ગરીબ ખેલાડીનો હક છીનવીને યુવરાજને રૂ. પાંચ લાખ આપ્યા?

મુંબઈઃ રમતગમત મંત્રાલયે ૨૦૧૨માં ભારતીય ક્રિકેટર યુવરાજસિંહને નાણાકીય મદદ કરી હતી. એ મદદ કેન્સરની સારવાર માટે કરવામાં આવી હતી. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે યુવરાજને સારવાર માટે રૂ. પાંચ લાખ આપવામાં આવ્યા હતા. આ રકમ ખેલાડીઓ માટે રચાયેલા કલ્યાણ કોષમાંથી આપવામાં આવી હતી. રાજ્યસભામાં લેખિત જવાબમાં રમત રાજ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલે આ જાણકારી આપી. રમતપ્રધાનને ભૂતપૂર્વ ખેલાડીઓની પરિસ્થિતિ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કલ્યાણ કોષની સ્થાપના એ ઉત્કૃષ્ટ ખેલાડીઓની નાણાકીય મદદ માટે કરવામાં આવી હતી, જેમણે રમતમાં દેશનું નામ રોશન કર્યું હોય, પરંતુ હવે આવા ખેલાડીઓ ગરીબીમાં જીવી રહ્યા હોય.રમતપ્રધાને જણાવ્યું કે મંત્રાલય એવા ખેલાડીઓની મેડિકલ ટ્રીટમેન્ટ માટે નાણાં ઉપલબ્ધ કરાવે છે, જેમની વાર્ષિક આવક રૂ. બે લાખથી ઓછી હોય. નાણાકીય મદદ રાષ્ટ્રીય કલ્યાણ કોષમાંથી આપવામાં આવે છે. રમતપ્રધાને ૨૦૧૨થી નાણાકીય મદદ મેળવનારા ખેલાડીઓની યાદી પણ રજૂ કરી હતી, જેમાં યુવરાજસિંહનું નામ ટોચ પર હતું. હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું યુવરાજ ગરીબ છે? તેની વાર્ષિક આવક રૂ. બે લાખથી ઓછી છે? તો પછી શા માટે નિયમની વિરુદ્ધ જઈને યુવીને રૂ. પાંચ લાખની મદદ કરવામાં આવી?યુવરાજની માતા શબનમનું કહેવું છે કે રમતપ્રધાન અજય માકને ૨૦૧૨માં યુવીને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. એ વખતે યુવરાજના કેન્સરની સારવાર ચાલી રહી હતી. યુવીની માતાએ જણાવ્યું કે અમે કોઈ મદદ માટે આવેદન કર્યું હતું. અમને એ વાતની જાણકારી પણ નહોતી કે રકમ રાષ્ટ્રીય કલ્યાણ કોષથી આપવામાં આવી છે. શબનમના કહેવા પ્રમાણે, ”અમે નાણાકીય મદદ માટે કોઈને કહ્યું નહોતું. અમે આવેદન પણ આપ્યું નહોતું. ખુદ અજય માકને અમારો સંપર્ક સાધ્યો અને પાંચ લાખ રૂપિયાનો ચેક મોકલ્યો હતો. બીસીસીઆઇએ યુવરાજની સારવાર માટે જે ખર્ચ કર્યો હતો તેની અમે પુનઃ ચુકવણી કરી આપી હતી. કેટલાક લોકોએ પોતાની ઇચ્છાથી મદદ કરી હતી.” ૨૦૧૧માં ભારતે ક્રિકેટ વિશ્વકપ જીત્યો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે યુવરાજસિંહને કેન્સર છે. યુવીએ અમેરિકામાં કેન્સરની સારવાર કરાવી હતી.

You might also like