૧૬ ઉમેદવાર, કોંગ્રેસે ૪૬૯૭ ઉમેદવાર, ૬૫૭ અન્યો અને ૧૫૯૫ અપક્ષ ઉમેદવારોના ભાવિ નક્કી થઇ રહ્યા છે. પહેલાથી જ ૫૪ને બિનહરિફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

૫૬ નગરપાલિકામાંથી ૪૦માં ભાજપની જીત
૫૬ નગરપાલિકા પૈકી ૪૦ નગરપાલિકામાં પણ ભાજપનો વિજય થયો છે. ૧૧ પાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે. જોકે પાટીદાર ગામડાઓમાં પણ ભાજપને સફળતા મળી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન
કુલ બેઠક ૧૯૨
ભાજપ ૧૪૨
કોંગ્રેસ ૪૯
અન્યો ૦૧
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ બેઠક ૧૧૬
ભાજપ ૮૦
કોંગ્રેસ ૩૬
અન્યો ૦૦
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન
કુલ બેઠક ૫૨
ભાજપ ૩૪
કોંગ્રેસ ૧૮
અન્યો ૦૦
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન
કુલ બેઠક ૭૬
ભાજપ ૫૪
કોંગ્રેસ ૧૪
અન્યો ૦૪
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન
કુલ બેઠક ૭૨
ભાજપ ૩૮
કોંગ્રેસ ૩૪
અન્યો ૦૦
જામનગર મ્યુનિ.કોર્પોરેશન
કુલ બેઠક ૬૪
ભાજપ ૩૮
કોંગ્રેસ ૨૪
અન્યો ૦૨

You might also like