WhatsApp દ્વારા કરી શકશો પૈસાની આપ-લે, UPI પેમેન્ટ માટે મળી NPCIની લીલી ઝંડી

નવી દિલ્હી: એક લાંબી રાહ જોયા પછી મેસેજીંગ એપ વ્હોટ્સએપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(યૂપીઆઇ) પેમેન્ટ માટે લીલી ઝંડી આપી દીધી છે. એનપીસીઆઇ પાસેથી પરમિશન મળ્યા બાદ વ્હોટ્સએપ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, આઇસીઆઇસીઆઇ અને એક્સિસ બેંકો સાથે વાત કરી રહ્યું છે.

હવે ટૂંક સમયમાં જ તમે વ્હોટ્સએપ દ્વારા પેમેન્ટ કરી શકશો. NPCIના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ એ.પી. હોતાએ વ્હોટ્સએપને યૂપીઆઇ પેમેન્ટની મંજૂરી આપવાની સ્પષ્ટતા કરી છે.

જણાવી દઇએ કે પહેલીવાર બન્યુ છે કે NPCIએ કોઇ મોબાઇલ એપને પેમેન્ટ માટે મલ્ટી બેન્ક પાર્ટનરશિપની મંજૂરી આપી છે. જો કે વ્હોટ્સએપમાં આ ફીચર ક્યારે આપવામાં આવશે તેની હજી કોઇ જાણકારી મળી શકી નથી. જણાવી દઇએ કે આ પહેલા ટ્રુ કોલર અને હાઇક ભારતમાં યૂપીઆઇ પેમેન્ટ સર્વિસ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એમેઝોન અને ઉબર એપ્સને UPI પેમેન્ટ આપવાની વાત ચાલી રહી છે. જેનું ટેસ્ટિંગ છેલ્લા તબક્કામાં છે. યૂપીઆઇ પેમેન્ટ આપનારી કંપનીઓની લિસ્ટમાં ગૂગલનું નામ પણ છે.

You might also like